અમદાવાદ, તા. ર૩
શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ ખોખરા, ભાઈપુરા, અરાઈવાડી, બાગે ફિરદોશ, રાજપુર-ગોમતીપુર વગેરે વિસ્તારમાં ગરીબી રેખા હેઠળ જીવતા આર્થિક રીતે અતિપછાત વર્ગની સંખ્યા વધુ છે. ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાના નકારાત્મક પાસાઓના કારણે સ્વનિર્ભર અને દૂર-દૂરની કોલેજો ફાળવવામાં આવી છે. તેથી તેઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા દૂર-દૂરની કોલેજોમાં જવાથી આર્થિક, માનસિક, શારિરીક અસહ્ય ત્રાસ વેઠવો પડે છે. ખોખરા વિસ્તારમાં કોલેજો શરૂ કરવા સ્ટુડન્ટ ફેડરેશન ચળવળ શરૂ કરી હતી. ત્યારે ખોખરા વિસ્તારમાં કરવામાં આવેલ કે.કા. શાસ્ત્રી કોલેજમાં મેરીટ ઊંચુ આવતા સ્થાનિક ગરીબ અને મધ્યમ વર્ગના જેમાં ખાસ કરીને બહેનો પ્રવેશથી વંચિત પામ્યા છે. કેટલાક રૂઢિચુસ્ત સ્વભાવ ધરાવતા વાલીઓ જો રહેઠાણ નજીકની કોલેજ કે.કા. શાસ્ત્રી કોલેજમાં પ્રવેશ મળે તો જ ઉચ્ચ શિક્ષણ આપવા તૈયાર હોય છે. પરિણામે બહેનો ઉચ્ચ શિક્ષણથી વંચિત થાય તેમ છે માટે કે.કા. શાસ્ત્રી કોલેજમાં એફ.વાય. બી.કોમ.માં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વર્ગદીઠ બેઠકો અને નવા વર્ગો વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં શરૂ કરવા માગણી કરી છે તેમ ઓલ ગુજરાત સ્ટુડન્ટસના પ્રમુખ જ્યોર્જ ડાયસ, યશ ચૌધરી, રાજેન્દ્ર બગ્ગાએ એક સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.