ઉત્તરપ્રદેશના એટાહમાં દલિત યુવકનો આરોપ જાતિના કારણે ત્રણ વાળંદોએ વાળ કાપવાની ના પાડી

 

ઉત્તરપ્રદેશના એટાહ જિલ્લાના વાલ્મીકિ સમુદાયના એક યુવાને સ્થાનિક વાળંદો પર આરોપ લગાવ્યો છે કે, તેમણે તેની જાતિને કારણે તેના વાળ કાપવાની ના પાડી દીધી અને તેની સામે જાતિસૂચક અપશબ્દોનો પ્રયોગ કર્યો. તેણે જૈથરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને દુકાનદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે

 

(એજન્સી) તા.૨
આ ઘટના ૧લી નવેમ્બરે જૈથરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના પરૌલી ગામમાં બની હોવાનું કહેવાય છે. સેવારામના પુત્ર અજીતના જણાવ્યા અનુસાર તે સવારે લગભગ ૧૦ વાગ્યે વાળંદ બબલુની દુકાને વાળ કપાવવા ગયો હતો. તેણે આરોપ લગાવ્યો કે, બબલુએ તેને પોતાના જ ગામના કોઈ વાળંદ પાસે જવા કહ્યું અને ત્યાંથી પાછો કાઢી મૂક્યો.
ત્યારબાદ અજીત ખુશીરામના પુત્ર સુખવીરની દુકાને ગયો, જે પોતે પણ પરૌલી સુહાગપુરનો રહેવાસી છે. અજીતનો આરોપ છે કે, સુખવીરે તેને કહ્યું કે, તે વાલ્મીકિ સમુદાયના લોકોના વાળ કાપતો નથી. ત્યારબાદ તે શંકરની દુકાને ગયો, જ્યાં તેની સાથે ગાળાગાળી કરવામાં આવી અને ત્યાંથી ભગાડી દેવાની ધમકી આપવામાં આવી. અજીતે જણાવ્યું કે, શંકરે જાતિસૂચક ટિપ્પણીઓ કરી અને તેને અપશબ્દો કહ્યા.આ ઘટના વિશે વાત કરતા અજીતે પ્રશ્ન ઉઠાવ્યો કે, વાળ કપાવવા જેવી રોજિંદી સેવા મેળવવા માટે જાતિ કેમ નિર્ણાયક પરિબળ હોવી જોઈએ ? તેણે કહ્યું કે, વિવિધ સમુદાયોના લોકો સરકારી નોકરીઓ માટે અરજી કરે છે અને જાહેર જીવનમાં ભાગ લે છે, તેમ છતાં તેના સમુદાયના લોકોને પાયાની સેવાઓ મેળવતી વખતે પણ ભેદભાવનો સામનો કરવો પડે છે. અજીતે પોલીસને આ આરોપોની તપાસ કરવા અને ત્રણેય દુકાનદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી કરી છે. જૈથરા પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસર (SHO) સુનીલ કુમાર વર્માએ પુષ્ટિ કરી કે પોલીસને ફરિયાદ મળી છે અને તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, દુકાનદારોને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવશે અને જો આરોપો સાબિત થશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks