જો સામે પડ્યા તો સામાન્ય કેસમાં પણ સતામણી અને શરણાગતિ સ્વીકારી તો રાજદ્રોહમાંથી પણ છૂટકારો

છેલ્લા કેટલાયે સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે કેન્દ્ર સરકાર કે પછી જે રાજ્યમાં ભાજપની સરકાર હોય એની વિરૂદ્ધ કોઈ આંંદોલન કરે-અવાજ ઉઠાવે તો કેટલાકની વિરૂદ્ધ સામાન્યથી માંડીને મોટામોટા કેસો ઠોકી દેવામાં આવે છે પછી તે વિપક્ષના નેતા રાહુલ ગાંધી કે સોનિયા ગાંધી જેવા દિગ્ગજ હોય, છત્તીસગઢના ત્નસ્સ્ના મુખ્યમંત્રી હેમંત સોરેન હોય…, કર્ણાટકના ડી.કે. શિવકુમાર હોય… પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષના વરિષ્ઠ સાંસદો મહુઆ મોઈત્રા, સાકેત વગેરે હોય કે પછી બિહારમાં તેજસ્વી યાદવ અને રાજદના અન્ય નેતાઓ હોય… યુપીમાં આઝમ ખાન હોય… કાશ્મીરમાં મહેબૂબા મુફતી હોય, તામિલનાડુમાં એ. રાજા હોય કે પછી આપના સંજય સિંઘ અને મનોજ સિસોદિયા જેવા નેતાઓ હોય… આ તમામની સામે જાતજાતના કેસો નોંધાઈ ચૂક્યા છે અને તેમની સતામણી થઈ ચૂકી છે અને ખુદ વિપક્ષી નેતાઓના કહ્યા મુજબ તેઓ ભાજપની સામે પડ્યા હોવાથી ભાજપની સરકાર તેમને હેરાન પરેશાન કરી રહી છે. એમાં એ વળી રાહુલ-સોનિયા ગાંધી કે હેમંત સોરેન વગેરે જેવા વરિષ્ઠ વિપક્ષી નેતાઓની પાછળ તો ઈડી લગાવી દેવાઈ અને તેણે કેસો પણ નોંધ્યા અને દરોડા પણ પાડ્યા પરંતુ એમાં હજુ સુધી કંઈ વળ્યું નથી એ અલગ વાત છે. એટલું જ નહીં પણ અદાલતોએ તો ઈડીને બરાબરની ફટકાર પણ લગાવી છે.માત્ર રાજકીય નેતાઓ જ નહીં સરકાર સામે અવાજ ઉઠાવનારા પત્રકારો હોય કે આંદોલનકારી કર્મશીલો હોય કે એનજીઓ હોય.. એમની વિરૂદ્ધ કેસો કરવામાં આવે છે. દરોડા પાડવામાં આવે છે અને જેલોમાં પણ પૂરી દેવામાં આવે છે. આ પૈકીના કેટલાક કર્મશીલો કે આગેવાનો તો કેસ ચાલ્યા વિના વર્ષોથી જેલોમાં સબડી રહ્યા છે. એ પૈકી કેટલાક તો એવા છે કે એમની વિરૂદ્ધ જે આરોપો છે એમાં જો એમને સજા કરાય તો જેટલા વર્ષની સજા થાય એ જોગવાઈ કરતા પણ વધુ વર્ષોથી તેઓ જેલોમાં સબડી રહ્યા છે અને હદ તો ત્યાં થઈ છે કે તેમને જામીન પણ મળતા નથી !!! બીજી તરફ જો ભાજપના નેતાઓ કે ભાજપ તરફી લોકો વિરૂદ્ધ ગંભીર કેસો નોંધાયા હોય તો પછી જ્યાં ભાજપની સરકાર હોય ત્યાં આ કેસો ‘ઢીલા’ થઈ જાય છે અથવા તો ખુદ સરકાર આ કેસો પાછા ખેંચી રહી છે.જેમ કે કર્ણાટકમાં ભાજપની સરકાર હતી ત્યારે ભાજપના નેતાઓ વિરૂદ્ધ ગંભીર કેસો પાછા ખેંચી લેવાયા હતા… હાલમાં રાજસ્થાનમાં ભાજપની સરકાર આવી છે તો તેના મુખ્યમંત્રી ભજનલાલે ભાજપના મંત્રીઓ-નેતાઓ કે સમર્થકો વિરૂદ્ધના કેસો પાછા ખેંચી લેવાની પેરવી કરી છે. તો યુપીમાં તો જેની ક્રૂર હત્યા થઈ હતી એ દાદરીકાંડમાં લિંચીંગનો ભોગ બનેલા અખલાકના હત્યારાઓ વિરૂદ્ધના કેસો પાછા ખેંચી લેવાની ખુદ યુપીની યોગી સરકારે અદાલતમાં અરજી કરી છે અને એમાં કારણ પણ એવું આપ્યું છે કે આ કેસ આગળ વધશે તો એનાથી સાંપ્રદાયિક સદ્‌ભાવ બગડી શકે છે…!!! અરે ભાઈ ! સાંપ્રદાયિક સદ્‌ભાવ યુપીમાં પહેલાંથી જ ખાડે ગયો છે એટલે તો ગૌમાંસ રાખવાના આરોપ હેઠળ દાદરીના મોહમ્મદ અખલાક ઉપર ઝનૂની-કોમવાદી ટોળાએ હુમલો કરીને તેને રહેંસી નાખ્યો હતો ત્યારે આ હત્યારાઓને ફાંસીને માંચડે લટકાવવાની પેરવી કરવાને બદલે ખુદ સરકાર એમને છોડાવી રહી છે !!!આપણા ગુજરાતમાં પણ હાર્દિક પટેલે જ્યારે પાટીદાર આંદોલન જોરશોરથી શરૂ કર્યું ત્યારે તેની વિરૂદ્ધ રાજદ્રોહથી માંડીને જાતજાતની ગંભીર કલમો હેઠળ કેસો કરાયા અને એ જ હાર્દિક પટેલ પછી ભાજપના ખોળે બેસી ગયો અને સરકારની શરણાગતિ સ્વીકારી લીધી પછી તેને ભાજપમાંથી ટિકિટ પણ મળી અને ધારાસભ્ય તરીકે ચૂંટાઈ પણ ગયો છે. ત્યારે હવે હાર્દિક અને અલ્પેશ કથિરિયા જેવા તેના સાથીઓ વિરૂદ્ધ ચાલી રહેલા રાજદ્રોહ જેવા ગંભીર કેસો પણ પાછા ખેંચી લેવાની રાજ્ય સરકારે અદાલતમાં હિમાયત કરી છે. જો કે આપણી રાજ્ય સરકાર માટે આ કોઈ નવી વાત નથી. અગાઉ તે બિલકીસબાનોના સ્વજનોના હત્યારાઓ કે જેમને જન્મટીપની સજા થઈ હતી એમને પણ છોડી ચૂકી છે. જો કે અદાલતે પછી તેમને પાછા મૂળ ઠેકાણે મોકલી દીધા એ અલગ બાબત છે.આમ સરવાળે જોઈએ તો જો તમે ભાજપના ટેકેદાર હોવ… અથવા એની શરણાગતિ સ્વીકારી લો તો તમારા રાજદ્રોહ જેવા ગુના પણ માફ અને જો તમે એની વિરૂદ્ધ અવાજ ઉઠાવો તો સામાન્ય કેસમાં પણ તમારો છૂટકારો ન થાય… અને જાતજાતની હેરાનગતિઓ કરાય એ તો પાછું નફામાં… અમુક વખત તો કંઈ ન મળે તો વર્ષો જૂના કેસો ફરી ખોલી ‘નવેસર’થી કાર્યવાહી કરવામાં આવે છે… આ સ્થિતિ સરકારની કામગીરી સામે સવાલ તો પેદા કરે જ છે કેમ કે વિપક્ષી કે વિરોધીઓ સામે દેશભરમાંથી ઠેર ઠેર કેસો કરી દેવાય છે, હેરાન પરેશાન કરી દેવાય છે અને સામાન્ય કેસોનો તો કોઈ હિસાબ જ મળતો નથી. એમાંયે વળી આ સામાન્ય કેસોય પાછા ખેંચાતા નથી જ્યારે ભાજપની ‘લાઈન’માં ચાલનારાઓ વિરૂદ્ધના રાજદ્રોહથી માંડીને હત્યા સુધીના કેસ પાછા ખેંચવામાં આવી રહ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts