(એજન્સી) તા.૩
ગાઝામાં ઈદ ઉલ-અઝહાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, જ્યાં ઈઝરાયેલે ૭ ઓક્ટોબર, ૨૦૨૩થી તેના હુમલા ચાલુ રાખ્યા છે અને ૨ માર્ચ, ૨૦૨૫થી ચુસ્ત ઘેરો ઘાલ્યો છે. જ્યારે પેલેસ્ટીનીઓ યુદ્ધના પડછાયા હેઠળ બીજી ઈદ ઉલ-અઝહાની ઉજવણી કરવાની તૈયારી કરી રહ્યા છે, ત્યારે ગાઝા ગંભીર ભૂખમરો અને ખાદ્યપદાર્થોની કટોકટીનો સામનો કરી રહ્યું છે, કારણ કે ઇઝરાયેલ ભૂખમરાને પ્રદેશમાં યુદ્ધના શસ્ત્ર તરીકે ઉપયોગ કરી રહ્યું છે. આ મુશ્કેલ સંજોગોમાં કેટલાક નાના પશુઓની સંભાળ રાખનારા પેલેસ્ટિનિયન અબુ હાતિમ અલ-ઝરકાએ જણાવ્યું કે ૭ ઓક્ટોબર, ૨૦૨૩થી આ પ્રદેશમાં કોઈ જીવંત પ્રાણીઓ આવ્યા નથી અને તેઓ પશુ આહાર મેળવવામાં અસમર્થ છે. અલ-ઝરકાએ જણાવ્યું કે વેચવામાં આવેલ બલિદાન ગાઝાના લોકો માટે પૂરતું નહીં હોય અને ઊંચા ભાવને કારણે તેને ખરીદી શકાશે નહીં. બીજી તરફ વિસ્થાપિત પેલેસ્ટીનીઓએ જણાવ્યું કે તેઓ ઈદની ખુશી અનુભવી શક્યા નથી, તેઓ મહિનાઓથી ભૂખમરા સાથે સંઘર્ષ કરી રહ્યા છે. ઇઝરાયેલ પ્રેરિત દુષ્કાળના પરિણામે, માંસ અને શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે, જેના કારણે પેલેસ્ટીનીઓ પાસે પોષાય તેવી કોઈ રીત નથી. પરિણામે ઘણા લોકોએ મહિનાઓથી માંસ ખાધું નથી.