ઉત્તરાખંડ સરકારે નોંધણી ન કરાવનાર ૧૩૬ “મદ્રેસા”ને સીલ મારી એમને મળતા ફંડ અંગે તપાસનો પ્રારંભ કર્યો

બંધ થયેલા મદ્રેસાના બાળકોને અન્ય માન્ય મદ્રેસા અને શાળાઓમાં મોકલી દેવાની રાજ્યના મદ્રેસા બોર્ડના ચેરમેનની ખાતરી

(એજન્સી)               દેહરાદુન, તા.૨૫
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંઘ ધામીએ રજીસ્ટ્રેશન કરાવ્યા વિના અને યોગ્ય કાનૂની પ્રક્રિયા કરાવ્યા વિના ચલાવવામાં આવી રહેલા મદ્રેસાઓને ફંડ ક્યાંથી મળે છે તેના સ્ત્રોતની તપાસ કરવા માટે વહીવટી તંત્રને આદેશ આપ્યો છે. રજીસ્ટ્રેશન કરાવ્યું ન હોય એવા રાજ્યના ૧૩૬ મદ્રેસાઓને સીલ મારી દેવામાં આવ્યા છે તેમ જાહેર થયું છે. સરકારના અંદાજ મુજબ નોંધણી ન કરાવી હોય એવા ૫૦૦ જેટલા મદ્રેસા રાજ્યમાં ચાલે છે એટલે એ તમામ રજીસ્ટ્રેશન વગરના મદ્રેસાઓ પણ તૂટી પડવાનો અને એમને બંધ કરવાનો તંત્રને આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યમાં શિક્ષણ વિભાગ અને ઉત્તરાખંડ મદ્રેસા બોર્ડ દ્વારા માન્ય હોય અને રજીસ્ટર કરાવેલા હોય એવા ૪૫૦ મદ્રેસાઓ છે. માર્ચ મહિનાથી સરકારે નોંધણી વગરના મદ્રેસાઓ સામે અભિયાન શરૂ કરી દીધું છે. આ મદ્રેસાઓ સોસાયટીઝ રજીસ્ટ્રેશન એક્ટ અંતર્ગત ચાલતા હોવાનું બહાર આવ્યું છે પરંતુ એમને શિક્ષણ વિભાગ તરફથી જરૂરી મંજૂરી મળી નથી. સીલ કરવામાં આવેલા મોટાભાગના મદ્રેસા યુપીની સરહદ પાસેના શહેરોમાં આવેલા છે અને સરકારે યુપીની બોર્ડર પર મદ્રેસા હોવાથી સુરક્ષાનો મુદ્દો પણ ઉજાગર કર્યો છે. અધિકારી સૂત્રો જણાવે છે કે રાજ્યમાં ગેરકાયદે મદ્રેસા તથા બિનઅધિકૃત ધાર્મિક જગ્યાઓ અને દબાણવાળી જગ્યાઓ સામે અભિયાન ચાલુ જ રહેશે.  જિલ્લા વાર સીલ કરાયેલા મદ્રેસાઓની વાત કરીએ તો ઉધમસિંહનગર જિલ્લામાં ૬૪, દેહરાદુન માં ૪૪, હરિદ્વારમાં ૨૬, અને પૌડી ગઢવાલમા બે મદ્રેસાને સીલ કરવામાં આવ્યા છે તેવું સરકારે જાહેર કર્યું છે. આ કાર્યવાહી ઉપરાંત આ તમામમદ્રેસાને મળતા ફંડના સ્ત્રોતને શોધવા માટેની તપાસ પણ શરૂ કરી દેવાનો મુખ્યમંત્રીએ આદેશ આપી દીધો છે. જમિયત ઉલેમા-એ-હિન્દના ઉત્તરાખંડ રાજ્યના સેક્રેટરી ખુરશીદ અહેમદે રાજ્ય સરકારના પગલાની ઝાટકણી કાઢી છે અને આ કાર્યવાહીને ગેરકાયદે ગણાવી છે. તેમણે જણાવ્યું છે કે સીલ મારતા પહેલા મદ્રેસા સંચાલકોને પૂરતો સમય અને નોટિસ પણ આપવામાં આવ્યા નથી. પવિત્ર રમઝાન મહિનામાં જ્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ તેમના ઘરે ગયા હોય છે ત્યારે આ કાર્યવાહી કરવામાં આવી છે જેનાથી એમના શિક્ષણને અસર થશે અને શિક્ષણકાર્ય ખોરવાઈ જશે. બીજી તરફ ઉત્તરાખંડ મદ્રેસા બોર્ડના અધ્યક્ષ મુફતી કાઝમીએ એવી ખાતરી આપી છે કે સીલ કરાયેલા મદ્રેસાના વિદ્યાર્થીઓને અન્ય માન્ય મદ્રેસા અને શાળાઓમાં ભરતી કરાવવામાં આવશે અને બાળકોના શિક્ષણ અધિકારનું ઉલ્લંઘન ન થાય એ અમે સુનિશ્ચિત કરીશું. શાળાઓ અને મદ્રેસાના અભ્યાસક્રમ સમાન રહે તે માટે પણ પ્રયાસો થઈ રહ્યા છે અને કેટલાક મદ્રેસાઓને એ રીતે મોડેલ તરીકે વિકસાવવામાં આવ્યા છે. રાજ્યના તમામ ૧૩ જિલ્લાઓમાં જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સર્વે કરવામાં આવ્યો છે પણ તેનો અહેવાલ હજુ જાહેર કરાયો નથી. રાજ્યના રજીસ્ટર નથી થયેલા તેવા મદ્રેસાઓમાં અભ્યાસક્રમ દારુલ ઉલુમ દેવબંધ અને દારુલ ઉલુમ નદવતુલ ઉલ્લેખમાં ભણાવવામાં આવે છે એટલે રાજ્યના મદ્રેસા બોર્ડનો અભ્યાસક્રમ તેમાં ચલાવવામાં આવતો નથી. હાલ તો સીલ થયેલા મદ્રેસા અંગે વિવાદ ઊભો થયો છે અને આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts