માતરના જવાન બે મહિનાની રજા પર આવ્યા હતા પણ રજાઓ રદ થતાં દેશભક્તિના સૂત્રો સાથે રેલી યોજી વિદાય અપાઈ
(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૯
ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. પાકિસ્તાન દ્વારા ભારત પર સતત ડ્રોનથી હુમલા કરવામાં આવી રહ્યા છે. ભારતીય સેના દ્વારા તેનો જવાબ પણ અપાઈ રહ્યો છે. ત્યારે ખેડા જિલ્લામાં હાલની સ્થિતિમાં એકતા અને સૌહાર્દના દૃશ્યો જોવા મળી રહ્યા છે. ખેડાના માતરના સીંજીવાડા ગામના આર્મીના જવાન બે મહિનાની રજા પર આવ્યા હતા. આ જવાનને ભારત માતાકી જયના જય ઘોષ સાથે દેશભક્તિના તાલે હાથમાં તિરંગા સાથે લોકોએ વિદાય આપી હતી. પ્રાપ્ત વિગતો પ્રમાણે ખેડાના માતરના સીંજીવાડા ગામના આર્મીના જવાન બે મહિનાની રજા પર આવ્યા હતા. પરંતુ યુદ્ધની સ્થિતિ સર્જાતા તેમને ફરી ફરજ પર હાજર થવાનું હોવાથી સીંજીવાડા ગામના લોકોએ ભારત માતાકી જયના જય ઘોષ સાથે દેશભક્તિના તાલે હાથમાં ત્રિરંગા સાથે તેમને વિદાય આપી હતી. યુદ્ધની પરિસ્થિતિ જોતા સરકાર દ્વારા તમામ આર્મી જવાનોની રજાઓ રદ કરી સરહદ પર પરત બોલાવ્યા છે. ત્રણ દિવસ પહેલા જ આવેલા આર્મી જવાન રાજકરણસિંહ વાઘેલાની રજાઓ રદ થતાં તેઓ ફરી ફરજ પર હાજર થવા રવાના થયા છે. તેમને વિદાય આપવા માટે આખું ગામ ઉમટ્યું હતું. ઢોલ, નગારા અને ડીજેના તાલ સાથે હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકોએ ભેગા થઈને તેમને વિદાય આપી હતી. હિન્દુસ્તાન જિંદાબાદ પાકિસ્તાન મુર્દાબાદ જેવા નારાઓ લગાવ્યા હતા.