ઈસ્લામની મુખ્ય મૌલિક ધારણાઓ

રમઝાન સંદેશ-૩૦

આ તમામ સચ્ચાઈઓને માની લીધા પછી આજ્ઞાપાલન શરૂ થાય છે. સામાન્ય રીતે લોકો નમાઝ, રોઝા, હજ્જ વગેરેને કે પછી અન્ય ધાર્મિક રીત-રિવાજોને જ ‘ઈબાદત’ સમજે છે, પરંતુ ઈસ્લામમાં ‘ઈબાદત’નો અર્થ સીમિત નથી. અલ્લાહની ઈબાદત માત્ર મસ્જિદમાં જ અને નિશ્ચિત સમયે જ નહિં, બલ્કે મનુષ્ય-જીવનના દિવસ-રાતના ચોવીસે કલાકના ખાનગી અને જાહેર જીવનના તમામ કાર્યોનો ઈબાદતમાં સમાવેશ થાય છે. આ ઈબાદતોમાં નમાઝ, ઝકાત, રોઝા અને હજ્જ સામૂહિક હોવાને કારણે વિશેષ મહત્વ ધરાવે છે. નમાઝ દિવસ-રાતમાં પાંચ નિયત સમયે પઢવામાં આવે છે. રોઝા દર વર્ષે સતત એક માસ સુધી રાખવાના હોય છે, જેના માટે રમઝાન માસ નિર્ધારિત છે. ઝકાત એ આર્થિક ઈબાદત છે, જે સાધન-સંપન્ન મુસલમાન પાસેથી નિર્ધારિત માલ-સંપતિ ઉપર વર્ષાન્તે નિશ્ચિત માત્રામાં વસૂલ કરવામાં આવે છે, જે ગરીબો, પીડીતો, નિરાધાર લોકો, જરૂરતમંદો ઉપર ખર્ચ કરવામાં આવે છે. હજ્જ પ્રત્યેક સાધન-સંપન્ન અને મક્કા પહોંચવાનું સામર્થ્ય ધરાવતા મુસલમાન ઉપર જીવનમાં એક વાર અનિવાર્ય છે. ઈસ્લામ કહે છે કે આપણું સમગ્ર જીવન અલ્લાહની ઈબાદતમાં પસાર થવું જોઈએ. અલ્લાહની મરજી અનુસાર કરવામાં આવતા પ્રત્યેક કર્મને ‘ઈબાદત’ કે ઉપાસના કહેવામાં આવે છે. સાચું બોલવું, માતા-પિતાની સેવા કરવી, પાડોસીનું ધ્યાન રાખવું, વચનને પાળવું, મનુષ્યોની સેવા કરવી, ન્યાય અને સમાનતાથી વર્તવું અને ન્યાયની સ્થાપના કરવી, બૂરાઈઓને દૂર કરવી અને ભલાઈઓને ફેલાવવી વગેરે તમામ કાર્યો ઈસ્લામમાં ઈબાદતમાં સામેલ છે. માર્ગમાંથી તકલીફ પહોંચાડનાર કોઈ વસ્તુને હટાવવા જેવા કોઈ નાના કાર્યથી લઈને ઈશમાર્ગમાં કેવળ તેની જ પ્રશંસા કાજે યુદ્ધ કરવા જેવા મોટાં બધા કાર્યો ‘ઈબાદત’ છે. પત્નીના મોઢામાં પ્રેમથી કોળીયો મૂકવો અને કાયદેસર લગ્ન-સંબંધ દ્વારા પોતાની જાતીય ઈચ્છા પૂરી કરવાને પણ ઈસ્લામ ‘બંદગી’ કહે છે, જેનું પૂણ્ય મળે છે. ટૂંકમાં, ઈસ્લામ એક સંપૂર્ણ જીવન-વ્યવસ્થા છે. ઈસ્લામની પોતાની નૈતિક, પારિવારિક, સામાજિક, આર્થિક, આધ્યાત્મિક, રાજકીય વ્યવસ્થા છે. તે માત્ર કલ્પના નથી, બલ્કે ભૂતકાળમાં વ્યવહારૂ રીતે તેની સ્થાપના થઈ ચૂકી છે. (ઈસ્લામ દર્શન કેન્દ્ર, જૂનાગઢ)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts