સહારનપુરમાં કાનૂની પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલાં મસ્જિદ પર બુલડોઝર ફેરવાતાં વહીવટીતંત્રની ભૂમિકા સામે પ્રશ્નો; લઘુમતીઓ પ્રત્યેના પૂર્વગ્રહયુક્ત વલણ અને બંધારણીય મૂલ્યોના હનન સામે માનવાધિકાર કાર્યકર્તાની ગંભીર ચિંતા
(એજન્સી) તા.૯
ઉચ્ચ અદાલતમાં પડકારવાની તૈયારી ચાલી રહી હતી તે જ સમયે કોર્ટના આદેશનું બહાનું ધરીને સહારનપુર વહીવટીતંત્ર દ્વારા એક જૂની મસ્જિદને તોડી પાડવામાં આવી છે. જ્યારે કથિત ઉલ્લંઘન અથવા ગુનો મુસ્લિમો દ્વારા કરવામાં આવ્યો હોય ત્યારે વહીવટીતંત્ર અત્યંત પૂર્વગ્રહયુક્ત બનીને “કાયદાના શાસન”નો અમલ કરવા માટે તત્પર થઈ જાય છે, પરંતુ જ્યારે હિન્દુ સમુદાયના અસામાજિક તત્વો કાયદો હાથમાં લે છે, તેનું ઉલ્લંઘન કરે છે અને તેની અવહેલના કરે છે ત્યારે તંત્ર આંખ આડા કાન કરે છે. રાજ્યના તંત્ર દ્વારા કરવામાં આવતો આવો ખુલ્લો અને સ્પષ્ટ પૂર્વગ્રહ માત્ર શરમજનક જ નથી પરંતુ અત્યંત ખતરનાક અને અસંવૈધાનિક પણ છે.રેલવે, એરપોર્ટ, હાઇવે અને પોલીસ સ્ટેશનો સહિતના સરકારી કાર્યાલયો જેવા મહત્વપૂર્ણ જાહેર સ્થળો પર અવરોધરૂપ બનતાં ધાર્મિક સ્થળો-ચારેય હિન્દુ હોય, મુસ્લિમ હોય કે અન્ય કોઈ પણ-તે એક સંવેદનશીલ મુદ્દો છે. પરંતુ આ બાબતોને ખૂબ જ કાળજી, ગંભીરતા અને સંબંધિત સમુદાયોના સહયોગથી ઉકેલવાની જરૂર છે. કાયદાનો અમલ તમામ માટે સમાન રીતે થવો જોઈએ. આજે પરિસ્થિતિ એવી છે કે મોટાભાગના પોલીસ સ્ટેશનોમાં હિન્દુ તહેવારો ઉજવવામાં આવે છે અને પરિસરમાં મંદિરો આવેલા છે. દરેક થાણામાં જન્માષ્ટમી ઉજવાય છે અને પોલીસ કર્મચારીઓ તમામ ધાર્મિક પ્રવૃત્તિઓમાં સહયોગ આપે છે, પરંતુ જો કોઈ મુસ્લિમ વ્યક્તિગત રીતે પણ નમાજ અદા કરે તો તે “ખતરો” બની જાય છે.બીજી તરફ, કાવડ યાત્રા દરમિયાન હજારો કાવડિયાઓ રસ્તાઓ પર ટ્રાફિક અને સામાન્ય જનજીવન માટે મુશ્કેલીઓ ઊભી કરે છે, છતાં તેમની સાથે એવો વ્યવહાર કરવામાં આવે છે જાણે તેઓ કોઈ યુદ્ધ જીતીને આવ્યા હોય અને રાજ્યનું તંત્ર તેમના પર પુષ્પવર્ષા કરે છે. શ્રાવણ મહિનો પૂરો થયા પછી હરિદ્વારમાં લાખો ટન કચરો છોડી દેવામાં આવે છે જે નદીઓમાં વહી જાય છે, છતાં ધાર્મિક લાગણીઓ અને સદીઓ જૂની પરંપરાઓના નામે આ બધું સ્વીકાર્ય ગણવામાં આવે છે. સરકાર આવા આયોજનોને અનુકૂળતા કરી આપે તે આવકારદાયક છે, પરંતુ શું સરકારે તેના વહીવટીતંત્રને અન્ય ધર્મોની ધાર્મિક લાગણીઓનું સન્માન કરવાનો આદેશ ન આપવો જોઈએ? એક સમય હતો જ્યારે આપણે કહેતા હતા કે સરકારી કચેરીઓ અને સંસ્થાઓએ “બિનસાંપ્રદાયિક” રહેવું જોઈએ-એટલે કે તમામ ધર્મો પ્રત્યે સમાન આદર અથવા સમાન અંતર જાળવવું જોઈએ. પરંતુ આજે સમગ્ર શાસન વ્યવસ્થા મુસ્લિમો અને ખાસ કરીને દલિતો અને આદિવાસીઓ પ્રત્યેના દ્વેષનું સાધન બની રહી છે. ગુજરાતમાં પોતાની પત્નીની હત્યા કરનાર એક આરોપીને પોલીસ દ્વારા જાહેર રસ્તા પર માર મારવામાં આવ્યો હતો. લિવ-ઇનમાં રહેતા આ મુસ્લિમ શખ્સે તેની હિન્દુ ભાગીદારની અમાનુષી હત્યા કરી હતી, અને લોકો એવી દલીલ કરી રહ્યા છે કે આવા વ્યક્તિ સાથે આવો જ વ્યવહાર થવો જોઈએ. પોલીસ કર્મચારીઓ પણ જાણતા હતા કે હિન્દુ જનતા તેમને સમર્થન આપશે. પરંતુ જો આપણા જાહેર ખાતાઓ સોશિયલ મીડિયા રીલ્સ બનાવીને વધુ વ્યુઝ મેળવવા માંગતા હોય તેમ કામ કરવા લાગશે, તો કાયદાનું શાસન સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે. આ જ રીતે, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પાસેથી પ્રતિક્રિયા માગવા બદલ બે મહિલા પત્રકારોને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો. આજના સોશિયલ મીડિયા યુગમાં પત્રકારો ઘણીવાર ઉશ્કેરણીજનક રીતે પ્રશ્નો પૂછે છે તે જાણીતી વાત છે, પરંતુ આ મહિલા પત્રકારો સાથે થયેલી મારપીટ માત્ર તેઓ પત્રકાર હતા એટલે નહીં, પરંતુ તેઓ મુસ્લિમ હોવાના કારણે થઈ હોવાનું પ્રતિક થાય છે. આ બાબતો અત્યંત ગંભીર છે અને તેમાં વહીવટી સુધારાની તાતી જરૂરિયાત છે. કોણ સાચું છે અને કોણ ખોટું તેનો નિર્ણય કરવાનો અધિકાર પોલીસ, વહીવટીતંત્ર કે સમાજનો નથી. તેના માટે ચોક્કસ પ્રક્રિયા અને ન્યાયિક પ્રણાલી અસ્તિત્વમાં છે. ન્યાયિક વ્યવસ્થાની એ જ તાકાત છે કે નીચલી અદાલતોના ચુકાદાઓ ઘણી વખત ઉચ્ચ અદાલતો દ્વારા બદલી નાખવામાં આવે છે. તો પછી સહારનપુરમાં મસ્જિદ તોડી પાડવાની આટલી ઉતાવળ કેમ કરવામાં આવી? શું વહીવટીતંત્ર સારી રીતે જાણતું હતું કે મસ્જિદ કમિટી ઉચ્ચ અદાલતમાં જશે, અને તેઓ તેની રાહ જોવા માંગતા ન હતા? સર્વોચ્ચ અદાલતે હવે આ બાબતે યોગ્ય દિશાનિર્દેશ આપવાની જરૂર છે. જો આપણા વહીવટી માળખામાં લઘુમતીઓ અને વંચિતો પ્રત્યેનો પૂર્વગ્રહ ચાલુ રહેશે તો આપણા બંધારણ અને સમાજને પૂરવા પાત્ર ન હોય તેવું નુકસાન થશે. વળી, SIR પ્રક્રિયાએ પણ લોકોમાં, ખાસ કરીને મુસ્લિમો અને જેમના નામો માત્ર કોઈની ખોટી ફરિયાદ પરથી હટાવી દેવામાં આવ્યા છે તેવા અન્ય લોકોમાં ગંભીર અસુરક્ષા ઊભી કરી છે. માત્ર વ્યક્તિગત ફરિયાદોના આધારે હજારો લોકોના મતાધિકાર છીનવી લેવાની આવી હળવી પ્રક્રિયાને કેવી રીતે મંજૂરી આપી શકાય? એક સમયે કાયદો અને બંધારણ રાજ્યની મનસ્વીતા સામે નાગરિકોના રક્ષણ માટેના સૌથી મોટા શસ્ત્રો હતા, પરંતુ આજે લોકોના જીવનને સુધારવાને બદલે તેમને ડરાવવા માટે કાયદાઓનો ઉપયોગ થઈ રહ્યો છે. અત્યાર સુધી રાજકીય પક્ષોનો પ્રતિભાવ ખૂબ જ સાવચેતીભર્યો રહ્યો છે અને મોટાભાગના પક્ષો માત્ર ટિ્વટ કરીને સંતોષ માની રહ્યા છે. ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે લોકોને ધ્રુવીકૃત કરવાના પ્રયાસો વધશે. વિપક્ષી પક્ષોએ સરકાર પાસે જવાબદેહી માંગવી પડશે. વહીવટીતંત્ર અને ન્યાય પ્રણાલીને કોઈ ચોક્કસ વિચારધારા કે રાજકીય પક્ષ પ્રત્યે નહીં, પરંતુ બંધારણ અને કાયદાના શાસન પ્રત્યે જવાબદારીપૂર્વક કાર્યરત કરવી જોઈએ. કાનૂની ક્ષેત્રના નિષ્ણાતો અને રાજકીય પક્ષોએ આ મુદ્દે આગળ આવીને અવાજ ઉઠાવવો પડશે. રાજ્ય તંત્રે યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ અને પીડિતોને તમામ ઉપલબ્ધ કાનૂની માર્ગો અપનાવવાનો અધિકાર છે. દેશમાં બંધારણનું શાસન બહાલ રહે અને તમામ વહીવટી સંસ્થાઓ દ્વારા યોગ્ય કાનૂની પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.
– વિદ્યાભૂષણ રાવત
(સૌ.ઃ કાઉન્ટરવ્યુ.નેટ)