કેજરીવાલને ૬ દિ’ના રિમાન્ડ, AAP દેશવ્યાપી વિરોધ કરશે

કેજરીવાલની ધરપકડ સામે સુપ્રીમ કોર્ટમાં ગયા પરંતુ ED દ્વારા રાઉઝ એવન્યુ કોર્ટમાં રિમાન્ડની માગણી કરાતાં સુપ્રીમમાંથી અરજી પાછી ખેંચી, EDએ રિમાન્ડ માંગતી વખતે કેજરીવાલને દારૂ નીતિ કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર ગણાવ્યા, કેજરીવાલના વકીલે સાબિતી આપવાનો આગ્રહ કર્યો, કેજરીવાલની ધરપકડના વિરોધમાં ઇન્ડિયા ગઠબંધનના તમામ નેતાઓ દ્વારા કેન્દ્ર સરકારની નિંદા કરાઈ, લોકશાહીની હત્યા તથા સરમુખત્યારશાહીના આરોપો લગાવ્યા, કેજરીવાલની ધરપકડ એ ‘લોકશાહીની હત્યા’ અને ‘સરમુખત્યારશાહીની જાહેરાત’

(એજન્સી) નવી દિલ્હી, તા.૨૨
દિલ્હી લિકર પોલિસી કેસમાં PMLA કોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ૨૮ માર્ચ (૬ દિવસ) સુધી ED રિમાન્ડ પર મોકલી દીધા છે. આ પહેલા ૩ કલાકની સુનાવણી બાદ કોર્ટે નિર્ણય અનામત રાખ્યો હતો. શુક્રવારે બપોરે ૨ વાગ્યે કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સુનાવણી બપોરે ૨.૧૫ વાગ્યે શરૂ થઈ અને ૫.૧૫ વાગ્યા સુધી ચાલી હતી. EDએ ૧૦ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. સીએમને આ મામલે માસ્ટરમાઈન્ડ ગણાવ્યા છે. દરમિયાન આપના દિલ્હી એકમના સંયોજક ગોપાલ રાયે ગુરૂવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા ધરપકડને પગલે ભાજપ વિરુદ્ધ રાષ્ટ્રવ્યાપી વિરોધનું આહ્‌વાન કર્યું હતું. રાયે કહ્યું કે, કેજરીવાલની ધરપકડ એ ‘લોકશાહીની હત્યા’ અને ‘સરમુખત્યારશાહીની જાહેરાત’ છે. ઇડીએ ગુરૂવારે સાંજે એક્સાઇઝ પોલિસી સાથે જોડાયેલા મની-લોન્ડ્રિંગ કેસમાં કેજરીવાલની ધરપકડ કરી હતી અને તેમને એજન્સીના હેડક્વાર્ટર ખાતે લઈ ગયા હતાર તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. દિલ્હી હાઇકોર્ટે આપના રાષ્ટ્રીય કન્વીનરને ફેડરલ એજન્સી દ્વારા કોઈપણ બળજબરીથી રક્ષણ આપવાનો ઈન્કાર કર્યાના કલાકો બાદ વર્તમાન મુખ્યમંત્રીની પ્રથમ ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી સરકારના મંત્રી રાયે કહ્યું કે, ‘હું દેશવાસીઓને અપીલ કરૂં છું કે, તેઓ આ સરમુખત્યારશાહી સામે દેશભરમાં ભાજપ કાર્યાલયોની બહાર વિરોધ કરે. અમે શુક્રવારે સવારે ૧૦ વાગ્યે આપ ઓફિસમાં ભેગા થઈશું અને પછી બીજેપી હેડક્વાર્ટરની બહાર વિરોધ કરીશું.’ તેમણે ઉમેર્યું કે, ‘જો કેજરીવાલની ધરપકડ કરી શકાય છે તો કોઈપણની ધરપકડ કરી શકાય છે અને તેમનો અવાજ દબાવી શકાય છે. આજથી જ લડાઈ શરૂ થઈ ગઈ છે. અરવિંદ કેજરીવાલ એક વ્યક્તિ નથી, પરંતુ એક વિચારધારા છે.’
આ દરમિયાન દિલ્હીમાં આપના કાર્યકરો તથા નેતાઓએ કેજરીવાલની ધરપકડના વિરોધમાં પ્રદર્શનો શરૂ કર્યા હતા જ્યારે બીજી તરફ કેજરીવાલ ધરપકડની સામે સુપ્રીમ કોર્ટમાં ગયા હતા પરંતુ ઇડી દ્વારા નીચલી કોર્ટમાં તેમના રિમાન્ડ માગવાને કારણે કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાંથી ધરપકડને પડકારતી અરજી પાછી ખેંચી લીધી હતી. રાયે દાવો કર્યો હતો કે, જ્યારથી ઇન્ડિયા બ્લોકની રચના થઈ છે ત્યારથી કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપને લાગે છે કે, તેને આગામી લોકસભા ચૂંટણીમાં ૪૦૦ બેઠકો નહીં મળે પરંતુ તે માત્ર ૪૦ બેઠકો સુધી જ મર્યાદિત રહેશે. આમ, ભગવા પાર્ટી વિપક્ષી નેતાઓને નિશાન બનાવી રહી છે એવો આક્ષેપ તેમણે કર્યો હતો. મંત્રીએ કહ્યું કે, ‘આજે તેઓએ બધી હદો વટાવી દીધી છે.’ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ઇડીએ આરોપ લગાવ્યો હતો કે, કેજરીવાલ આ સમગ્ર દારૂ નીતિ કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર છે. તેમણે ગોવા અને પંજાબ ચૂંટણીઓમાં આ નાણાંનો ઉપયોગ કર્યો હતો. ત્યારે બીજીતરફ કેજરીવાલના વકીલે કહ્યું હતું કે, ઇડી આમાંથી એક પણ આરોપને સાબિત કરી શકતી નથી. આ દરમિયાન આપે જાહેરાત કરી છે કે, તેના નેતાઓ તથા કાર્યકરો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસનો ઘેરાવ કરશે. આપના નેતાઓ સાથે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ દ્વારા કેજરીવાલની ધરપકડના વિરોધમાં સૂરમાં સૂર પૂરાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે, કેન્દ્રની ભાજપની સરકાર વિપક્ષને ડરાવવા માટે ઇડીનો ઉપયોગ કરી રહી છે. અગાઉ, પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને એક્સ પર પોસ્ટમાં ‘ભાજપ કી રાજનીતિક ટીમ ઇડી કેજરીવાલ કી સોચ કો કૈદ નહીં કર શકતી ક્યૂંકી આપ હી ભાજપ કો રોક શકતી હૈ..સોચ કો કભી ભી દબાયા નહીં જા શકતા.’ આપના ચીમાએ લખ્યું કે, ‘આજે હું ઇડી દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડની સખત નિંદા કરૂં છું. આ સરમુખત્યારશાહી શાસન બંધારણીય ધોરણોની મજાક ઉડાવી રહ્યું છે અને વિપક્ષને દરેક રીતે નષ્ટ કરીને લોકશાહીની ભાવનાને મારી રહ્યું છે. આ ભાજપનો ડર દર્શાવે છે અને આજની કાર્યવાહી ભાજપના અંતની શરૂઆત છે.’ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અમરિન્દરસિંહ રાજા વારિંગે ભાજપ પર નિશાન સાધતા આરોપ લગાવ્યો કે તે ‘તમામ વિપક્ષોને નષ્ટ કરવા પર તત્પર છે.’ તેમણે ઉમેર્યું કે, ‘ભાજપ તમામ વિપક્ષોને હૂક દ્વારા અથવા બદમાશી દ્વારા નાશ કરવા માટે ઉતર્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts