જિહાદ બાબતે ગેરસમજોનું નિરાકરણ

ર૪ આયતોની હકીકત-ચોખવટ

(ભાગ-૪)
બિનમુસ્લિમો સાથેના સંબંધો
ઈસ્લામ વિરોધી પરિબળોએ ઘણો શોર (હંગામો) મચાવ્યો છે કે, ઈસ્લામ નફરતની શીખ આપે છે. આના પુરાવા માટે તેઓ કુર્આને પાકની કેટલીક આયતોનું ખોટું અર્થઘટન કરે છે. ખુદ મુસ્લિમોમાં પણ સલીમ વાસ્તિક જેવા તત્ત્વો મૌજૂદ છે, જે અતિશયોક્તિમાં સરી જઈ કુર્આન શરીફની અમુક આયતોને બરાબર સમજી શકયા નથી. એ વાત સાચી છે કે, ઈસ્લામે મુસ્લિમોને બિનમુસ્લિમોથી એક અંતર રાખવાનો આદેશ આપ્યો છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેમની સાથે હમદર્દીપૂર્વક વર્તન કરવામાં ન આવે.
ઈસ્લામની બુનિયાદી તાલીમ (શીખ) એ છે કે, બધા માનવો, તે કોઈ પણ કુળના હોય, એક માતા-પિતાના સંતાન છે. (હુજુરાત : ૧૩) કુર્આનના મતે સમગ્ર માનવજાત એક સન્માનીય સર્જન (મખ્લૂક) છે. (ઈસ્રા : ૭૦) એક વખત આપ (સ.અ.વ.) સાહેબ બેઠા હતા. ત્યાંથી એક જનાઝો પસાર થયો. આપ (સ.અ.વ.) સાહેબ તેને જોઈને ઊભા થઈ ગયા. આપ (સ.અ.વ.) સાહેબના માનવંતા સાથીઓ પણ ત્યાં મૌજૂદ હતા. તેમણે આપ (સ.અ.વ.) સાહેબથી કહ્યું કે, આ એક યહૂદીનો જનાઝો હતો. તો આપ (સ.અ.વ.) સાહેબે ફરમાવ્યું કે, “શું તે એક માણસ ન હતો ?” આપ (સ.અ.વ.) સાહેબ પછી આપ (સ.અ.વ.) સાહેબના કેટલાક સહાબાઓ પણ આ વાત પર અમલ કરતા હતા.
(બુખારી શરીફ : પૃ.૧૩૧૩, મુસ્લિમ શરીફ : પૃ.૯૬૧)
ઈસ્લામે એ ભાવના જગાડી કે બધા જ માનવીઓ એકબીજાના ભાઈ છે. એક રિવાયતમાં છે કે, આપ (સ.અ.વ.) સાહેબ નમાઝ પછી દુઆ માંગતા, તો હમ્દો શના (પાલનહારના વખાણ) તથા ખુદની રિસાલતની ગવાહી પછી એ ગવાહી પણ આપતા હતા કે, “હે અલ્લાહ પાક ! હે અમારો તથા દરેક ચીઝનો પાલનહાર ! હું સાક્ષી આપું છું કે, બધા બંદાઓ ભાઈ-ભાઈ છે.
(અબૂ દાવૂદ : ૧પ૦૮, મુસ્નદે અહમદ ૧૮૮૭૦)
અલ્લાહપાકના રસુલ (સ.અ.વ.) સાહેબે સમગ્ર મખ્લૂક પર રહેમ કરવાની તાલીમ આપી. આપ (સ.અ.વ.) સાહેબે ફરમાવ્યું : “રહેમ કરનારાઓ પર અલ્લાહ પાક રહેમ કરે છે. તમે જમીનવાળાઓ પર રહેમ કરો, આકાશમાં જે છે, એ તમારા પર રહેમ કરશે.
(તિરમીઝી : ૧૯ર૪, અબૂ દાવૂદ : ૪૯૪૧)
કુર્આન પાકે કરૂણાની તાલીમ આપતા કહ્યું છે કે : “અફસોસ, આટલી બધી નેઅમતો (ખુદાપાકની કૃપાઓ) છતાં તે નિષ્ફળતાની ખીણ પાર કરી સફળતા નથી મેળવતો.” આ ઘાટી પાર કરવાની તેમજ સફળતા મેળવવાની વિગત કુર્આન દર્શાવે છે : “ગુલામને આઝાદ કરવા, દુકાળના દિવસોમાં ખવડાવવું, યતીમ સંબંધીને અથવા એવા ગરીબને જે ગરીબીના કારણે ધૂળધાણી થઈ ગયો હોય” આ છે સફળતાની સીડી.
ઈસ્લામ માણસ તો માણસ, દરેક પ્રાણી સાથે સદ્‌વર્તાવની શીખ આપી છે.
(બુખારી શરીફ : ૬૦૦૯)
ઈસ્લામ “એક કૌમ તથા વંશના બધા માનવીઓ વચ્ચે ભાઈ-ભાઈનો સંબંધ છે” એ મૂલ્યને સ્વીકારે છે. તેમાં ધર્મભેદ આડે આવતો નથી. કુર્આને હઝરત હૂદ (અ.સ.), હઝરત સાલિહ (અ.સ.) અને હઝરત શુઐબ (અ.સ.)ને પોતપોતાની બિનમુસ્લિમ કૌમના ભાઈ કહ્યા છે. આમ, મુસ્લિમો તથા બિનમુસ્લિમો વચ્ચે ભાતૃત્વના સંબંધને સ્વીકાર્યો છે. આ પગમ્બરો જ્યારે પોતપોતાની કૌમને સત્ય પહોંચાડવા જતા તો તેમને “હે મારી કૌમ, હે મારી કૌમ’ કહી સંબોધન કરતા હતા. આજના કાળમાં પણ આ ભાવના મુસ્લિમો અને બિનમુસ્લિમો વચ્ચેના સંબંધની એક મહત્ત્વપૂર્ણ બુનિયાદ (પાયો) છે. આના જ આધારે એક દેશ તથા એક સામાજિક એકમમાં વસતા મુસ્લિમો તથા ત્યાંના બિનમુસ્લિમો વચ્ચે સંબંધ સ્થપાવવો જોઈએ.
બિનમુસ્લિમો સાથે હમદર્દીપૂર્વક વર્તવાના અનેક આદેશો ઈસ્લામી શિક્ષાઓમાં તથા આપ (સ.અ.વ.)સાહેબના જીવનમાં મળી આવશે. કુર્આનમાં છે : “હિદાયત તમારા અખત્યારમાં નથી, અલ્લાહપાક જેને ચાહે છે, તેને હિદાયત આપે છે. (એટલે તમે ધર્મભેદ ભૂલી બધા માનવીઓ પર ખર્ચ કરો) તમે જે કાંઈ ખર્ચ કરશો, તો તેનો ફાયદો તમને મળી રહેશે.”
(સૂ. બકરહ : ર૭ર)
આ આયતનો સંબંધ દર્શાવે છે કે, કોઈપણ માણસની આર્થિક મદદ કરતી વખતે એ જોવું જરૂરી નથી કે, કોણ ઈમાન કબૂલ કરે છે, કોણ નહીં, દરેક જરૂરતમંદ મદદનો હકદાર છે.
વિદ્વાન સહાબીઓ (રદી.) તથા તાબેઈન (રદી.)એ ઉપરોક્ત આયતનો અર્થ એ બતાવ્યો છે કે, બિનમુસ્લિમને સદકાથી મહરૂમ (વંચિત) રાખવામાં ન આવે. ઈમામ તબરી (રહ.)એ પોતાની તફસીરમાં એનો વિગતવાર ઉલ્લેખ કર્યો છે.
હઝરત ઉમર (રદી.)એ પોતાના ગવર્નરોને લખ્યું કે, “બિનમુસ્લિમ પ્રજાજનોમાં જે ગરીબ તથા જરૂરતમંદ હોય તેની જરૂરિયાત મુસ્લિમ લોકોના માલમાંથી પૂરી કરવામાં આવે.
(કિતાબુલ ખિરાજ, અબૂ યુસુફ : ૧પ૭)
ઈસ્લામમાં લોહીના સંબંધોની જાળવણી (સિલારહમી)ની ઘણી જ તાકીદ કરવામાં આવી છે. હદીસમાં એમ કહેવામાં આવ્યું છે કે, જે સ્વજનો સાથે સંબંધ નથી રાખતો, અલ્લાહ પાક તેની સાથે યુદ્ધની ઘોષણા કરે છે.
(બુખારી શરીફ : પ૮૯૭/પ૯૮૯, મુસ્નદે અહમદ : ૧૬૮૪)
સાફ સાફ કહી દેવામાં આવ્યું કે, “જન્નતમાં સંબંધ વિચ્છેદ કરનારાનું કોઈ સ્થાન નથી.”
(મુસ્લિમ શરીફ : રપપ૬)
સિલારહમીનો આ આદેશ બધા સ્વજનો માટે છે. મુસ્લિમ હોય કે બિનમુસ્લિમ. ઈસ્લામ સંબંધો જોડે છે, તોડતો નથી.
કુર્આન શરીફમાં છે કે “જો કોઈના માતા-પિતા બિનમુસ્લિમ હોય અને તે સંતાનને ઈસ્લામ છોડી દેવા માટે મજબૂર કરતા હોય તો તેમની વાત માનવમાં ન આવે. છતાં તેમની સાથે દુર્વ્યવહાર નહીં બલ્કે સદ્‌વ્યવહાર જ કરો.
હઝરત અબૂ હુરૈરહ (રદી.)ની માતા બિનમુસ્લિમ હતી. તે આપ (સ.અ.વ.) સાહેબને આડુંઅવળું કહેતી, તે બીચારા ધીરજ રાખતા. તેમણે રસુલ (સ.અ.વ.) સાહેબને ફરિયાદ કરી. તો નફરતના બદલે દુઆ મળી, અને તે દુઆના પ્રતાપે તેમને હિદાયત મળી ગઈ.
હઝરત અસ્મા બિન્તે અબૂબક્ર (રદી.)ની મા બિનમુસ્લિમ હતી. એક પ્રસંગે જ્યારે તેમને કંઈક ભેટ-સોગાદ આપવાની જરૂર ઊભી થઈ, તો હઝરત અસ્મા (રદી.)એ આપ (અ.સ.વ.) સાહેબને પૂછ્યું કે, “શું હું તેમની સાથે સિલારહમી કરૂં ? તેમને ભેટસોગાદ આપું ? તો આપ (સ.અ.વ.) સાહેબે હઝરત અસ્માને આમ કરવાની છૂટ આપતા કહ્યું કે, “તેમની સાથે સંબંધ જાળવો અને તેમને ભેટ આપી વિદાય કરો.”
(બુખારી શરીફ : ર૬૦ર)
ઈસ્લામમાં પાડોશીઓ સાથે સદ્‌વર્તાવનો ઘણો ભારપૂર્વક આદેશ છે. પછી ભલેને તે બિનમુસ્લિમ હોય. આ બાબતે બેદરકારી દાખવવાથી ઈમાન પણ ખતરામાં આવી જાય છે, એમ એક હદીસમાં કહ્યું છે. આપ (સ.અ.વ.) સાહેબે ત્રણ વખત કસમ ખાઈને કહ્યું કે, “જેની હેરાનગતિથી તેનો પાડોશી સુરક્ષિત નથી, તે મોમિન (મુસ્લિમ) નથી.
(બુખારી શરીફ : ૬૦૧૬)
હઝરત અબ્દુલ્લાહ બિન અમ્ર (રદી.)ના ઘેર એક બકરી ઝબહ કરવામાં આવી. જ્યારે આપ (સ.અ.વ.) સાહેબ આવ્યા, તો સૌથી પહેલા પૂછ્યું કે, “આપણા યહૂદી પાડોશીને ત્યાં કંઈક મોકલ્યું કે નહીં ?”, પછી કહ્યું કે, “મેં અલ્લાહ પાકના રસુલ (સ.અ.વ.) સાહેબથી પાડોશી સાથે સદ્‌વર્તાવની ઘણી તાકીદ સાંભળી છે.
(અબૂ દાવૂદ : પૃ.પ૧પર)
એક વખત મક્કા શરીફમાં સખત દુકાળ પડ્યો. હઝરત અબૂ સુફિયાન (રદી.) તે વખતે ઈમાન લાવ્યા ન હતા. તેમણે આપ (સ.અ.વ.) સાહેબને દુઆની દરખાસ્ત કરી. આપ (સ.અ.વ.) સાહેબે દુઆ કરી દીધી. જેથી એ મુસીબત ટળી ગઈ.
(બુખારી શરીફ : ૪૮ર૪)
આમ કોઈ બિનમુસ્લિમ કોઈ દુન્યવી તકલીફમાં હોય, તો તેની તકલીફ દૂર કરવાની દુઆ કરવાની છૂટ છે.
યહૂદીઓ કયારેક હુઝેરે અકરમ (સ.અ.વ.) સાહેબની મજલિસમાં આવતા અન તેમને છીંક આવતી, તો અલ્લાહના રસુલ (સ.અ.વ.) સાહેબ તેમને દુઆ આપતા કહેતા : “અલ્લાહ તબારક વ તઆલા તમને સીધો માર્ગ દેખાડે અને તમારી સ્થિતિ સુધારે.
(અબૂ દાવૂદ : પ૦૪૦)
સહાનુકંપા (રહેમ) દર્શાવવા આપ (સ.અ.વ.) સાહેબ બિનમુસ્લિમ બીમારોની ઈયાદત (ખબર-અંતર પૂછવા) માટે પણ જતા હતા.
(બુખારી શરીફ : પ૬પ૭)
બિનમુસ્લિમોને ભેગસોગાદ આપવી કે તેઓ આપે તો લેવાનું પણ આપ (સ.અ.વ.) સાહેબથી સાબિત છે. એક બિનમુસ્લિમ શાસકે આપ (સ.અ.વ.) સાહેબ માટે એક અત્યંત સુંદર ઝભ્ભો મોકલાવ્યો. રસુલલ્લાહ (સ.અ.વ.) સાહેબે સાભાર સ્વીકાર કર્યો.
(બુખારી શરીફ : ર૬૧૬) અને હઝરત જઅફર બિન અબી તાલિબને એમ કહી આપી દીધું કે, તેઓ તેને ‘પોતાના ભાઈ’ નજ્જાશી પાસે મોકલી દે.
(મુસ્નદે અહમદ : ૧૩ર૧૪)
ઈલહ્‌ના રાજાએ આપ (સ.અ.વ.) સાહેબને કપડા તથા સવારી મોકલી. જેનો ઉપયોગ પણ કરવામાં આવ્યો.
(બુખારી શરીફ : ૩૧૬૧)
રસુલલ્લાહ (સ.અ.વ.) સાહેબે પોતાના અનુગામીઓને પોતાની વફાત વખતે ખાસ ભારપૂર્વક કહ્યું હતું કે, જે મહેમાનો તથા મંડળો મુલાકાત માટે આવે છે. જેમાં ઘણા ખરા બિનમુસ્લિમો હોય છે, તેમને ભેટસોગાદ આપીને વિદાય આપશો. જેમ કે મારો નિત્યક્રમ હતો.
(બુખારી શરીફ : ૩૦પ૩, મુસ્લિમ ૧૬૩૭)
આપ (સ.અ.વ.) સાહેબ બિનમુસ્લિમોને ખાવા માટે પણ આમંત્રણ આપતા હતા. મક્કા ખાતે શરૂમાં આપ (સ.અ.વ.) સાહેબે ૧૩૦ માણસોની દાવત કરી હતી.
(મુસ્નદે અહમદ : ૮૮પ)
શરીઅતના આ અત્યંત સંક્ષિપ્ત હવાલાઓથી એ સિદ્ધ થાય છે કે, ઈસ્લામની મૂળ સૂચના બિનમુસ્લિમો સાથે પ્રેમપૂર્વક સદ્‌વર્તાવ કરવાની છે. અર્થાત જે બિનમુસ્લિમ, ઈસ્લામના શત્રુ તથા મુસ્લિમો વિરૂદ્ધ જંગે ચઢેલા કે ષડયંત્રખોર નથી, તો ઈસ્લામ તેને માનવીય બિરાદરીનો એક સભ્ય સમજી તેને સન્માન તથા સહાયનો હકદાર સમજે છે.

  • સંપાદક : (હઝ) મવ.ઈકબાલ મુહમ્મદ ટંકારવી (સા.)
    નોંધ :- વધુ આવતા રવિવારે (ક્રમશઃ)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts