‘અમારો ભાઈચારો હંમેશા કાયમ રહેશે’ : કાર્યકર્તાએ જમ્મુમાં એ પત્રકારને જમીનનું દાન કર્યું જેના ઘરને બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યું છે
પત્રકાર અરફાઝ અહમદ દાઇંગને જમીનના કાગળો સોંપતા જમ્મુના રહેવાસી કુલદીપ શર્માએ જમ્મુમાં હિન્દુ-મુસ્લિમ એકતા જાળવી રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી, પત્રકાર અરફાઝ અહમદ દાઇંગે દાવો કર્યો હતો કે, તેમના ઘરનું તોડી પાડવું એ તેમના રિપોર્ટિંગનો બદલો લેવાનું કૃત્ય છે
(એજન્સી) શ્રીનગર, તા.૨૯
જમ્મુ સ્થિત એક સામાજિક કાર્યકર્તાએ હિન્દુ-મુસ્લિમ મિત્રતા પ્રત્યે શ્રદ્ધા દર્શાવવાના હેતુથી એક પત્રકારને પોતાની જમીન દાનમાં આપી છે જેનું ઘર સત્તાવાળાઓ દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. પત્રકાર અરફાઝ અહમદ દાઈંગને જમીનના કાગળો સોંપતા જ્વેલ વિસ્તારના રહેવાસી કુલદીપ શર્મા રડી પડ્યા હતા અને તેમણે ભારતીય જનતા પાર્ટીના ગઢ અને કેન્દ્રશાસિત પ્રદેશમાં સાંપ્રદાયિક તણાવનું કેન્દ્ર જમ્મુમાં હિન્દુ-મુસ્લિમ એકતા જાળવી રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી.તેમણે કહ્યું કે, હું તમારા માટે એક ઘર બનાવીશ ભલે મારે ભંડોળ માટે ભીખ માંગવી પડે. હિંદુઓને મુસ્લિમો સામે ઉશ્કેરવાનું કાવતરૂં ક્યારેય સફળ થશે નહીં. આપણો ભાઈચારો હંમેશા રહેશે. તમે એક સારા માણસ છો.૨૬ ઓકટોબરના રોજ બદલી કરાયેલા સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર જમ્મુ (પૂર્વ) તરીકે ફરજ બજાવતા ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસને આ મહિનાની શરૂઆતમાં સરહદ પાર ડ્રગ્સ હેરાફેરી રેકેટનો પર્દાફાશ કરવામાં આવેલા શંકાસ્પદ માદક દ્રવ્યોના દાણચોરો સાથે જોડવાનો પ્રયાસ કર્યાના થોડા દિવસો પછી દાઇંગનું ઘર તોડી પાડવામાં આવ્યું. જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રએ પત્રકારને પસંદગીપૂર્વક નિશાન બનાવવામાં આવ્યા હોવાના આરોપોને નકારી કાઢ્યા છે અને દલીલ કરી છે કે, ઘર રાજ્યની જમીન પર બનાવવામાં આવ્યું હતું.જમ્મુના ચન્ની વિસ્તારમાં દાઇંગના ઘરના ખંડેર પાસે બનાવેલા કામચલાઉ તાડપત્રીવાળા નિવાસસ્થાન તરફ ઈશારો કરીને શર્માએ કહ્યું કે, ‘જુઓ, તેમના બાળકો ખુલ્લામાં બેઠા છે. મને સરકાર પર શરમ આવે છે. આ દેશના નાગરિક હોવા છતાં પણ લોકોને બેઘર બનાવવામાં આવી રહ્યા છે.’સામાજિક કાર્યકર્તાની પુત્રી તાનિયા શર્માએ પત્રકારોને જણાવ્યું હતું કે, તેણીને તેના પિતાના નિર્ણય પર ગર્વની લાગણી છે, હું ખૂબ જ દુઃખી છું. કોઈને રાતોરાત કેવી રીતે બેઘર બનાવી શકાય ? તે મારા માટે ભાઈ જેવો છે. ફક્ત હું જ નહીં, મારો પરિવાર અને આખો સમુદાય તેની સાથે છે. તેણીએ ધ વાયરને કહ્યું કે, ‘હિંદુઓને મુસ્લિમો સામે ઉશ્કેરવાના’ ‘રાજકીય પ્રચાર’ છતાં જમ્મુ અને કાશ્મીરના લોકોએ એકતામાં રહેવું જોઈએ. મને મારા પિતા પર ગર્વ છે. તેમણે એક મહાન ઉદાહરણ સ્થાપિત કર્યું છે કે, આપણે હિન્દુ-મુસ્લિમ એકતાને મજબૂત કરવી જોઈએ.
આ સમયે દાઇંગના પિતા ગુલામ કાદિર, જેઓ આ પ્રસંગે હાજર હતા, તેમણે કહ્યું કે, ૨૭ નવેમ્બરના રોજ તેમનું ઘર તોડી પાડવામાં આવ્યા બાદ હજારો લોકોએ પરિવારને ટેકો આપ્યો હતો. મને ચિંતા નથી. જનતા અમારી સાથે ઊભી છે. તેમણે મારા પુત્રને ટેકો આપ્યો છે. આ મારા માટે મૂલ્યવાન છે. હું બીજું શું માંગી શકું ? આ દર્શાવે છે કે, જમ્મુ અને કાશ્મીરમાં સાંપ્રદાયિક સૌહાર્દ હજુ પણ અસ્તિત્વમાં છે. હું ખરેખર ખુશ છું.કાદિરે કહ્યું કે, આ એવો યુગ નથી જ્યાં સત્ય બોલી શકાય. બહુ ઓછા લોકો સત્યને ટેકો આપે છે. જે લોકો અપ્રમાણિક અને ભ્રષ્ટ છે, જે ગેરકાયદેસર વેપાર કરે છે, જે લોકોએ ડઝનેક કનાલ જમીન પર અતિક્રમણ કર્યું છે, તેમને કોઈ કોઈ પ્રશ્ન પૂછતું નથી. તેમણે કહ્યું કે, એક માળનું ઘર જમ્મુ વિકાસ સત્તામંડળ દ્વારા પસંદગીપૂર્વક નિશાન બનાવવામાં આવ્યું હતું. તે લગભગ ૪૦ વર્ષ પહેલાં થોડા મરલા જમીન પર બનાવવામાં આવ્યું હતું. તેમની પાસે બીજી કોઈ મિલકત નહોતી.જમ્મુ સ્થિત પત્રકાર રશ્મિ શર્મા, જેમણે સૌપ્રથમ હૃદયસ્પર્શી ઘટનાની જાણ કરી હતી, તેમણે કહ્યું કે, સામાજિક કાર્યકર ન્યૂઝ સેહર ઈન્ડિયાના દર્શક અને અનુયાયી હતા, જે દાઇંગ દ્વારા સંચાલિત એક નવું ડિજિટલ પ્લેટફોર્મ છે જેના સોશિયલ મીડિયા પર લગભગ અડધા મિલિયન ફોલોઅર્સ અને સબ્સ્ક્રાઇબર્સ છે. શર્મા ન્યૂઝ સેહર ઈન્ડિયાને ફોલો કરતાં અને જોતા હતા. તે તેના પડોશમાં ઘણા જરૂરિયાતમંદ લોકોની મદદ માટે સામે આવ્યા છે. તે એક એવ વ્યક્તિ છે જે ભૂખ્યા લોકોને ભોજન પૂરૂં પાડે છે. ઘર તોડી પાડવાથી તે ખૂબ જ પરેશાન હતો, તેથી જ તેણે આ નિર્ણય લીધો છે. તેણીએ કહ્યું કે, સામાજિક કાર્યકર્તાની પુત્રી કેટલાક વર્ષોથી તેમના પડોશમાં વંચિત બાળકોને મફત ટ્યુશન ક્લાસ આપી રહી છે.ધ વાયર સાથે વાત કરતા શર્માએ કહ્યું કે, ગુરૂવારે સવારે ડઝનબંધ પોલીસ અને અર્ધલશ્કરી દળોના જવાનો સાથે સિવિલ અધિકારીઓના એક ટોળાએ દાઇંગના પરિવારના નિવાસસ્થાન પર હુમલો કર્યો ત્યારથી તેઓ પરેશાન હતા. આ પરિવારે આરોપ લગાવ્યો છે કે, જેડીએ અધિકારીઓએ ઘર તોડી પાડતા પહેલા કાનૂની પ્રક્રિયાનું પાલન કર્યું ન હતું. બહુ ઓછા લોકોએ હિંમત કરી હતી ત્યારે તેમણે સત્ય જ કહ્યું હતું. તેમણે તેમના રિપોર્ટિંગ દ્વારા મહત્ત્વપૂર્ણ જાહેર મુદ્દાઓ ઊઠાવ્યા. દુઃખની વાત છે કે, સત્ય માટે કોઈ જગ્યા નથી. હું તેમના બાળકો અને વૃદ્ધ માતા-પિતાના રડવાનો અવાજ સહન કરી શક્યો નહીં. જો હું પરિવારના ઘરને ફરીથી બનાવવાના પ્રયાસમાં ફાળો આપી શકું, તો ભગવાન મારા મૃત્યુ પછીના જીવનમાં મારા માટે એક ઘર બનાવશે.