રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી બેન-ગ્વીર ભારે પોલીસ સુરક્ષા હેઠળ પવિત્ર સ્થળ પર વસાહતીઓ અને કટ્ટર-જમણેરી જૂથો સાથે જોડાયા
(એજન્સી) તા.૨૩
પેલેસ્ટીની અધિકારીઓના જણાવ્યા અનુસાર, ૩,૨૦૦થી વધુ ઇઝરાયેલી વસાહતીઓ અને કટ્ટર-જમણેરી જૂથોના સભ્યોએ કબજા હેઠળના પૂર્વ જેરૂસલેમમાં અલ-અક્સા મસ્જિદ કમ્પાઉન્ડમાં ઘૂસી ગયા છે, જે આ વર્ષે યહૂદી રજાઓ નિમિત્તે થયેલા સૌથી મોટી ઘૂસણખોરી પૈકી એક છે. ઇઝરાયેલી રાષ્ટ્રીય સુરક્ષા પ્રધાન ઇટામાર બેન-ગ્વીરે ગુરૂવારે તિશા બાવ માટે ભારે પોલીસ સુરક્ષા હેઠળ સ્થળ પર પ્રવેશ કર્યો હતો, જે એક યહૂદી શોક દિવસ છે જે મુસ્લિમો માટે અલ-અક્સા અને યહૂદીઓ માટે ટેમ્પલ માઉન્ટ તરીકે ઓળખાતા સ્થળ પર સ્થિત એક પ્રાચીન યહૂદી મંદિરના બે વાર વિનાશને ચિહિ્નત કરે છે. જેરૂસલેમમાં ઇસ્લામિક વક્ફ વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સવારના સમયગાળા દરમિયાન ૩,૨૨૮ ઇઝરાયેલીઓ કમ્પાઉન્ડમાં પ્રવેશ્યા હતા. જેરૂસલેમ ગવર્નરેટના પેલેસ્ટીનીયન વહીવટીતંત્રે જણાવ્યું હતું કે, સૂર્યાસ્ત સુધી સંખ્યા વધતી રહેવાની અપેક્ષા છે, કદાચ ૫,૦૦૦ સુધી પહોંચશે, જે સમાન યહૂદી રજા દરમિયાન પાછલા વર્ષોમાં નોંધાયેલા આંકડા કરતાં વધી જશે. પેલેસ્ટીનીયન અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઇઝરાયેલી દળોએ મસ્જિદના દરવાજા પર કડક પ્રતિબંધો લાદ્યા હતા, મોટી સંખ્યામાં પેલેસ્ટીનીયન અકીદતમંદો અને વિદ્યાર્થીઓને પ્રવેશતા અટકાવ્યા હતા, અને ઘણા ઉપાસકો પર હુમલો કર્યો હતો. કબજા હેઠળના પશ્ચિમ કાંઠાના રામલ્લાહમાં અલ જઝીરાના સંવાદદાતા નૂર ઓદેહે જણાવ્યું હતું કે, ઇઝરાયેલી અધિકારીઓએ જેરૂસલેમના “જૂના શહેરમાં આત્યંતિક પગલાં લીધા છે”, જેમાં વૃદ્ધો સિવાય બધા માટે અલ-અક્સા કમ્પાઉન્ડમાં પ્રવેશ પર પ્રતિબંધ અને કાલંદિયા અને પૂર્વ જેરૂસલેમની આસપાસના ચેકપોઇન્ટ કડક બનાવવાનો સમાવેશ થાય છે.