(એજન્સી) તા.૨૨
ગાઝિયાબાદ જિલ્લાના ડાસના દેવી મંદિરના મહંત યતિ નરસિંહાનંદ ગિરી ફરી એકવાર વિવાદમાં છે. યતિ નરસિંહાનંદ ગિરી વિરૂદ્ધ નફરત ફેલાવવા અને જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ વિરૂદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી. ગાઝિયાબાદના વેવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી હ્લૈંઇ મુજબ, ડાસના દેવી મંદિરના પૂજારી પર મહાત્મા ગાંધી વિરૂદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવાનો અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા, ગુનાહિત ધાકધમકી આપવા, અપમાન, બદનક્ષી અને જાહેર શાંતિને ખલેલ પહોંચાડવાના ઈરાદાથી શબ્દોનો ઉપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
ફરિયાદીએ એવો પણ આરોપ લગાવ્યો છે કે નરસિંહાનંદે એક વીડિયોમાં ગાઝિયાબાદ પોલીસ કમિશનર અને લોનીના સહાયક પોલીસ કમિશનર વિરૂદ્ધ અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ગ્રામીણ) સુરેન્દ્રનાથ તિવારીએ જણાવ્યું હતું કે શુક્રવારે વેવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, નરસિંહાનંદના નિવેદનો ઉશ્કેરણીજનક હતા અને તેનો હેતુ સાંપ્રદાયિક સૌહાર્દ બગાડવાનો હતો. અધિકારીએ જણાવ્યું કે આ મામલાની તપાસ ચાલુ છે.તમને જણાવી દઈએ કે મહંત યતિ નરસિંહાનંદ ગિરી ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાના ડાસના સ્થિત શિવ શક્તિ ધામ (દેવી મંદિર)ના મુખ્ય પૂજારી છે. તે જૂના અખાડાના મહામંડલેશ્વર પણ છે. તેમનું મૂળ નામ દીપક ત્યાગી હોવાનું કહેવાય છે. તે પશ્ચિમ ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાનો વતની છે. યતિ નરસિંહાનંદ ઘણીવાર તેના વિવાદાસ્પદ નિવેદનો અને પ્રવૃત્તિઓને કારણે ચર્ચામાં રહે છે.