નવી દિલ્હી, તા.૧૧
હવે જો રોહિત શર્માને હિન્દુસ્તાનનો કેપ્ટન નહીં બનાવે તો આ હિન્દુસ્તાનનું દુર્ભાગ્ય હશે. ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર બેટ્સમેન અને પોતાની સુકાની પદમાં કોલકાતાને બે વખત આઈપીએલ ચેમ્પિયન બનાવનાર ગૌતમ ગંભીરે કહી છે. આ ઉપરાંત ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોનનું માનવું છે કે, ટી૨૦ ટીમનો કેપ્ટન રોહિત હોવો જોઈએ. મંગળવારે આઈપીએલ ૨૦૨૦માં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને હરાવીને પાંચમી વખત ટ્રોફી પર કબ્જો જમાવ્યો હતો. ગંભીરનું માનવું છે કે, લિમિટેડ ઓવરોના ફોર્મેટમાં ભારતીય ટીમના વાઈસ કેપ્ટનને હવે કેપ્ટન બનાવવાનો સમય આવી ગયો છે. ગંભીરે કહ્યું કે, જો કોઈ ખેલાડી પાંચ વખત આઈપીએલ ટ્રોફી જીતે છે તો તમે શું કહેશો. તમારે કોઈને પણ પરખવાનો માપદંડ એક જ રાખવો પડશે. જો આપણે ધોનીને ભારતનો સૌથી સફળ કેપ્ટન કહીએ છીએ, જે તે છે, તો તેના આધાર પર કહીએ છીએ કે, તેણ બે વર્લ્ડ કપ અને બે આઈપીએલ જીતી છે.
રોહિતે પાંચ વખત આઈપીએલ જીતી છે. જો તેને આગળ જતાં વાઈટ બોલની કેપ્ટન્સી અને ટી૨૦ની કેપ્ટન્સી નથી મળતી તો આ શરમની વાત છે. કેમ કે આનાથી વધારે રોહિત વધુ કાંઈ કરી શકતો નથી. તે ફક્ત જે ટીમની કેપ્ટન્સી કરે છે તેને જીત અપાવી શકે છે. આ ઉપરાંત ગંભીરે કહ્યું કે, લોકો કહી શકે છે કે રોહિત ખોટા સમય પર હતો તે સમયે વિરાટ કેપ્ટન્સી કરી રહ્યો હતો. અલગ ફોર્મેટમાં અલગ કેપ્ટન રાખી શકીએ છીએ. તેમાં કોઈ ખરાબી નથી. રોહિતે સાબિત કર્યું છે કે, વાઈટ બોલ કેપ્ટન્સીમાં તેની અને વિરાટની કેપ્ટનશિપમાં કેટલો ફરક છે. એક ખેલાડી પાંચ વખત આઈપીએલ ટ્રોફી જીતે છે અને બીજો એક પણ જીતી શક્યો નથી. વિરાટ ખરાબ કેપ્ટન નથી પણ વિરાટ અને રોહિતને એક જ મંચ મળ્યું છે. ત્યાં રોહિતે પોતાને શ્રેષ્ઠ સાબિત કર્યો છે. તો મુંબઈની જીત બાદ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને ટ્વીટ કરીને રોહિત શર્માના વખાણ કર્યા હતા. વોને કહ્યું કે, રોહિતને હવે ટી૨૦ ફોર્મેટમાં ભારતનો કેપ્ટન બનાવવો જોઈએ. વોને રોહિતને શાનદાર મેન મેનેજર ગણાવ્યો છે.આ સાથે જ તેણે કહ્યું કે, રોહિત જાણે છે કે ટી૨૦ મુકાબલો કેવી રીતે જીતી શકાય છે. આ ઉપરાંત વોને કહ્યું કે, જો રોહિતને ટી૨૦નો કેપ્ટન બનાવાય છે તો હાલના કેપ્ટન કોહલીને થોડીને રાહત મળશે અને તે ખુલીને રમી શકશે.