કોંગ્રેસ દલિતોના સન્માન માટે લડત ચાલુ રાખશે : ગણેશ ગોડિયાલ

 

 

(એજન્સી) દહેરાદૂન, તા.૧
૮ ઓગસ્ટના રોજ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની રેલી બાદ હલ્દવાનીના રામલીલા મેદાનના કથિત ‘શુદ્ધિકરણ’ને લઈને સર્જાયેલો રાજકીય વિવાદ આજે વધુ વકર્યો હતો. ભારે વરસાદ હોવા છતાં સેંકડો કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોએ દહેરાદૂનમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાન તરફ કૂચ કરી હતી. પ્રદર્શનકારીઓને હાથીબરકાલા નજીક પોલીસે અટકાવ્યા હતા, જ્યાં તેમને આગળ વધતા રોકવા માટે બેરિકેડ્‌સ લગાવવામાં આવ્યા હતા. જ્યારે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ બેરિકેડ્‌સ ઓળંગવાનો પ્રયાસ કર્યો ત્યારે થોડો સમય તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી અને પ્રદર્શનકારીઓ તથા પોલીસકર્મીઓ વચ્ચે ધક્કામુક્કી થઈ હતી. બાદમાં પોલીસે કેટલાક કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી હતી. ઉત્તરાખંડ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ પ્રદેશ અધ્યક્ષ ગણેશ ગોડિયાલે કર્યું હતું. તેમાં પાર્ટીના રાજ્ય પ્રભારી કુમારી શૈલજા, વિરોધ પક્ષના નેતા યશપાલ આર્ય, પૂર્વ મંત્રી હરક સિંહ રાવત, રાજ્ય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ પ્રીતમ સિંહ અને કોંગ્રેસના અનેક ધારાસભ્યો તથા વરિષ્ઠ નેતાઓ સામેલ થયા હતા. પ્રદર્શનકારીઓ પરેડ ગ્રાઉન્ડ ખાતે એકત્ર થયા હતા, જ્યાં મુખ્યમંત્રીના નિવાસસ્થાન તરફ કૂચ શરૂ કરતા પહેલા વરિષ્ઠ નેતાઓએ સભાને સંબોધિત કરી હતી. ખડગે દ્વારા હલ્દવાનીમાં જાહેર સભાને સંબોધિત કર્યા બાદ ત્યાં કરવામાં આવેલી કથિત શુદ્ધિકરણ વિધિને લઈને કોંગ્રેસે પોતાનું આંદોલન તેજ કર્યું છે. પાર્ટીએ આ ઘટનાને પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષનું અપમાન અને લોકતાંત્રિક મૂલ્યો તથા વિરોધ પક્ષના સન્માન પરનો પ્રહાર ગણાવ્યો છે. કોંગ્રેસના નેતાઓએ આ વિધિ માટે જવાબદાર લોકો સામે વિવિધ પોલીસ સ્ટેશનોમાં કરવામાં આવેલી ફરિયાદો પર એફઆઈઆર (હ્લૈંઇ) નોંધવામાં સત્તાવાળાઓની કથિત નિષ્ફળતા સામે પણ વાંધો ઉઠાવ્યો છે; જ્યારે બીજી તરફ, આ વિવાદ અંગેની ટિપ્પણીઓને લઈને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. પાર્ટી કાર્યકરોને સંબોધતા ગોડિયાલે કહ્યું કે, જ્યાં સુધી આ ઘટના માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી કોંગ્રેસ પોતાનું લોકતાંત્રિક આંદોલન ચાલુ રાખશે. તેમણે કહ્યું કે પાર્ટી જવાબદારીની માંગ કરી રહી છે અને રાજ્ય સરકાર સમક્ષ જનતા તથા કાર્યકરોનો અવાજ ઉઠાવવાનું ચાલુ રાખશે. ગોડિયાલે ઉમેર્યું કે પાર્ટી દલિતોના સન્માન અને ન્યાય માટે લડત ચાલુ રાખશે. કુમારી શૈલજાએ ઉત્તરાખંડની ભાજપ સરકાર પર રાજ્યની જનતાની લાગણીઓ અને વિશ્વાસ સાથે દગો કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા સંબોધિત રેલીના સ્થળને કાર્યક્રમ બાદ ભાજપ સાથે સંકળાયેલા લોકો દ્વારા ’શુદ્ધિકરણ’ કરવામાં આવ્યું હતું.

 

 

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks