ગંભીર બીમારીઓ સામે લડીને મેળવી સફળતા : બે વાર કમળો અને એક વાર ટાઈફોઈડ થવા છતાં મેળવ્યો JEE Advanced માં AIR 3

(એજન્સી) નવી દિલ્હી, તા.પ
તાજેતરમાં જાહેર થયેલા JEE Advanced 2026ના પરિણામોમાં દેશભરમાંથી સફળતાની ઘણી વાર્તાઓ સામે આવી છે, પરંતુ તેમાં સૌથી પ્રેરણાદાયી વાર્તા રાજસ્થાનના એક નાના ગામમાંથી આવી છે. રાજસ્થાનના ઝુનઝુનુ જિલ્લાના ગોઠ ગામના રહેવાસી જતિન ચહરે JEE Advancedમાં ૩૬૦માંથી ૩૧૯ માર્ક્સ મેળવીને ઓલ ઈન્ડિયા રેન્ક ૩ (AIR 3) હાંસલ કર્યો છે. આ સાથે જ તેઓ આ વર્ષે રાજસ્થાન મૂળના વિદ્યાર્થીઓમાં સૌથી વધુ સ્કોર કરનાર ઉમેદવાર બન્યા છે. જતિનની આ સિદ્ધિ એટલા માટે ખાસ છે કારણ કે તેમની આ સફર બિલકુલ સરળ નહોતી અને તૈયારી દરમિયાન તેમને સ્વાસ્થ્યના મોટા પડકારોનો સામનો કરવો પડ્યો હતો.
તૈયારીની વચ્ચે હોસ્પિટલના આંટાફેરા : જતિન જ્યારે ત્નઈઈ ની તીવ્ર તૈયારીઓ કરી રહ્યા હતા, ત્યારે તેઓ બે વખત કમળો (Jaundice) અને એક વખત ટાઈફોઈડ (Typhoid)નો ભોગ બન્યા હતા. ગંભીર બીમારીઓના કારણે આશરે બે મહિના જેટલો સમય તેઓ ઘર અને હોસ્પિટલ વચ્ચે જ વિતાવી રહ્યા હતા, જેના લીધે તેમના અભ્યાસ પર ખૂબ જ માઠી અસર પડી હતી. સામાન્ય રીતે કોઈપણ વિદ્યાર્થી આવા સમયે હિંમત હારી જાય, પરંતુ જતિને આ મુશ્કેલીને એક પડકાર તરીકે સ્વીકારી. જતિન જણાવે છે કે, દરેક મુશ્કેલ સમયમાં તેમના માતા-પિતા, પરિવાર અને શિક્ષકોએ તેમના પર રાખેલો ભરોસો જ તેમની તાકાત બન્યો હતો. જો તમારૂં લક્ષ્ય સ્પષ્ટ હોય અને તમે સતત મહેનત કરો, તો ગમે તેવા પડકારોને પાર કરી શકાય છે.નાના લક્ષ્યો અને સોશિયલ મીડિયાથી દૂરીની રણનીતિ : પોતાની સફળતાની વ્યૂહરચના અંગે વાત કરતા જતિને જણાવ્યું કે, સફળતા ક્યારેય એક દિવસની અસાધારણ મહેનતથી નથી મળતી, પરંતુ રોજબરોજના નાના-નાના પ્રયાસોનું જ એ પરિણામ હોય છે. સીકરમાં છ વર્ષ સુધી ક્લાસરૂમ સ્ટુડન્ટ તરીકે અભ્યાસ કરનાર જતિને હંમેશા મોક ટેસ્ટને માત્ર સ્કોરકાર્ડ તરીકે જોવાને બદલે પોતાની નબળાઈઓ સુધારવાના માધ્યમ તરીકે લીધી હતી. અભ્યાસ દરમિયાન તેઓ મોબાઈલ ફોનને પોતાનાથી દૂર રાખતા અને સમયને નાના, મેનેજેબલ ટાર્ગેટમાં વહેંચીને ફોકસ કરતા હતા. તેઓ નિયમિત દિવસોમાં ૭થી ૮ કલાક અને ક્લાસ ન હોય તેવા દિવસોમાં ૧૧થી ૧૨ કલાક સેલ્ફ-સ્ટડી કરતા હતા. આજની પેઢીથી વિપરીત, જતિન સોશિયલ મીડિયાથી તદ્દન દૂર રહ્યા હતા અને શિક્ષકો સાથે વાત કરવા માટે પણ પોતાની માતાના ફોનનો ઉપયોગ કરતા હતા. આ સાથે જ, તેઓ પૂરતી ઊંઘને પણ એટલું જ મહત્વ આપતા હતા.પરિવારનો સહયોગ અને IIT બોમ્બેનું સપનું : જતિન પોતાની આ ભવ્ય સફળતાનો શ્રેય પોતાના સપોર્ટ સિસ્ટમને આપે છે. તેમનાપિતા દિનેશ ચહર ભારતીય વાયુસેના (IAF)માં વોરંટ ઓફિસર તરીકે દેશની સેવા કરે છે અને માતા મોનિકા કુમારી ગૃહિણી છે. જતિને જણાવ્યું કે ક્યારેક ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવે તો પણ પરિવારે ક્યારેય તેમના પર દબાણ વધાર્યું નહોતું, બલ્કે તેમનો ઉત્સાહ વધારી ભૂલો સુધારવા પ્રેરિત કર્યા હતા. આ ઉપરાંત શિક્ષકોના માર્ગદર્શનને પણ તેઓ અનિવાર્ય ગણાવે છે. ઓલિમ્પિયાડમાં પણ શાનદાર રેકોર્ડ ધરાવતા જતિનનું હવે પછીનું લક્ષ્ય IITબોમ્બેમાંથી કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ (CSE) કરવાનો છે. તેમની આ સફર દેશભરના લાખો આશાસ્પદ વિદ્યાર્થીઓ માટે એક મોટો પાઠ છે કે ગંભીર બીમારીઓ કે મુશ્કેલીઓ પણ તમારી મક્કમતા આગળ હારી જાય છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks