(એજન્સી) કાઠમંડુ, તા.૧૨
નેેપાળના પાટનગર કાઠમંડુના એરપોર્ટ પર ૭૧ પ્રવાસી સાથેનું વિમાન લેન્ડિંગ સમયે ક્રેશ થઇ જતા આશરે ૫૦ પ્રવાસીઓના મોત નીપજ્યા હતા. એરપોર્ટ સત્તાવાળાઓએ કબૂલાત કરી છે કે, ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર યુએસ-બાંગ્લા એરલાઇન્સનું વિમાન ક્રેશ થયું છે. સેનાનાા પ્રવક્તાએ જણાવ્યું હતું કે આશરે ૫૦ લોકોના આ દુર્ઘટનામાં મોત થયા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, હજુ પણ ૧૦ લોકો મળ્યા નહોતા. સ્થાનિક મીડિયાએ કહ્યું હતું કે, રનવે પર ઉતરતાની સાથે જ વિમાનમાં આગ લાગી ગઇ હતી અને તે ઢસડાઇને દૂર સુધી ગયું હતું અને ક્રેશ થયું હતું. ક્રેશ થયા બાદ વિમાન ઘણા ભાગોમાં વહેંચાઇ ગયું હતું. ઘટનાના તરત જ બાદ ફાયર અને રસક્યૂ ટીમો પહોંચી ગઇ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. એવા અહેવાલો પણ મળી રહ્યા હતા કે, વિમાન લેન્ડિંગ પહેલા જ ક્ષતિગ્રસ્ત થઇ ગયું હતું અને બાદમા તેમાં આગ લાગી હતી. વિમાનમાં કુલ ૬૭ પ્રવાસીઓ અને ચાર ક્રૂ સભ્યો હતા.
પ્રવક્તા પ્રેમનાથ કુમારે કહ્યું હતું કે, ડબલ એન્જિનવાળા વિમાનમાં ૬૭ પ્રવાસી અને ચાર ક્રૂ સભ્યો હતા જે ફ્લાઇટ ઢાકાથી કાઠમંડુ આવી હતી. પ્રવાસીઓમાં ૩૭ પુરૂષો, ૨૭ મહિલાઓ અને બે બાળકો હતા. આમાંથી ૩૩ પ્રવાસી નેપાળના જ હતા. બોમ્બાર્ડિયર ડેશ ૮ વિમાન લેન્ડિંગ સાથે જ આગની ઝપટમાં આવી ગયું હતું અને થોડીવારમાં જ આગના ગોટેગોટા આકાશમાં દખાવા લાગ્યા હતા. એરપોર્ટ પ્રવક્તાએ કહ્યું કે લેન્ડિંગ સમયે વિમાને રનવે છોડી દીધું હતું અને બાજુના ફુટબોલના મેદાનમાં ઘુસી ગયું હતું. બીજા એક અધિકારીએ કહ્યું કે વિમાને જ્યારે લેન્ડિંગ કરી ત્યારે તે અંકુશમાં નહોતું. અધિકારીઓએ કહ્યં કે દુર્ઘટનાના કારણો હજુ ચોક્કસ રીતે જાણી શકાયા નથી અને તપાસ કરાશે. નેપાળમાં કામ કરતી એક અમેરિકન મહિલાએ કહ્યું કે, તેણે તેના ઘરની ઓફિસની છત પરથી વિમાન ક્રેશ થતા જોયું હતું કારણ કે તેનું ઘર એરપોર્ટની નજીક છે. તેણે કહ્યું કે, વિમાન ઘણું ધીમી ગતિએ ઉડી રહ્યું હતું અને તેને લાગ્યું કે તે પર્વતો સાથે ટકરાઇ જશે. અચાનક તેમાંથી એકબાદ એક બે વિસ્ફોટ થયા હતા. દુર્ઘટનાની થોડીવારમાં જ ત્રિભુવન એરપોર્ટને બંધ કરી દેવાયું હતું. બચાવ કામ માટે નેપાળની સેનાને પણ કામે લગાડાઇ હતી. નેપાળના સિવિલ એવિએશન ડાયરેક્ટર જનરલ ગૌતમે જણાવ્યું હતું કે લેન્ડ કરતા સમયે વિમાનના પાઇલટે કાબૂ ગુમાવી દીધો હતો. વિમાન દક્ષિણ બાજુથી લેન્ડિંગ કરવાનું હતું પણ કોઇક ખામીને કારણે તેણે વિમાનને ઉત્તર બાજુથી લેન્ડ કરાવ્યું હતું. તેમણે કહ્યું કે, વિમાનમાં ટેકનિકલ ખામીને કારણે તેણે ખોટી લેન્ડિંગ કરાવી હોય તેમ જણાય છે. યુએસ-બાંગ્લા એક પ્રાઇવેટ કેરિયર છે અને તે ઢાકાથી કાઠમંડુ પહોંચી હતી. આ એરલાઇન્સ અમેરિકા અને બાંગ્લાદેશના એક સંયુક્ત ભાગીદારીના જૂથની છે જેની ઓફિસ ઢાકા, ન્યૂયોર્ક અને ભારત તથા અન્ય એશિયન દેશોમાં આવેલી છે. તેને ૨૦૧૪માં બાંગ્લાદેશથી શરૂ કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને જણાવ્યું હતું કે, તેઓ મોતને ભેટેલાઓના પરિવાજનો પ્રત્યે સંવેદનાઓ વ્યક્ત કરે છે અને આ દુઃખની ઘડીમાં નેપાળ અને બાંગ્લાદેશની સરકારો સાથે છે.