શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ રહ્યા અંગેની અફવાઓ અને રાજકીય ગતિવિધિઓ વચ્ચે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે રાજ્યમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે
(એજન્સી) બેંગ્લુરૂ, તા.૧૦
કર્ણાટકમાં પીડબ્લ્યુડી મંત્રી સતીશ જરકીહોલી દ્વારા પોતાના માટે ટેકો મેળવવા માટે નેતાઓ સાથેની મીટીંગો શરૂ કરવામાં આવતા નેતૃત્વ પરિવર્તન થઈ રહ્યાની અફવા ફેલાઈ ગઈ હતી જેના કારણે પક્ષના મોવડી મંડળ દ્વારા પક્ષને અને સરકારને થઈ રહેલું નુકસાન નિવારવા માટે દરમિયાનગીરી કરવી પડી છે. રાજ્યમાં બની રહેલી ઘટનાઓથી વ્યથિત થયેલા કર્ણાટક પ્રદેશ પ્રમુખ અને ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને રજૂઆત કરી હતી અને એમણે ડેમેજ કંટ્રોલ કરવાનું કામ પક્ષના મહામંત્રી કેસી વેણુગોપાલને સોંપ્યું હતું. વેણુગોપાલે તુરંત જ શિવકુમારને ફોન કર્યો હતો એ પછી તેઓ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને મળવા માટે એમના નિવાસસ્થાને દોડી ગયા હતા અને બંનેએ વિચાર મંથન કર્યું હતું અને એવો નિષ્કર્ષ નીકળ્યો હતો કે સતીશ સહિત કોઈ પણ મંત્રીએ અલગ બેઠકો કરવાની નથી અને નેતાઓ સાથે અલગ રીતે કોઈ ચર્ચા વિચારણા કરવાની નથી કારણ કે તેનાથી ખોટો સંદેશો જઈ રહ્યો છે.
મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને શિવકુમારે બાદમાં મીડિયાને જણાવ્યું હતું કે પોતાને હવે પછીના સીએમ ગણાવનાર સતીશના કતરબને કારણે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને સરકારને નુકસાન થયું છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા તેમના અઢી વર્ષના સમયગાળાને પૂરો નહીં કરે ત્યાં સુધી સીએમના હોદ્દા પર કોઈ બદલાવ આવશે નહીં. એવું સીએમ અને ડેપ્યુટી સીએમની નજીક રહેલા કોંગ્રેસના એક નેતાએ જણાવ્યું હતું અને કહ્યું હતું કે મુડા કેસમાં પણ ઈડી મુખ્યમંત્રીની ધરપકડ કરી શકે તેમ નથી.
અત્યારે તો ડેમેજ કંટ્રોલ કાર્યવાહી થઈ છે પરંતુ એવું લાગે છે કે જે પ્રકારની રાજકીય ઘટનાઓ કર્ણાટકમાં બની રહી છે તેના પરથી એવું લાગે છે કે ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. સીએમ સિદ્ધારમૈયાની નજીક ગણાતા સતીશ જરકીહોલીએ બે અન્ય દલિત નેતાઓ ગૃહમંત્રી ડોક્ટર જી પરમેશ્વર અને સમાજ કલ્યાણ મંત્રી ડોક્ટર એચસી મહાદેવઅપા સાથે બેંગ્લુરૂમાં વાટાઘાટો કરી હતી. મૈસુર અને તુમકુર ખાતે પણ આવી બેઠકો થઈ હતી અને તેનાથી એવા સંકેતો મળ્યા હતા કે સિદ્ધારમૈયાને આજ મંત્રીઓ પરિવર્તન માટે દોડધામ કરી રહ્યા છે અને ફેરફારોના કારસા કરી રહ્યા છે.
સતીશ જરકીહોલીએ બને તેટલા કોંગ્રેસી ધારાસભ્યોનો ટેકો મેળવવા માટેનું કામ ચાલુ રાખવા દલિત નેતાઓને સમજાવી દીધા છે એવું જાણવા મળ્યું છે. એવું પણ જાણવા મળ્યું છે કે સીએમ સાથે અત્યાર સુધી રહેલા કેટલાક ધારાસભ્યો સતીશ તરફ જઈ રહ્યા છે જેનાથી શિવકુમાર પણ વ્યથિત થઈ ગયા છે અને હાઈ કમાન્ડની મદદ માગી છે. કેમકે શિવકુમાર મંત્રીઓની આ ટોળકીના નેતૃત્વ પરિવર્તનની માગણી સાથે સહમત નથી. શિવકુમાર પોતે ઈચ્છે છે કે અઢી વર્ષ પછી પોતાને સીએમનો હોદ્દો મળે કેમ કે અઢી વર્ષ પછી સિદ્ધારમૈયાએ સમજૂતી મુજબ રાજીનામું આપવાનું છે. શિવકુમાર સમજે છે કે જો દલિતએ દરમિયાન સીએમ બની જશે તો પોતાને હોદ્દો મળવાનું મુશ્કેલ બની જશે. એટલે જ તેઓ અત્યારે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને મજબૂત ટેકો આપીને એમની સાથે ઊભા છે કેમકે ઓલ્ડ મૈસુરનું પ્રદેશમાં પક્ષનું વર્ચસ્વ જાળવી રાખવા માટે સિદ્ધારમૈયાનું સમર્થન જરૂરી છે અને તો જ એમને પોતાના નાનાભાઈ માટે પણ ટિકિટ મળી શકશે.