
(એજન્સી) જયપુર, તા.૨પ
રાજસ્થાન હાઈકોર્ટની જયપુર ખંડપીઠે ૨૦ માર્ચે કુમ્હેર હત્યાકાંડ કેસમાં નવ લોકોને વિશેષ એસસી/એસટી કોર્ટ દ્વારા આપવામાં આવેલી આજીવન કેદને સ્થગિત કરી દીધી હતી. તમામ દોષિતોની સજા સામેની અપીલ પર સુનાવણી કરતા જસ્ટિસ ઈન્દ્રજીતસિંહ અને જસ્ટિસ આશુતોષ કુમારની ડિવિઝન બેન્ચે તેમની મુક્તિનો આદેશ આપ્યો હતો. ૬ જૂન, ૧૯૯૨ના રોજ સિનેમા હોલની બહાર તેમની વચ્ચેની અથડામણમાં ‘ઉચ્ચ’ જાતિના લોકો દ્વારા ૧૬થી વધુ દલિતો માર્યા ગયા અને ૪૪ ઘાયલ થયા હતાં. આ કુખ્યાત ઘટનાના એકત્રીસ વર્ષ પછી, નવ આરોપી, લાખો, પ્રેમ સિંહ, માનસિંહ, રાજવીર, પ્રીતમ, પારસ જૈન, ચેતન, શિવ સિંહ ઉર્ફે શિબ્બો અને ગોપાલને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી, જ્યારે અન્ય ૪૧ ને નિર્દોષ ગણીને મુક્ત કરવામાં આવ્યા હતા. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ દોષિત આરોપીઓએ તેમના વકીલો દ્વારા હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો, ટ્રાયલ કોર્ટ દ્વારા તેમને આપવામાં આવેલી સજાને સ્થગિત કરવાની વિનંતી કરી હતી. બચાવ પક્ષે દલીલ કરી હતી કે, ઘટના સમયે કુમ્હેર પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલ પ્રથમ માહિતી અહેવાલ (હ્લૈંઇ)માં તેમના અસીલોના નામ નથી. વધુમાં, તેઓએ રજૂઆત કરી હતી કે, તપાસ દરમિયાન નવ દોષિતોના કબજામાંથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલા કોઈ હથિયારો જપ્ત કરવામાં આવ્યા નથી. ઉપરાંત, તેઓને ક્યારેય ઓળખ પરેડ કરાવવામાં આવી ન હતી જે દર્શાવે છે કે પોલીસને ગુનામાં તેમની ભૂમિકા અંગે શંકા હતી. બચાવ પક્ષે કહ્યું કે, હજારો લોકોની ભીડમાં દોષિતોને ઓળખવા અને તેમના નામ પ્રથમ સ્થાને જાણવું શંકાસ્પદ છે. રજૂઆત સાથે સહમત થતાં કોર્ટે સજાને સ્થગિત કરી અને તેમને મુક્ત કરવાનો આદેશ કર્યો. ચાર્જશીટમાં જે ત્રણ આરોપીઓના નામ આવ્યા હતા તેઓને ટ્રાયલ કોર્ટે છોડી દીધા હતા. આ કેસના મોટાભાગના સાક્ષીઓ પ્રતિકૂળ થઈ ગયા હતા અને તેઓએ કોર્ટને ઉલટ તપાસ દરમિયાન જણાવ્યું હતું કે, તેઓએ આરોપીને પ્રથમ વખત જોયો હતો. તે યાદ કરી શકાય કે, સામાજિક રીતે હાંસિયામાં ધકેલાઈ ગયેલા જાટવ અને સામાજિક અને આર્થિક રીતે પ્રભાવશાળી જાટ વચ્ચેના વિવાદને કારણે કુમ્હેરમાં જાનહાનિ થઈ હતી. ઘટનાની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (ઝ્રમ્ૈં) દ્વારા હાથ ધરવામાં આવી હતી, જેણે ૨૮૩ સાક્ષીઓના નિવેદનો નોંધ્યા બાદ ૮૩ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. લાંબી સુનાવણી દરમિયાન બત્રીસ આરોપીઓનું અવસાન થયું, જ્યારે એક હજુ પણ ફરાર છે.