આપણી સામાન્યતઃ માન્યતા એવી છે કે જ્યાં કોલાહલ અને ટ્રાફિક હોય તેને ધબકતું જનજીવન માનીએ છીએ પરંતુ કુદરતે બક્ષેલું જીવંત જીવન જો માણવું હોય તો ખરેખર શાંત અને નિર્જન વિસ્તારમાં જવું જોઈએ કે જ્યાં દૂર દૂર સુધી કોઈ વસ્તી કે વસાહત દેખાતી ન હોય. ચોમેર જ્યાં કુદરતનું સાંનિધ્ય જ હોય અને પશુ, પક્ષી સહિત મનુષ્યનું પણ નામોનિશાન દેખાતું ન હોય તેવા વિસ્તારમાં જ્યારે કોઈ એકલદોકલ સજીવ દેખાઈ જાય ત્યારે જીવનની જીવંતતાની કેવી અનુભૂતિ થાય એ તો જેણે આવી પળો માણી હોય એ જ વર્ણવી શકે. પ્રસ્તુત તસવીરના ફોટોગ્રાફર વોલ્ટર પી.ઝાયમેન્સ્કી પણ આવી જ જીવંતતાની શોધમાં અમેરિકાના ઈન્ડિયાના બરફીલા વિસ્તારમાં પહોંચી ગયા જ્યાં એમને આકરા તપ બાદ એક બરફની ખિસકોલી દેખાઈ અને એની આ અદભુત તસવીર પણ ઝડપવામાં તેઓ સફળ થયા. ચોમેર બરફના ઢગ વચ્ચે અચાનક પોતાના ખોરાક માટે ઑક વૃક્ષના બીજની તલાશમાં નીકળેલી આ ફોકસ સ્કવીર્ટલના માથે બરફનો ગચ્ચો એવી રીતે છવાયેલો હતો કે જાણે મેડમે હેટ ધારણ કરી ન હોય….!!! નખરાળી પણ ખૂબસૂરત એવી આ ખિસકોલીની ચહેલ પહેલે શાંત, શુભ્ર અને શીતલ વાતાવરણમાં અનેરી જીવંતતા પ્રસરાવી દીધી હતી…!!