(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૯
રાજ્યભરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા હાહાકાર જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. દિવસે-દિવસે કોરોનાના કેસો ઉછાળા સાથે વધી રહ્યા છે અને સૌથી વધુ કેસોમાં નવો રેકોર્ડ સ્થાપિત થઈ રહ્યો છે. દર ૮-૧૦ દિવસના અંતરે રાજ્યમાં રોજના કેસોનો આંકમાં ૧૦૦નો ઉછાળો જોવા મળી રહ્યો છે. છેલ્લા સપ્તાહમાં રોજના ૧૦૦૦થી વધુ કેસો બહાર આવ્યા બાદ હવે બે-ત્રણ દિવસથી રોજના ૧૧૦૦થી વધુ કેસો બહાર આવી રહ્યા છે. જેમાં આજે વધુ નવા ૧૧૪૪ કોરોનાના રેકોર્ડરૂપ કેસો બહાર આવ્યા છે. આ સાથે મૃત્યુનું પ્રમાણ પણ ફરી વધવાનું શરૂ થઈ જતાં ર૪ કલાકમાં રાજ્યમાં વધુ ર૪ વ્યક્તિઓનો કોરોનાએ ભોગ લીધો છે. રાજ્યમાં બીજી તરફ કોરોનામાંથી સારા થવામાં ભારે ઉછાળો રાહતજનક છે ર૪ કલાકમાં વધુ ૭૮૩ દર્દીઓ કોરોનાની સારવાર દરમ્યાન સાજા થવામાં સફળ રહ્યા છે.
કોરોના વાયરસે સમગ્ર રાજ્યને બરોબરના ભરડામાં લેતા મોટાભાગના તમામ જિલ્લાઓમાં કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે. જેમાં પણ રાજ્યના છથી સાત જિલ્લામાં તો કોરોનાના કેસો વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. જેની સામે રાજ્ય સરકાર દ્વારા કોરોનાના ટેસ્ટ વધારવામાં આવ્યા હોવાનો પણ દાવો કરાઈ રહ્યો છે. ર૪ કલાકમાં રાજ્યમાં રર,૯૧૪ ટેસ્ટ કરાયા હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે. રાજ્યમાં આજે કોરોનાના ૧૧૪૪ કેસ નોંધાતા કુલ આંકડો પ૯,૧ર૬ પર પહોંચ્યો છે. આજે ૭૮૩ દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ ૪૩,૧૯પ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો આમ ગુજરાતમાં સાજા થવાનો દર ૭૩.૦૬ ટકા થયો છે. તો ચિંતાજનક બાબત એ પણ છે કે, છેલ્લા ૧૦ દિવસમાં ગુજરાતમાં ૧૦,પ૮૬ કોરોના વાયરસના કેસ નોંધાયા છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઈ રહ્યા છે. આજે સુરતમાં ર૯૧ નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં ર૦૭ અને સુરત જિલ્લામાં ૮૪ કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો ૧ર,પ૧૪ પર પહોંચ્યો છે. સુરતમાં આજે ર૧૮ દર્દીઓ સ્વસ્થ થયા છે. તો આજે સુરતમાં ૧૧ દર્દીઓના મોત થયા છે. આ સાથે સુરતમાં અત્યાર સુધી કુલ ૩૯૧ દર્દીના મૃત્યુ થયા છે. છેલ્લા ર૪ કલાકમાં અમદાવાદ ૧પર કેસ નોંધાયા છેે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં ૧૪૧ અને અમદાવાદ જિલ્લામાં ૧૧ કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદ કોરોનાનો કુલ આંકડો ર૬,૧૮૪ પર પહોંચ્યો છે. અમદાવાદ આજે ૧૧૭ દર્દીઓ સ્વસ્થ થયા છે. અમદાવાદમાં આજે પ દર્દીઓના મોત થયા છે. જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક ૧પ૯૦ પર પહોંચ્યો છે. રાજ્યમાં સતત કેસોની સંખ્યા વધી રહી છે. તેવામાં છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના વધુ ૧૧૪૪ કેસો નોંધાયા છે. જ્યારે ૨૪ લોકોનાં મોત નિપજ્યા છે, અને ૭૮૩ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આમ રાજ્યમાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૫૯૧૨૬ પર પહોંચ્યો છે. જ્યારે મોતનો કુલ આંક ૨૩૯૬ અને ડિસ્ચાર્જનો કુલ આંક ૪૩૧૯૫ પર પહોંચ્યો છે. આજના કેસોની વિગત જોઈએ તો, સુરત કોર્પોરેશન ૨૦૭, અમદાવાદ કોર્પોરેશન ૧૪૧, સુરત ૮૪, વડોદરા કોર્પોરેશન ૭૨, રાજકોટ ૪૦, રાજકોટ કોર્પોરેશન ૪૦, ગાંધીનગર ૩૮, મહેસાણા ૩૬, ભરૂચ ૩૩, દાહોદ ૩૩, સુરેન્દ્રનગર ૩૧, મોરબી ૨૮, અમરેલી ૨૪, ભાવનગર કોર્પોરેશન ૨૩, જુનાગઢ કોર્પોરેશન ૨૩, વડોદરા ૨૩, વલસાડ ૧૯, નર્મદા ૧૮, પાટણ ૧૮, નવસારી ૧૭, જામનગર કોર્પોરેશન ૧૬, પોરબંદર ૧૪, તેમજ અન્ય જિલ્લામાં કેસો નોંધાયા છે. હાલમાં રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા ૧૩૫૩૫ પર પહોંચી છે, જેમાં ૮૯ દર્દીઓની હાલત ગંભીર છે, જ્યારે ૧૩૪૪૬ દર્દીઓની હાલત સ્થિર છે. આજના દિવસે સુરતમાં ૧૧, અમદાવાદ કોર્પોરેશન ૫, પાટણ ૨, રાજકોટ ૨, વડોદરામાં ૩, મહેસાણા ૧, દર્દીનું મોત નિપજ્યું છે. આ સાથે રાજ્યમાં કોરોનાએ અત્યાર સુધીમાં કુલ ર૬૯૬ લોકોના જીવ લીધા છે.