ગેરકાયદેસર રીતે ચાલી રહ્યા હોવાનું કારણ આગળ બતાવીને યોગી સરકારની વ્યાપક મદ્રેસા વિરોધી ઝુંબેશ
(એજન્સી) લખનૌ, તા.૩૦
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વડપણ હેઠળની ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યમાં નેપાળની સરહદ પર આવેલા જિલ્લાઓના ડઝનબંધ મદ્રેસાઓને ગેરકાયદે ચાલી રહ્યા હોવાનું કારણ આગળ બતાવીને સીલ મારી દીધા હોવાનું જાહેર થયું છે. ખૂબ જ વ્યાપક અને મોટા પાયે કરવામાં આવેલી મદ્રેસા વિરોધી ઝુંબેશ દરમિયાન અનેક મદ્રેસા સીલ કરી દેવામાં આવ્યા હતા અથવા તો બિલકુલ બંધ કરાવી દેવામાં આવ્યા હતા અને કેટલાક ઉપર તો બુલડોઝર પણ ફેરવી દેવામાં આવ્યા હતા તેમ જાહેર થયું છે. જમીન દબાવીને આ મદ્રેસા બાંધવામાં આવ્યા હોવાનું કારણ બતાવીને કેટલાક મદ્રેસાને તોડી નાખવામાં આવ્યા હતા. સત્તાવાળાઓએ એવો દાવો કર્યો હતો કે આ તમામ મદ્રેસા નોંધાયા વિના અને ગેરકાયદે રીતે ચાલી રહ્યા હતા અને તેમની પાસે કોઈ કાયદેસરના દસ્તાવેજો પર નહોતા. જોકે આ કાર્યવાહી સામે મુસ્લિમ સમુદાયમાં ભારે વિરોધ ઊભો થયો છે અને ભાજપની રાજ્ય સરકાર મુસ્લિમ વિરોધી એજન્ડાના ભાગરૂપે કાર્યવાહી કરી રહી હોવાનો આક્ષેપ થયો છે. એકલા શ્રાવ વસ્તી જિલ્લામાં જ ૧૭ મદ્રેસા સીલ કરવામાં આવ્યા હતા. યોગ્ય રીતે નોંધણી કરાવી ન હોવાનું કારણ દર્શાવાયું હતું. એ પછી ધીંગા અને ઇકોના વિસ્તારોમાં ૧૩ જેટલા મદ્રેસા તેમ જ બહરાઈચ જિલ્લાના રૂપેદીયા વિસ્તારમાં ત્રણ મદ્રેસા સીલ કરી દેવામાં આવ્યા હતા. એક મદ્રેેસામાંથી વાંધાજનક દસ્તાવેજો મળ્યા હોવાનું કહીને પોલીસ તપાસ પણ શરૂ કરી દેવામાં આવી હતી. બલરામપુરમાં ૨૧ મદ્રેસા કોઈ કાનૂની દસ્તાવેજો કે નોંધણી વિના ચાલી રહ્યા હોવાનું સ્થાનિક તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું તેમાંથી ૧૨ મદ્રેેસા બંધ કરાવી દેવામાં આવ્યા હતા. જિલ્લા કલેકટર પવન અગરવાલે એવો ખુલાસો કર્યો હતો કે પૂરી ઊંડી તપાસ કર્યા પછી જ આ કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે મહારાજગંજના રામનગર ગામમાં તો એક મદ્રેેસા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. જમીન પર દબાણ કરીને ગેરકાયદેસર મદ્રેસાનું બાંધકામ થયાનું કહીને તેને તોડી પાડવામાં આવવાનું જાહેર થયું હતું. આ કામગીરીનો પણ જિલ્લા મેજિસ્ટ્રેટ અનુનય જહા દ્વારા બચાવ કરવામાં આવ્યો હતો અને એવો દાવો કર્યો હતો કે આ મદ્રેસાનું બાંધકામ જ ગેરકાયદે હતું. બીજા પણ કેટલાક ધાર્મિક બાંધકામોને તોડી પાડવામાં આવ્યા છે. મહારાજગંજમાં એક અવાવરુ જગ્યામાં બાંધવામાં આવેલા એક ધર્મસ્થાનને પણ તોડી પાડવામાં આવ્યું હતું અને બીજા કેટલાક બાંધકામને દૂર કરવા માટે નોટિસો આપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ પછી પણ યોગી સરકાર દ્વારા રાજ્યના મદ્રેસાઓ સામે આક્રમક કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે જેના કારણે મુસ્લિમ સમુદાયમાં ભારે રોષ પેદા થયો છે. સરકાર તો પોતાની કાર્યવાહીને કાનૂની અને વાજબી ગણાવી રહી છે પણ આ કામગીરીને પગલે લઘુમતીઓના અધિકારો તથા ધાર્મિક આઝાદી અને રાજ્યમાં મઝહબી શિક્ષણના અધિકારો અને ભૂમિકા અંગે ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે.