ઓળખો પૂજા કુમાર ઝાને : ઢાકા સેમિનારમાં જમ્મુ-કાશ્મીરના ખોટા નકશા સામે વાંધો ઉઠાવી હેડલાઇન્સમાં ચમકનારાં UPSC ટોપર

તેમનાં આ સાહસિક પગલાથી ભારતીય વિદેશ સેવા (IFS) અધિકારી ચર્ચામાં આવ્યાં; પિતા ઑફિસ હેલ્પર હતા, અત્યંત ગરીબી વચ્ચે પ્રથમ પ્રયાસે જ મેળવી હતી સફળતા

(એજન્સી) નવી દિલ્હી/ઢાકા, તા.૧૪
બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં આયોજિત એક સેમિનાર દરમિયાન અડગ આત્મવિશ્વાસ સાથે ભારતનો પક્ષ રજૂ કરનારા ભારતીય વિદેશ સેવા (IFS)ના અધિકારી પૂજા કુમાર ઝા હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રશંસા મેળવી રહ્યા છે. આ સેમિનારમાં પ્રદર્શિત કરવામાં આવેલા ભારતના નકશામાં જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાનના હિસ્સા તરીકે દર્શાવવામાં આવ્યું હતું. આ જોતાં જ પૂજા કુમાર ઝાએ ક્ષણભરનો પણ વિલંબ કર્યા વિના મક્કમ અવાજે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે સભા વચ્ચે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “અહીં પ્રદર્શિત થઈ રહેલો ભારતનો નકશો ખોટો છે. જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ છે.” આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં જ વિદેશી ધરતી પર દેશનું પ્રતિનિધિત્વ કરતી વખતે તેમના દ્વારા બતાવવામાં આવેલી ગરિમા અને આત્મવિશ્વાસને લોકો બિરદાવી રહ્યા છે. જો કે, પૂજા કુમાર ઝાની ઓળખ માત્ર આ વાયરલ વીડિયો પૂરતી સીમિત નથી. તેમની આ સફળતા પાછળ સંઘર્ષ, આર્થિક તંગી અને શિક્ષણના જોરે નસીબ બદલવાની એક અદભુત પ્રેરણાદાયી વાર્તા છુપાયેલી છે. મીડિયા અહેવાલો અનુસાર, પૂજા કુમાર ઝા ૨૦૨૨ની બેચના આઈએફએસ (IFS) અધિકારી છે અને હાલમાં તેઓ ઢાકા ખાતેના ભારતીય હાઈ કમિશનમાં સેકન્ડ સેક્રેટરી (પોલિટિકલ એન્ડ ઇન્ફોર્મેશન) તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ સેમિનારમાં જ્યારે પૂર્વ બાંગ્લાદેશી રાજદ્વારી અહેમદ તારિક કરીમ વક્તવ્ય આપી રહ્યા હતા, ત્યારે તેમની પાછળની સ્ક્રીન પર આ ખોટો નકશો દર્શાવવામાં આવ્યો હતો. પૂજાના ત્વરિત વાંધા બાદ કરીમે સ્પષ્ટતા કરવી પડી હતી કે આ નકશો માત્ર પ્રતીકાત્મક હતો, વાસ્તવિક રાજકીય સરહદ દર્શાવવા માટે નહીં. આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનો પક્ષ મજબૂતીથી રાખનારા પૂજા કુમાર ઝાએ વર્ષ ૨૦૨૧માં પોતાના પ્રથમ જ પ્રયાસમાં દેશની સૌથી અઘરી ગણાતીUPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા પાસ કરીને સમગ્ર ભારતમાં ૮૨મો રેન્ક (AIR ૮૨) મેળવ્યો હતો. તેમનું મૂળ વતન બિહારના સીતામઢી જિલ્લાનું પુરનહિયા ગામ છે, જો કે બાદમાં તેમનો પરિવાર દિલ્હી આવી ગયો હતો. તેમના પિતા ગુરૂગ્રામની એક ખાનગી કંપનીમાં છેલ્લા ચાર દાયકાથી ઑફિસ હેલ્પર તરીકે સામાન્ય નોકરી કરે છે અને માતા ગૃહિણી છે. પાંચ બહેનો અને એક નાના ભાઈ સાથેના આઠ સભ્યોના પરિવારનું ગુજરાન ચલાવવું પિતા માટે ખૂબ મુશ્કેલ હતું. આર્થિક સંકડામણને કારણે પૂજા અને તેમના ભાઈ-બહેનોને ખાનગી શાળામાંથી ઉઠાવીને સરકારી અને MCDની શાળાઓમાં દાખલ કરવા પડ્યા હતા, પરંતુ ગરીબી તેમની પ્રતિભાને રોકી શકી નહીં. પૂજા કુમાર ઝાએ એક ઈન્ટરવ્યુમાં પોતાના બાળપણના દિવસોને યાદ કરતાં જણાવ્યું હતું કે, “અમે જ્યાંથી આવીએ છીએ ત્યાં UPSC પાસ કરવાનું સપનું જોવું પણ બહુ મોટી વાત ગણાતી.” તેમના પિતા મજાકમાં કહેતા કે, “તું બોલિવૂડ અભિનેતા, ખગોળશાસ્ત્રી કેIAS સિવાય ગમે તે બની શકે છે.” આર્થિક સંઘર્ષો ઉપરાંત પૂજાએ સામાજિક ભેદભાવનો પણ સામનો કરવો પડ્યો હતો, કારણ કે તેમના સમાજમાં દીકરીઓ કરતાં દીકરાના જન્મને વધુ મહત્ત્વ અપાતું હતું. આ માનસિકતા બદલવા માટે શિક્ષણ જ એકમાત્ર હથિયાર હતું. પૂજાએ શાળામાં સખત મહેનત કરી અને જ્યારે પણ તેઓ સારા માર્ક્સ લાવતા ત્યારે માતા-પિતાના ચહેરા પરની ખુશી જોઈને તેમનો ઉત્સાહ બમણો થઈ જતો. સરકારી શાળાના વર્ગખંડમાંથી શરૂ થયેલી સફર, પ્રથમ પ્રયાસે ેંઁજીઝ્ર ક્લિયર કરવી અને આજે વૈશ્વિક મંચ પર ભારતનું ગૌરવ વધારવું – પૂજા કુમાર ઝાની આ સફર દૃઢ સંકલ્પ અને શિક્ષણની શક્તિનું જીવંત ઉદાહરણ છે. ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલી દેશની દીકરીઓ માટે તેમનું જીવન એક મોટો સંદેશ આપે છે કે તમે ક્યાંથી શરૂઆત કરો છો તેનાથી તમારૂં ભવિષ્ય નક્કી નથી થતું, પરંતુ તમારી મહેનત જ તમારું નસીબ ઘડે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts