ઈસ્લામના પ્રચાર માટેના નિયમો

રમઝાન સંદેશ-૧૮

કોઈપણ ધર્મ, વિચારધારા કે વ્યવસ્થાના પ્રચાર-પ્રસારના નિયમો, સિદ્ધાંતો અને શિષ્ટાચાર દુનિયામાં સૌપ્રથમ પયગમ્બર હઝરત મુહમ્મદ (સ.અ.વ.)એ દર્શાવ્યા. પવિત્ર કુર્આન અને પયગમ્બર હઝરત મુહમ્મદ (સ.અ.વ.)ના કથનોમાં તેની તાકીદ કરવામાં આવી છે. કુર્આનમાં ઉલ્લેખ છે,
“હૈ પયગમ્બર ! પોતાના અલ્લાહ અને પાલનહારના માર્ગ તરફ તત્વદર્શિતા અને સદુપદેશ સાથે બોલાવો અને એવી પદ્ધતિથી તેમની સાથે ચર્ચા કરો, જે ઉત્તમ હોય.” (કુર્આન, ૧૬ : ૧રપ)
અહીં તાકીદ કરવામાં આવી છે કે આવાહક વિનમ્રતા અને સન્મુખના વ્યાપક હિતને નજર સમક્ષ રાખીને પોતાનો સંદેશ મૂકે, કેમ કે કઠોરતા અને હઠાગ્રહ સન્મુખના હૃદયમાં નફરત અને વૈમનસ્યની ભાવના ઉત્પન્ન કરે છે. પયગમ્બર હઝરત મૂસા અલૈ.ને ઈજીપ્તના તત્કાલીન બાદશાહ ‘ફિરઔન’ને ઈસ્લામના આમંત્રણ માટે મોકલવાના પ્રસંગના હવાલાથી કહેવામાં આવ્યું,
“જાઓ બંને ફિરઔન પાસે, તે વિદ્રોહી થઈ ગયો છે. તેનાથી મૃદુતાથી વાત કરજો, કદાચ તે ધ્યાન આપે કે (ઈશ્વરથી) ડરે.” (કુર્આન, ર૦ : ૪૩-૪૪)
હકીકતમાં ફિરઔનના અત્યાચારથી પ્રજા ત્રાહિમામ પોકારી ઊઠી હતી. તેની યાતનાઓના ત્રાસથી લોકો રાત-દિવસ ધ્રૂજી રહ્યા હતાં. તે વખતે કદાચ ધરતી ઉપર તેનાથી મોટો કોઈ ગુનેગાર નહોતા. તેથી જ કુર્આનમાં અલ્લાહે તેને સૌથી મોટો વિદ્રોહી કહ્યો છે. તેમ છતાં તેને સદુપદેશ આપવા માટે પયગમ્બરને મૃદુતા અને સાલસતાથી વાત કરવાની તાકીદ કરવામાં આવે છે.
તે જ રીતે અંતિમ પયગમ્બર હઝરત મુહમ્મદ (સ.અ.વ)ને મુનાફિકો (દંભીઓ) અંગે, જેઓ પયગમ્બરની અવજ્ઞાના ગુનેગાર હતા, આ આજ્ઞા અલ્લાહ આપે છે,
“અલ્લાહ જાણે છે, જે કંઈ એમના હૃદયોમાં છે; એમને છોડી દો, એમને સમજાવો અને એવી શિખામણ આપો કે એમના હૃદયોમાં ઊતરી જાય.” (કુર્આન, ૪ઃ૬૩) (ઈસ્લામ દર્શન કેન્દ્ર, જૂનાગઢ)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts