પર્થ, તા.૯
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી મેચ ૧૪ ડિસેમ્બરે ગાબામાં રમાશે. એડિલેડ ટેસ્ટમાં મળેલી હારથી ભારતીય ટીમને ઘણો મોટો ફટકો પડ્યો છે. ટીમે ના ફક્ત આ મેચ ગુમાવી ઓસ્ટ્રેલિયાને પુનરાગમનની તક આપી છે પણ પોતાની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલનો માર્ગ પણ મુશ્કેલ બનાવી લીધો છે. હવે રોહિત શર્મા એન્ડ બ્રિગેડે સમજી વિચારીને આગળ વધવું પડશે. ઓસ્ટ્રેલિયા પર વળતો હુમલો કરવા માટે ભારતે ચાર ફેરફાર કરવા જરૂરી છે.
- રોહિત શર્માએ ઓપનિંગ કરવું જોઈએ :-
રોહિત શર્માની ગેરહાજરીમાં કે.એલ. રાહુલે ભલે પર્થ ટેસ્ટમાં સારૂં પ્રદર્શન કર્યું હોય પણ ટીમમાં પુનરાગમન બાદ હિટમેને પોતાના નિયમિત સ્થાને જ રમવું જોઈએ. એડિલેડ ટેસ્ટમાં રોહિતે ઘણા સમય બાદ મિડલ ઓર્ડરમાં બેટિંગ કરી અને તે બિલકુલ પણ સહજ દેખાયો નહીં. જ્યારે કે.એલ. રાહુલને હાલના સમયમાં મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવાનો અનુભવ છે. આવામાં રોહિતે ગાબા ટેસ્ટમાં પોતાને પ્રમોટ કરવો જોઈએ. - અશ્વિનના સ્થાને જાડેજા અથવા સુંદર :-
પર્થ ટેસ્ટમાં વોશિંગ્ટન સુંદરને ભારતીય ટીમે તક આપી હતી, જ્યારે એડિલેડ ટેસ્ટમાં અશ્વિનને તેના પિંક બોલમાં શાનદાર રેકોર્ડના પગલે સ્થાન મળ્યું. જો કે, આ બંને ખેલાડી પોતાની છાપ છોડવામાં નિષ્ફળ ગયા. આવામાં ટીમ ઇન્ડિયા ત્રીજી ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાને ટ્રાઇ કરી શકે છે. જાડેજા બેટિંગ અને બોલિંગ ઉપરાંત ફિલ્ડિંગમાં પણ પોતાનું યોગદાન આપી શકે છે. જાડેજાએ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથ અને લાબુશેનને પણ ઘણો પરેશાન કરી ચૂક્યો છે. - રાણાના સ્થાને આકાશ દીપ :-
એડિલેડ ટેસ્ટમાં ભારતીય પેસ એટેકની નબળી કડી હર્ષિત રાણા રહ્યો. પ્રથમ ઇનિંગમાં તેણે ૧૮ ઓવર બોલિંગ કરી જેમાં એક પણ વિકેટ લીધા વિના ૮૬ રન ખર્ચ કર્યા. બેટિંગમાં પણ તે પૂરી રીતે ફ્લોપ રહ્યો. બંને ઇનિંગોમાં તે ખાતું પણ ખોલી શક્યો નહીં. આવામાં ભારત ગાબા ટેસ્ટમાં આકાશ દીપને તક આપી પોતાનો પેસ એટેક મજબૂત કરી શકે છે. આકાશ દીપે હાલમાં જ ઘણું સારૂં પ્રદર્શન કર્યું છે. - બેટિંગ એપ્રોચમાં ફેરફાર, સંયમની ટેસ્ટ :-
બોલરો સામે ભારતીય બેટ્સમેન જેટલા ટકી રહેશે એટલું જ ઓસ્ટ્રેલિયા પરેશાન થશે. આ રણનીતિ ગત ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ટીમ ઇન્ડિયાએ અપનાવી હતી. પર્થ ટેસ્ટમાં તો અનેક ખેલાડીઓએ આવો સંયમ બતાવ્યો પણ એડિલેડમાં આવું દેખાયું નહીં. પ્રથમ ઇનિંગમાં કોઈપણ બેટ્સમેન ૭૦ બોલના આંકડા સુધી પહોંચી શક્યો નહીં. જ્યારે બીજી ઇનિંગોમાં તો કોઈ બેટ્સમેન ૫૦ બોલ પણ રમી ના શક્યો. ગાબામાં ટીમ ઇન્ડિયાએ પોતાના બેટિંગ એપ્રોચ બદલવાની જરૂર છે અને પોતાના ડિફેન્સ પર વિશ્વાસ વ્યક્ત કરતા અમુક ખેલાડીઓએ લાંબી બેટિંગ કરવી પડશે.