(સંવાદદાતા દ્વારા)
નડિયાદ, તા.૮
રક્ષાબંધનના પર્વ પૂર્વે હિન્દુ બહેનોના હાથમાં મુસ્લિમ બહેનો દ્વારા મહેદી મૂકાઈ એ અવસર નડિયાદના આંગણે કોમી એકતાના દીવડા પ્રગટાવી ગયો છે. મહેંદીના આર્ટીસ્ટ તરીકે ૧૧ મુસ્લિમ દીકરીઓને બોલાવી ૩૦થી વધુ હિન્દુ મહિલાના હાથમાં મહેંદી મૂકી છે. નડિયાદમાં સામાજિક સેવાઓ કરી રહેલ ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન ક્લબ ખેડા જિલ્લાના સંલગ્ન યુનિટી સિનિયર સિટીઝન કલબ નડિયાદ દ્વારા એક અનોખો કાર્યક્રમ રક્ષાબંધન પર્વ પૂર્વે યોજાયો છે. નડિયાદ શહેરના કન્યા વ્યાયામ મંદિરના હોલમાં મહેંદી આર્ટીસ્ટોને બોલાવી મહેંદી મૂકાઇ છે. તમામ મહેંદી આર્ટીસ્ટો મુસ્લિમ દીકરીઓ હતી અને સામે મહેંદી મુકનાર તમામ હિન્દુ મહિલાઓ હતી. ૧૧ મુસ્લિમ દીકરીઓએ ૩૦થી વધુ હિન્દુ મહિલાના હાથમાં સુંદર મહેંદી મૂકી હતી. આ સમગ્ર કાર્યક્રમ યુનિટી સિનિયર સિટીઝન કલબ નડિયાદના રસીકભાઇ મોટાનાના સ્પોન્સરથી યોજાયો હતો. આ પ્રસંગે ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન ક્લબ ખેડા જિલ્લાના પ્રમુખ સત્યનારાયણભાઈ, સામાજિક કાર્યકર અને સંસ્થા સાથે સંકળાયેલા ભરતભાઈ પંડ્યા, ઈકબાલભાઈ મેમણ, ઉર્મિલાબેન સુથાર સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા. આમ નડિયાદમાં રક્ષાબંધન પર્વની સદભાવનાના સંદેશ સાથે અનોખી ઉજવણી કરવામાં આવી છે.