(એજન્સી) તા.૧
સરકાર એક બાજુ જમ્મુ અને કાશ્મીરમાં અધિવાસ પ્રમાણપત્ર માટેની અરજીઓની ચકાસણી ઝડપથી કરવા માટે મહેસૂલ વિભાગ પર દબાણ લાવી રહી છે પરંતુ અંદરના વર્તુળોનુંં કહેવું છે કે ૨-જી ઇન્ટરનેટ સેવાની ધીમી ઝડપ અને વધુ પડતો કાર્યભાર ધરાવતાં મહેસૂલ અધિકારીઓએ આ પ્રક્રિયાને વધુ મુશ્કેલ બનાવી છે. જમ્મુ અને કાશ્મીર સરકારે ગત સપ્તાહે અગાઉની ૧૫ દિવસની સમયમર્યાદા સામે પરમેનેન્ટ રેસિડેન્ટ સર્ટિફીકેટ (પીઆરસી) હોલ્ડર્સ અને માઇગ્રન્ટ્સને માત્ર પાંચ જ દિવસમાં અધિવાસનું પ્રમાણપત્ર આપવા જણાવ્યું છે. દ.કાશ્મીરમાં તૈનાત કાશ્મીર એડમેનિસ્ટ્રેટીવ ઓફિસરે જણાવ્યું છે કે પાંચ દિવસની અંદર અધિવાસ પ્રમાણપત્ર ઇસ્યૂ કરવો એ વિરાટ કાર્ય છે. અમે અનેક કાર્યબોજ તળે છીએ. જાહેર પ્રશ્નો ઉકેલવા ઉપરાંત બેઠકોનું આયોજન, કોવિડ-૧૯નું એસાઇનમેન્ટ, લોકોને જુદા જુદા પ્રમાણપત્રો આપવા અધિકાર ક્ષેત્રમાં કાયદો-વ્યવસ્થા જાળવવા સહિતની કામગીરી ઉપરાંત અધિવાસ પ્રમાણપત્ર ઇસ્યૂ કરવાની વધારાની કામગીરી સોંપવામાં આવી છે. અમે આખરે માણસો છીએ મશીન નથી. અધિવાસ કાયદા અનુસાર જમ્મુ અને કાશ્મીરમાં અધિવાસ પ્રમાણપત્ર લેવા માટે ઓછામાં ઓછા ૧૫ વર્ષના વસવાટની સાબિતી ધરાવતાં પીઆરસી ધારકો અને બિન-કાયમી નિવાસીઓને અધિવાસ પ્રમાણપત્ર મેળવવાનો હક છે. એક વરિષ્ઠ અધિકારીએ અધિવાસ પ્રમાણપત્ર સમયસર ઇસ્યૂ કરવા માટે હાઇ સ્પીડ ઇન્ટરનેટ સર્વિસના અભાવને મુખ્ય અવરોધક પરિબળ ગણાવ્યું છે. પ્રત્યેક વ્યક્તિની માહિતીની ચકાસણી કરવા માટે, વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી) મેળવવા અને ઇ-સિગ્નેચર અપલોડ કરવાની કાર્યવાહી માટે ૨-જી ઇન્ટરનેટ સર્વિસ પર ભરોસો રાખવાથી કલાકો લાગે છે. આ સંજોગોમાં માત્ર થોડા દિવસમાં અધિવાસ પ્રમાણપત્ર ઇસ્યૂ કરવું કઇ રીતે શક્ય છે ? એવું તેમણે પૂછ્યું હતું.