ઈલ્મ – સૈયદ હામિદ
(માજી વાઈસ ચાન્સેલર, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી)
દીની શિક્ષણ માનવીને જીવન સુંદર રીતે વિતાવવાનું શિખવે છે. જો આ શિક્ષણને આપણી જિંદગીથી અલગ કરી દઈશું તો બચશે શું ? બીજીબાજુ દુન્યવી આધુનિક શિક્ષણ પ્રાપ્ત કરનારાઓને ધર્મથી ગાફેલ થયે પણ પોષાય નહીં. જો ધર્મની જાણકારી જિંદગીમાં મનુષ્યને ન હોય તો ગુમરાહી સિવાય કાંઈ જ પ્રાપ્ત કરી શકશે નહીં, પરંતુ ફક્ત દીની શિક્ષણથી આપણે જગતના બદલાતા પ્રવાહોથી અજાણ રહી જઈશું તો શરીર નિષ્પ્રાણ થઈ જશે.
વિદ્યાપ્રાપ્તિનો આદેશ આપવામાં ઈસ્લામ અન્ય ધર્મો કરતાં આગળ છે. તેણે વિદ્યાપ્રાપ્તિ મુસ્લિમ પુરુષો અને મુસ્લિમ સ્ત્રીઓ માટે અનિવાર્ય ઠરાવેલ છે. શિક્ષણના ક્ષેત્રમાં આપણે ધાર્મિક શિક્ષણ અને દુન્યવી શિક્ષણ વચ્ચે અલગતાવાદ સર્જીશું તો આપણે દીની શિક્ષણથી વંચિત રહીશું અથવા દુન્યવી શિક્ષણથી ! દીની શિક્ષણ માનવીને જીવન સુંદર રીતે વિતાવવાનું શિખવે છે. જો આ શિક્ષણને આપણી જિંદગીથી અલગ કરી દઈશું તો બચશે શું ? બીજી બાજુ દુન્યવી આધુનિક શિક્ષણ પ્રાપ્ત કરનારાઓને ધર્મથી ગાફેલ થયે પણ પોષાય નહીં. જો ધર્મની જાણકારી જિંદગીમાં મનુષ્યને ન હોય તો ગુમરાહી સિવાય કાંઈ જ પ્રાપ્ત કરી શકશે નહીં, પરંતુ ફક્ત દીની શિક્ષણથી આપણે જગતના બદલાતા પ્રવાહોથી અજાણ રહી જઈશું તો શરીર નિષ્પ્રાણ થઈ જશે. મુસ્લિમોને યાદ પણ નહીં રહે કે માર્ગમાં અમોએ શું શું ખોયું ? ખોવાઈ ગયેલું આપણું વિદ્યાધન પુનઃપ્રાપ્ત કરવાની તો વાત જ દૂરની છે.
એવું પણ નથી કે વિદ્યાના આ બે વિભાગો ઈરાદાપૂર્વક પાડવામાં આવ્યા છે ? તેની પાછળ કોઈ આશય કે યોજના ન હતી. આ કૃત્રિમ ભાગલાની પાછળ પશ્ચિમી વસાહતી સંસ્થાન છે અને અમોએ તેમના કાર્યનો જવાબી પ્રતિકાર કર્યો નહીં. તેઓ અમારા માટે દુઃખો ઊભા કરતા રહ્યા છે અને કરતા રહેશે. એટલે તેમની દ્વારા જે વિદ્યા પ્રસાર થશે તેને અડકવામાં આપણને મહાપાપ લાગશે એવી માન્યતાએ અમારા મદ્રસાઓ અને શાળાઓને આધુનિક શિક્ષણથી વંચિત કર્યા છે. ઈસ્લામી શિક્ષણના અનુભવો સ્પષ્ટ દર્શાવે છે કે શોધખોળ અને જિજ્ઞાસાને ઉત્તેજન આપવું. વિદ્યા પુનઃપ્રાપ્તિ કરવાનો આદેશ આપ્યો. વિદ્યાનું જળસિંચન કર્યું અનેક ક્ષેત્રોમાં વધારો કર્યો. સંસ્કૃતિ ઉપર ઈસ્લામનો આ મોટો ઉપકાર છે. મુસ્લિમોની પડતીનો આરંભ ત્યાંથી થયો, જ્યારે તેમણે વિદ્યા સાથેના સંબંધો તોડી નાખ્યા અને દીની ધાર્મિક શિક્ષણની વાડાબંધી કરી. હવે સ્થિતિ એવી થઈ ગઈ કે અમે વિશ્વ સમક્ષ અમારા દીનને સુંદર રીતે રજૂ કરી શકતા નથી. આપણે તેને ખૂણામાં ધકેલી દીધેલ છે. જગતના લાભદાયી વહેતા ઝરણાને અને પ્રકાશના ખજાનાને ચારેબાજુથી ખંભાતી તાળું મારી તેને વહેતો અટકાવી દેવામાં આવેલ છે.
બળવા અને આક્રમણથી ગભરાઈને આપણે આપણા દીની શિક્ષણ સહિત કિલ્લામાં પુરાઈ ગયા. આવી સ્થિતિમાં દીનનું સાચું શિક્ષણ કોણ આપશે ? આકર્ષવાનું કઠણ કર્યા કેવી રીતે થશે ?
આપણે દુનિયાને દીનની નજદીક લાવવા ઈચ્છા ધરાવીએ છે. તેને આપણી બાજુમાં વિદ્યા સાથેનું તેનું અંતર ઓછું કરવું છે. આ નિર્ણય આપણે કરવો પડશે. હિંમત અને બહાદુરીપૂર્વક. મદ્રસાઓમાં જઈને જુઓ આધુનિક શિક્ષણની તરસ તમે વિદ્યાર્થીઓની આંખોમાં ચહેરાઓ ઉપર સ્પષ્ટ નિહાળી શકશો. વિદ્યાર્થીઓ તમારી આસપાસ વિંટળાઈ જશે. કહેશે કે “તમારી વાત સાંભળવામાં મજા આવે છે. તમો નવા વિષયો અભ્યાસક્રમમાં કેમ નથી સમાવતા ?” અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીએ સૈયદ હાસમ સાહેબના જમાનામાં દીની મદ્રસાઓનાં સંચાલકો અને વડાઓનો એક સેમિનાર ગોઠવ્યો તો જેમાં ૭૦ દારૂલ ઉલૂમોએ ભાગ લીધો હતો. નવા વિષયોના પ્રવેશનો સર્વાનુમતે નિર્ણય લેવાયો ત્યાં અભ્યાસક્રમ અને સાધન સામગ્રીની જરૂરિયાત અંગેની તકલીફોની પણ રજૂઆતો થઈ. અર્થાત્ વિદ્વાનો, વિદ્યાર્થીઓ અને સંચાલકો સૌની તૈયારી હતી. જમાનાની માંગણીનો સૌએ સ્વીકાર કર્યો. અમોએ બે કેન્દ્રોમાં અભ્યાસક્રમ તૈયાર કરાવવાની વ્યવસ્થા તો કરી, પરંતુ સાધન સામગ્રીની ઉપલબ્ધતા માટે કોઈ વ્યવસ્થા કરી શક્યા નહીં.
સઘળું કરો, રૂપિયા ના માંગો, પરિણામ ? ફક્ત થોડા મદ્રસા અને દારૂલ ઉલૂમો જેમની પાસે સવલતો અને સગવડો હતી તેમણે અભ્યાસક્રમ પ્રમાણે કાર્ય આરંભ્યું. પરંતુ મોટાભાગના જેમણે “હા” કહી હતી તેઓ સાધનોની પ્રતિક્ષા કરતા બેસી રહ્યા.
એ અરસામાં શિક્ષણ પ્રધાને (માનવ સંસાધન અને વિકાસ ખાતા) મદ્રસાઓના સંચાલકો સાથે ચર્ચાવિચારણા પછી સહાયકારી યોજના બનાવી જે મદ્રસાઓ નવા વિષયો પોતાને ત્યાં દાખલ કરવા ઈચ્છે છે. સરકારે તે વિષયોના ખંડસમયના કે પૂર્ણસમયના શિક્ષકોના પગારો આપવાની તૈયારી બતાવી. સરકારે જાહેર કર્યું કે મદદ મેળવનાર મહાશાળાઓની આંતરિક વ્યવસ્થામાં કોઈ દખલ કરાશે નહીં. આ સહાય ફક્ત તેમને આપવામાં આવશે. જેનું સંચાલન કોઈ સંસ્થા, ટ્રસ્ટ અથવા રજિસ્ટર્ડ વકફ બોર્ડ દ્વારા થતું હશે અને તેની સ્થાપનાને ૩ વર્ષ થઈ ગયા હશે. આવી સંસ્થા વેપારી રાજકારણ કે નફાના ધોરણે ચાલતી ન હોય. જે કોમવાદને પોષતી ના હોય. યોજના ચલાવવાની જવાબદારી રાજ્ય સરકારોને સુપરત થઈ. સહાય મંજૂર કરનાર સમિતિમાં મદ્રસા બોર્ડના કેટલાક પ્રતિનિધિઓ પણ રહેશે. જે વિષયો માટે ઉપરોક્ત સહાય મળશે તે સાયન્સ, ગણિત, સામાજિક વિદ્યા, હિન્દી અને અંગ્રેજી છે. યોજનાનો પ્રથમ તબક્કો પ્રાથમિક શિક્ષણ અને આઠમી પંચવર્ષીય યોજના સુધી મર્યાદિત રહેશે. માધ્યમિક શિક્ષણ સુધી સહાય આપવાની વિચારણા નવમી પંચવર્ષીય યોજના સમયે કરવામાં આવશે. શિક્ષકોને તે પગાર ધોરણ આપવામાં આવશે. જે સંબંધિત રાજ્યના શિક્ષકોને આપવામાં આવે છે.
મારું એ માનવું છે કે જે શાળાઓ આધુનિક વિષયો અભ્યાસક્રમમાં દાખલ કરવા ઈચ્છે છે તેમણે સરકારની આ યોજનાનો પૂરો લાભ ઉઠાવવો જોઈએ. સાવચેતી અવશ્ય રાખવી જોઈએ કે સરકાર આ સહાયને દખલ કરવા માટેનું સાધન ના બનાવે. એ પણ સત્ય છે કે સરકારે દેશની સૌથી મોટી લઘુમતીનો વિશ્વાસ ખોઈ નાખ્યો છે. કદી આપણી જાન-મિલકતના રક્ષણ તરફ ઉપેક્ષા દાખવીને કદી વચનભંગ કરીને તો કદી જાહેરાતોનો ભંગ કરીને. એટલા માટે લઘુમતીના લોકો સરકારી દરેક પગલાં શંકાની દૃષ્ટિએ નિહાળે છે ? તેઓ દરેક સરકારી લાભદાયી યોજના ઉપર તીવ્ર દૃષ્ટિ નાખી જુએ છે કે આમાં કોઈ ચોર તો સંતાયો નથીને ? શરબતમાં ઝેર તો નથીને ? સાવચેતી રાખવી આવશ્યક છે. પરંતુ એટલી હદે શંકાને વધવા ન દો કે આપણી હિંમત તૂટી જાય. જે પ્રગતિનો માર્ગ રોકે. જે આપણા દિલ અને દિમાગને માંદગી અર્પે. જે આપણા દૃષ્ટિકોણમાં વકતા લાવે. શંકા અને સાવચેતી, વહેમ અને તકેદારીમાં ફરક છે. સાવચેતી વિશ્વાસની છાયામાં પોષાય છે. વહેમ આચરણના ઝરણાઓને સૂકવે છે. તકેદારીમાં જીવન અને આશાઓ પાંગરે છે. અલ્લાહ ઉપર અટલ વિશ્વાસ રાખી આપણા કાન અને આપણી સાન ઠેકાણે રાખી નિર્ણયો લઈ આવા સાધનોનો ઉપયોગ કરવો જરૂરી છે. સરકારે જ્યારે યોજના જાહેર કરી છે. તો સંબંધિત અભ્યાસક્રમને એવી રીતે વિસ્તારો કે દીની શિક્ષણમાં કોઈ ઘટે નહીં અને આપણને સહાય પણ મળે. જરૂર પડે. મદ્રસા અથવા મહાશાળાનો સમય અથવા સત્રમાં બંનેમાં વધારો કરી આ યોજનાનો સમન્વય કરી શકાય.
શિક્ષણ પદ્ધતિનું મહત્ત્વ પણ અભ્યાસક્રમ કરતાં જરા પણ ઓછું નથી. એ વાત શંકાથી પર છે. છેલ્લા કેટલાક સેકાઓમાં “એજ્યુકેશન મેથડ” શિક્ષણ પદ્ધતિઓનો ખૂબ વિકાસ થયો છે. આ ફેરફારોનો લાભ આપણે શા માટે ના ઉઠાવવો ? આપણા દારૂલ ઉલૂમો અને મદ્રસાઓના સંચાલકોએ શિક્ષણ પ્રધાન પાસે માંગણી મૂકવી જરૂરી છે કે મદ્રસાઓ અને મહાશાળાઓના શિક્ષકોને શિક્ષણશાસ્ત્રની તાલીમ આપવાની વ્યવસ્થા ગોઠવે. યોગ્ય તો એ છે કે જે કાંઈ આપણને આપવામાં આવી રહ્યું છે. જે કાંઈ અમારા માટે કરવામાં આવી રહ્યું છે તેને અમે સારી રીતે ઝીણવટથી પારખીને જોઈએ. તેમાં જે કાંઈ અમારા માટે લાભદાયક છે તે અપનાવી લઈએ. જે કાંઈ વ્યર્થ જણાય તેને ફગાવી દઈએ. વાત અત્રે પૂરી થતી નથી. વિચારો, આપણને શું અન્ય કોઈ વસ્તુની આવશ્યકતા છે ? એ શક્ય નથી કે અમારી જરૂરિયાતો સરકાર જ વિચાર્યા કરે ! આપણે આપણા અંગે વિચારણા કરીશું નહીં તો બીજાઓને શું પરવા ! સામેવાળાની દાનત ગમે તે હોય આપણે આપણો, આપણા સમાજનો અને આપણા બાળકોનો લાભ જોવાનો છે. આપણે એક બિનસાંપ્રદાયિક લોકશાહી દેશના નાગરિકો છીએ. આપણો હક્ક- આપણા અધિકાર મેળવવા જ રહ્યા. આઠમી યોજનાના છેલ્લા ત્રણ વર્ષમાં સરકારી સહાય પ્રાથમિક શિક્ષણ માટે અપાશે. માધ્યમિક શિક્ષણ માટે નવમી યોજનામાં વિચારાશે. તમોને અનુભવ હશે જે કે સરકારી સહાય મેળવવી તે સિંહણનું દૂધ લાવવા સમાન છે. અમલદારો જાતે તો ખુરશી ઉપર ચિટકી બેસી રહે છે અને સહાય માંગનારને પેટ ભરીને દોડાવે છે. દરખાસ્તોમાં અનેક ખામીઓ કાઢવામાં આવે છે. વાંધા નિકળે છે. પરંતુ ધીરજપૂર્વક એક વખત એ બધું સહન કરી લેશો તો વર્ષો સુધી સહાય પ્રાપ્ત થયા કરશે.