પેસેન્જર વાન પર ડ્રોન હુમલામાં ઓછામાં ઓછા છ લોકો અને રહેણાંક એપાર્ટમેન્ટ પરના હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે
(એજન્સી) તા.૩૦
ગાઝા પટ્ટી પરના ઇઝરાયેલી હુમલામાં ઓછામાં ઓછા સાત પેલેસ્ટીનીઓ માર્યા ગયા છે અને ૧૦થી વધુ લોકો ઘાયલ થયા છે, કારણ કે, ઇઝરાયેલ લગભગ એક વર્ષ જૂના ‘યુદ્ધવિરામ’નું ઉલ્લંઘન કરવાનું ચાલુ રાખી રહ્યું છે. પ્રત્યક્ષદર્શીઓ અને તબીબી સૂત્રોના જણાવ્યા અનુસાર બુધવારે દક્ષિણ-પશ્ચિમ ગાઝા શહેરના તલ અલ-હવા વિસ્તારમાં પેસેન્જર વાન પર ઇઝરાયેલી ડ્રોન હુમલામાં છ લોકો માર્યા ગયા હતા. એમ્બ્યુલન્સ અને કટોકટી સેવાઓ ચલાવતા માનવતાવાદી જૂથ ‘પેલેસ્ટીન રેડ ક્રેસન્ટ સોસાયટી’એ જણાવ્યું હતું કે, તેમની ટીમોએ ૧૩ ઘાયલ લોકોને અલ-કુદ્સ હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. તબીબી સૂત્રોએ અલ-જઝીરાને જણાવ્યું હતું કે, હુમલામાં ઘાયલ થયેલા લોકોની હાલત ‘ગંભીર’ છે. ગાઝા શહેરથી રિપોર્ટિંગ કરી રહેલા અલ-જઝીરાના હિન્દ ખોદારીએ કહ્યું, ‘ડોક્ટરોનું કહેવું છે કે, ઘાયલોના જીવ બચાવવા મુશ્કેલ છે કારણ કે, વર્ષોના ઇઝરાયેલી હુમલા અને નાકાબંધીને કારણે આરોગ્ય વ્યવસ્થા પડી ભાંગી છે.’ ‘આ હુમલામાં મૃતકોની સંખ્યા આગામી કલાકોમાં વધી શકે છે.’ અગાઉ સત્તાવાર પેલેસ્ટીની સમાચાર એજન્સી ‘વાફા’ (ઉટ્ઠકટ્ઠ)એ અહેવાલ આપ્યો હતો કે, ગાઝા શહેરમાં અલ-શિફા હોસ્પિટલ નજીક એક રહેણાંક એપાર્ટમેન્ટ પર ઇઝરાયેલી હુમલામાં ઓછામાં ઓછી એક મહિલાનું મોત થયું હતું. અન્ય એક ઘટનામાં ‘વાફા’ દ્વારા ટાંકવામાં આવેલા સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર દક્ષિણ ગાઝામાં વિસ્થાપિત લોકો માટેના આશ્રયસ્થાન પર ઇઝરાયેલી ડ્રોન ત્રાટકતાં બે બાળકો સહિત ચાર પેલેસ્ટીનીઓ ઘાયલ થયા હતા. મધ્ય ગાઝામાં ‘દેર અલ-બાલાહ’ની દક્ષિણ-પૂર્વમાં ઇઝરાયેલી દળો દ્વારા અન્ય બે પેલેસ્ટીનીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જ્યારે ગાઝા પટ્ટીના દક્ષિણ ભાગમાં આવેલા ‘ખાન યુનિસ’માં પણ ઇઝરાયેલી ટેન્ક દ્વારા ગોળીબારના અહેવાલ મળ્યા હતા. આ હુમલાઓ એવા સમયે થયા છે જ્યારે ગાઝાના આરોગ્ય મંત્રાલયે – જે સમગ્ર વિસ્તારની હોસ્પિટલોમાંથી જાનહાનિના આંકડા એકત્રિત કરે છે – બુધવારે વહેલી સવારે તેના તાજેતરના દૈનિક અપડેટમાં જણાવ્યું હતું કે, છેલ્લા ૨૪ કલાક દરમિયાન ઓછામાં ઓછા નવ લોકોના મૃતદેહો હોસ્પિટલોમાં લાવવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન આઠ લોકો માર્યા ગયા હતા અને એક મહિલાનું અગાઉની ઈજાઓને કારણે મૃત્યુ થયું હતું, જેનાથી ગયા વર્ષે ઓકટોબરમાં ઇઝરાયેલ અને પેલેસ્ટીની જૂથ હમાસ વચ્ચે ‘યુદ્ધવિરામ’ શરૂ થયા ત્યારથી માર્યા ગયેલા લોકોની સંખ્યા ઓછામાં ઓછી ૧૪૩૧ પર પહોંચી ગઈ છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, આ જ સમયગાળા દરમિયાન ઓછામાં ઓછા ૫૦૨૬ લોકો ઘાયલ થયા છે, જેમાં છેલ્લા ૨૪ કલાકમાં ઘાયલ થયેલા ૩૧ લોકોનો પણ સમાવેશ થાય છે. ગાઝાના રહેવાસીઓ માટેની ‘ભયાનક’ પરિસ્થિતિનું વર્ણન કરતા ખુદારીએ કહ્યું, ‘ગાઝામાં યુદ્ધવિરામ હોવો જોઈએ પરંતુ ઇઝરાયેલી સેનાની હિંસા અવિરત ચાલુ છે. દરરોજ પેલેસ્ટીનીઓ માર્યા જાય છે અને ઘાયલ થાય છે, તેમજ માનવીય પરિસ્થિતિ કથળી રહી છે.’ તેમણે ઉમેર્યું, ‘પટ્ટીની અંદર રહેલા દરેક વ્યક્તિ સુપરમાર્કેટમાં જવા, તેમના બાળકોને શાળાએ લઈ જવા અને તેમનું રોજિંદું જીવન જીવવામાં ડર અનુભવે છે.’ આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર એકંદરે ઓકટોબર ૨૦૨૩થી ગાઝામાં પેલેસ્ટીનીઓ વિરુદ્ધ ઇઝરાયેલના નરસંહાર સમાન યુદ્ધમાં ઓછામાં ઓછા ૭૪,૦૩૨ લોકો માર્યા ગયા છે અને અન્ય ૧,૭૫,૧૪૨ લોકો ઘાયલ થયા છે. ઓગસ્ટમાં યુનાઇટેડ નેશન્સ સેટેલાઇટ સેન્ટરના વિશ્લેષણમાં જાણવા મળ્યું હતું કે, ‘યુદ્ધવિરામ’ અમલમાં આવ્યા ત્યારથી સમગ્ર ગાઝામાં નાશ પામેલા માળખાઓની સંખ્યામાં ૯ ટકાનો વધારો થયો છે. સંયુક્ત રાષ્ટ્ર (ેંદ્ગ)ના જણાવ્યા અનુસાર એકંદરે ગાઝામાં લગભગ ૮૨ ટકા માળખાઓ – એટલે કે આશરે ૨,૦૦,૦૦૦ ઇમારતોને નુકસાન થયું છે અને યુદ્ધની શરૂઆતથી તેમાંથી લગભગ બે-તૃતીયાંશ ઇમારતો સંપૂર્ણપણે નાશ પામી છે.