ગાઝા યુદ્ધવિરામ સમજૂતીના ભાગરૂપે આજે વધુ ૧૧૦ જેટલા પેલેસ્ટીની કેદીઓને ઇઝરાયેલ મુક્ત કરશે

હમાસ અને અન્ય લડાકુ સંગઠન દ્વારા થાઈલેન્ડના પાંચ નાગરિકો અને ત્રણ ઇઝરાયેલીને પણ મુક્ત કરવામાં આવશે

(એજન્સી)                             નવી દિલ્હી, તા.૩૦ 
ગાઝામા યુદ્ધવિરામની સમજૂતી અનુસાર આજે ઇઝરાયેલ દ્વારા વધુ ૧૧૦ પેલેસ્ટીની નાગરિકો એટલે કે બંધક બનાવેલા કેદીઓને મુક્ત કરવામાં આવી રહ્યા છે તો સામા પક્ષે હમાસ અને અન્ય લડાકુ સંગઠન દ્વારા થાઈલેન્ડના પાંચ નાગરિકો અને ત્રણ ઇઝરાયેલીને પણ વળતા પગલાં રૂપે મુક્ત કરવામાં આવી રહ્યા છે તેમ બંને પક્ષો તરફથી જાહેર કરવામાં આવ્યું હતું.  મુક્ત થયેલા મોટાભાગના પેલેસ્ટીની કેદીઓ કબજાગ્રસ્ત વેસ્ટ બેંકના રામલ્લામાં આવી પહોંચશે તેમ જાહેર થયું છે. જે ૨૦ કેદીઓને પેલેસ્ટીન પ્રદેશની બહાર મોકલવામાં આવનાર છે એ ૨૦ કેદીઓનો આજે સમાવેશ થતો નથી પણ અન્ય ૧૧૦ને છોડવામાં આવી રહ્યા છે જેમાં ૩૦ જેટલા બાળકોનો પણ સમાવેશ થાય છે.  આજે મુક્ત થયેલા કેદીઓમાં પેલેસ્ટીનના જાણીતા લડાયક આગેવાન અને થિયેટર ડાયરેક્ટર ઝકરિયા ઝુબેદીનો પણ સમાવેશ થાય છે. ૨૦૨૧માં ઝકરિયા ઝુબેદી ખૂબ જ સનસનાટી મચાવીને ઇઝરાયેલની કેદમાંથી નાસી ગયા હતા જેના કારણે ઇઝરાયેલી અધિકારીઓ પણ અવાચક બની ગયા હતા અને સમગ્ર પેલેસ્ટીનમાં ઉત્સવનું વાતાવરણ જોવા મળ્યું હતું.  અગાઉ પણ અનેક વર્ષો સુધી જેલમાં રહેલા અને અલ- અકસા શહીદ બ્રિગેડના આગેવાન ગણાતા ઝુબેદી ફતહ પાર્ટી સાથે જોડાયેલા છે. એમની ૨૦૧૯માં ફરી ધરપકડ કરવામાં આવી હતી પરંતુ ૨૦૨૧માં ઉત્તર ઇઝરાયેલની સૌથી સખત સુરક્ષા વાળી જેલમાં ટનલ બનાવીને ઝુબેદી અને અન્ય પાંચ કેદીઓ જેલમાંથી બહાર નાસી ગયા હતા અને ત્યારથી તેઓ પેલેસ્ટીની પ્રજાના હીરો બની ગયા છે. તેમણે ૨૦૦૬માં જેની રેફ્યુજી કેમ્પમાં જે એમનું વતન છે ત્યાં ફ્રીડમ થિયેટરની સ્થાપના કરી હતી અને સાંસ્કૃતિક રીતે ઇઝરાયેલનો વિરોધ શરૂ કર્યો હતો. જ્યાં મંચ પર આવીને પુરૂષો તથા મહિલાઓ અને બાળકો એમની રચનાત્મક શક્તિના દર્શન કરાવતા હતા અને ઇઝરાયેલનો વિરોધ કરતા હતા આ રીતે નાટ્યમંચ પરથી ઇઝરાયેલ સામે સાંસ્કૃતિક લડાઈ ઝુબેદીએ શરૂ કરી હતી.  આજે ૧૧૦ પેલેસ્ટીની કેદીઓ મુક્ત થયા એ સાથે કુલ ૪૦૦ જેટલા પેલેસ્ટીની કેદીઓ ઇઝરાયેલની જેલમાંથી મુક્ત થયા છે અને હજુ બંધકોની મુક્તિની આપ લે ચાલુ રહેશે. કુલ ૧૪ હજાર જેટલા પેલેસ્ટીની નાગરિકો ઇઝરાયેલની જેલમાં હોવાનું જાહેર થયું છે તેમાંથી ૩૩૦૦ જેટલા નાગરિકોને તો કોઈ પણ આરોપ લગાડ્યા વિના વહીવટી અટકાયતમાં રાખવામાં આવ્યા છે તેમાં જાણીતા તબીબ અને સર્જન ડોક્ટર હસામ અબુ સફિયા જે કમલ અદવાન હોસ્પિટલના ડિરેક્ટર છે તેઓ પણ અત્યારે જેલમાં છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks