ઘરવાપસી અને ધર્માંતરણ પર દેશવ્યાપી આંદોલન છેડવાનું મુસ્લિમ પર્સનલ લો બોર્ડનું આહ્વાન
જયપુર ખાતે યોજાયેલા બે દિવસીય સંમેલનમાં આંદોલન શરૂ કરવાનો ઠરાવ
જયપુર,તા.૨૫
જયપુરમાં યોજાયેલા ઓલ ઈન્ડીયા મુસ્લિમ પર્શનલ લો બોર્ડના બે દિવસીય સંમેલનની પૂર્ણોહૂતિ થઈ હતી જેમાં એવો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો કે દેશના લઘુમતી સમૂદાયના લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નિષ્ફળતા અને સાંપ્રદાયિક હિન્દુ તાકતોની વિરુદ્ધ રાષ્ટ્રવ્યાપી આંદોલનની શરૂઆત કરવામાં આવશે. સંમેલનમાં ભાગ લેનારા પ્રતિનિધિઓએ એવું જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વ હિન્દુ પરિષદ(વીએચપી)અને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (આરએસએસ) જેવા હિન્દુવાદી સંગઠનો દ્વારા લઘુમતી સમૂદાયોની સામે શરૂ કરવામાં આવેલી પહેલ પર મૂકદર્શક બની રહ્યાં છે. સમગ્ર દેશભરમાંથી આવેલા લગભગ ૨૫૦ પ્રતિનિધિઓએ વિવાદાસ્પદ ઘરવાપસી અને ધર્માંતરણ જેવા કાર્યક્રમની આકરી નિંદા કરી હતી. ઘરવાપસી અને ધર્માતરણ જેવા કાર્યક્રમો આરએસએસે શરૂ કર્યાં હતા. તેમણે એવું પણ જણાવ્યું કે દેશમાં ભાજપના નેતૃત્વવાળી મોદી સરકાર સત્તામાં આવ્યા પછી લઘુમતી સમૂદાય અસલામત બન્યો છે. વીએચપી અને આરએસએસ જેવા હિન્દુવાદી સંગઠનોનો આવા કેટલાય કાર્યક્રમો અને પહેલનો હેતુ દેશમાં સાંપ્રદાયિક માહોલ બગાડવાનો છે. ઘરવાપસી જેવા કાર્યક્રમો દ્વારા મુસ્લિમ અને ખ્રિસ્તીઓને હિન્દુ ધર્મ અપનાવી લેવાની ફરજ પાડવામાં આવી રહી છે. ઓલ ઈન્ડીયા મુસ્લિમ પર્શનલ લો બોર્ડના સચિવ મોહમદ અબ્દુલ રહિમ કુરેશીએ એવું જણાવ્યું હતું કે આશ્વર્યજનક વાત તો એ છે કે મસમોટા દાવાઓ કરવાં છતાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મૂકદર્શક બનીને જોઈ રહ્યાં છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમે લઘુમતી સમૂદાયના લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે એક સમિતિનું ગઠન કરવાનો નિર્ણય કર્યો છે જેથી કરીને તેઓ તેમના બંધારણીય હકો પરત્વે જાગૃત રહી શકે. સમેલનમાં આવેલા પ્રતિનિધિઓએ ભારપૂર્વક એવું જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અને સબંધિત રાજ્ય સરકારે લીધેલા કેટલાક નિર્ણયોએ દેશભરના મુસ્લિમો માટે મુશ્કેલી ભરી પરિસ્થિતિ ખડી કરી છે. મોદી સરકારનું આ તાનાશાહી વલણ છે. સભ્યોએ હરિયાણા અને મધ્યપ્રદેશની ભાજપ સરકારે લીધેલા કેટલાય નિર્ણયોની નિંદા કરીને તેને લઘુમતીઓની વિરુદ્ધમાં ગણાવ્યાં હતા. બે દિવસીય સંમેલનમાં ગૌમાંસ પર પ્રતિબંધ જેવા મુદ્દાને પણ હાથ ધરવામાં આવ્યો હતો. સભ્યોએ એવું જણાવ્યું કે ગૌમાંસ પ્રતિબંધની બાબતને ધાર્મિક દ્રષ્ટિકોણથી જોવાને બદલે તેને સ્વતંત્ર રીતે જોવાની જરૂર છે. દરમિયાન મોદીના સાથી એવા ઝફર સરેશવાલને સંમેલનમાંથી બહાર નીકળી જવાનું જણાવવામાં આવ્યું હતું. કેટલાક સભ્યોએ સરેશવાલની હાજરી પર વિરોધ પ્રગટ કર્યો હતો. ઝફર સરેશવાલની હાજરી પર ધૂંધવાઈ ઊઠેલા મજલિસ એ ઈતેહાદુલ મુસ્લિમીન પ્રેસીડેન્ટ અસાબુદ્દીન ઔવેસીએ સરેશવાલને સંમેલન સ્થળ છોડી જવાનું જણાવ્યું હતું. ઔવેસી અને તેમના સમર્થકોએ આયોજકો પાસેથી એવી પણ માંગણી કરી હતી કે ઝફરને આમંત્રણ આપવામાં આવ્યું હતું કે નહીં. જોકે ઝફરે એવું જણાવ્યું હતું કે ઓલ ઈન્ડીયા મુસ્લિમ પર્શનલ લો બોર્ડના પદાધિકારીઓ અને ઘણા બધા સભ્યો સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ સાથે જોડાયેલા છે.