ચૂંટણી ભેટ વસ્તુઓને લઈને ડીએમકે સભ્યો દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ દલિત મહિલાની આત્મહત્યા

(એજન્સી) તા.૧૬
તિરૂચિરાપલ્લીમાં ૨૫ વર્ષીય દલિત મહિલા સિંધુજાનું મોત ડીએમકે કાર્યકરો દ્વારા કથિત રીતે હુમલો કરવામાં આવ્યા બાદ થયું હતું, જેમણે તેણીને ભેટ વસ્તુઓ આપવાનો ઇન્કાર કર્યો હતો. નવ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં છની ધરપકડ કરવામાં આવી છે. ભેટ વસ્તુઓ તરીકે વાસણો વહેંચવામાં પક્ષપાત પર સવાલ ઉઠાવ્યા બાદ ગુસ્સે થયેલા ડીએમકે સભ્યો દ્વારા કરવામાં આવેલા કથિત હુમલા બાદ ૧૪ એપ્રિલના રોજ ૨૫ વર્ષીય દલિત મહિલાનું મોત થયું હતું. આ ઘટના તિરૂચિરાપલ્લી જિલ્લાના વલૈકટ્ટાઈ ગામમાં બની હતી. મૃતકની ઓળખ સિંધુજા તરીકે થઈ છે. તેણીના લગ્ન પ્રશાંત સાથે થયા હતા અને તેણીની પુત્રી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ૧૩ એપ્રિલની રાત્રે, લગભગ ૭.૩૦ વાગ્યે, તેમના ઉમેદવાર એસ કથિરાવન માટે પ્રચાર કરી રહેલા સ્થાનિક ડીએમકે કાર્યકરો પાર્ટી વતી ભેટો વહેંચી રહ્યા હતા. જોકે, જ્યારે સિંધુજાએ વિનંતી કરી, ત્યારે ડીએમકે સભ્યોએ કથિત રીતે ઇન્કાર કરી દીધો, અને કહ્યું કે ભેટો ફક્ત તેમના સહયોગીઓ અને પાર્ટીના સભ્યોને જ વહેંચવામાં આવશે, એમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું.આનો વિરોધ કરતા, સિંધુજાએ ડીએમકે ઉમેદવાર જ્યારે ગામની મુલાકાત લેશે ત્યારે આ મુદ્દો ઉઠાવવાની ધમકી આપી હોવાના અહેવાલ છે. તેના જવાબથી ગુસ્સે થઈને, આરોપીએ તેના વાળ અને ચુડીદાર ખેંચી લીધા, અશ્લીલ ભાષાનો ઉપયોગ કરીને તેણીને દુર્વ્યવહાર કર્યો અને ઝાડુથી હુમલો કર્યો. પોલીસના જણાવ્યા અનુસાર, સિંધુજાના પતિ, પ્રશાંત, જે ડ્રાઇવર તરીકે કામ કરે છે, તે ઘટના સમયે શહેરની બહાર હતા. બીજા દિવસે, સિંધુજાએ આરોપી સામે કાર્યવાહી ન કરવા બદલ તેના પતિનો સામનો કર્યો હોવાના અહેવાલ છે. ત્યારબાદ તેણીએ તેને ઘરની બહાર ધક્કો મારી દીધો, દરવાજો અંદરથી બંધ કરી દીધો અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો. પડોશીઓની મદદથી, પ્રશાંતે દરવાજો તોડીને તેણીને બચાવવાનો પ્રયાસ કર્યો. જોકે તેણીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ પહોંચતા જ તેણીને મૃત જાહેર કરવામાં આવી. બુધવારે સિંધુજાના પરિવાર અને સંબંધીઓએ ગુનેગારોની ધરપકડની માંગણી સાથે ત્રિચી-લાલગુડી રોડ પર નાકાબંધી કરી હતી. ત્યારબાદ, સિંધુજાની માતાની ફરિયાદ બાદ નવ વ્યક્તિઓ – રાજા, રાજેન્દ્રન, રવિકુમાર, રાજકુમાર, સુરેશકુમાર, પુષ્પમ, રાજેશ્વરી, કાર્તિગા અને અંગુમણી – વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા (મ્દ્ગજી)ની કલમ ૨૯૬ (અશ્લીલ કૃત્યો), ૧૧૫(૨) (સ્વેચ્છાએ ઇજા પહોંચાડવી), ૩૫૧ (ગુનાહિત ધાકધમકી), ૭૯ (મહિલાની નમ્રતાનું અપમાન) અને ૧૦૮ (આત્મહત્યા માટે ઉશ્કેરવું) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો, જેમાં તમિલનાડુ મહિલા ઉત્પીડન પ્રતિબંધ અધિનિયમ અને જનપ્રતિનિધિત્વ અધિનિયમની સંબંધિત જોગવાઈઓ શામેલ છે. આરોપીઓમાંથી, છની ધરપકડ કરવામાં આવી હતી, કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી અને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા, જ્યારે બાકીના ત્રણ ફરાર છે. પોલીસ અધિક્ષક સેલ્વાનગરથિનામે જણાવ્યું હતું કે અન્ય આરોપીઓને ટૂંક સમયમાં પકડવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks