ઈસ્લામની ઝલક – પ્રો. અખ્તરૂલ વાસે
ઝકાત અરબી ભાષાનો શબ્દ છે, જેનો અર્થ થાય છે ‘પવિત્રતા અને સફાઈ.’ અલ્લાહના આદેશ અનુસાર એક વ્યક્તિ દર વર્ષે પોતાના ઘરમાંથી ઝકાતનો હિસ્સો કાઢીને બચી ગયેલા ધન તથા પોતાના હૃદયને ધનના પ્રેમથી પવિત્ર કરે છે.
ઝકાત એક ઈસ્લામી ઈબાદત છે જે પ્રત્યેક ધનવાન મુસલમાન ઉપર વર્ષમાં એક વખત અનિવાર્ય છે. પ્રત્યેક વ્યક્તિ જેની પાસે ઓછામાં ઓછું સાડા સાત તોલા સોનું અથવા સાડા બાવન તોલા ચાંદી કે તેની રકમ જેટલા રૂપિયા હોય જેને રાખીને એક વર્ષ વિતી ચૂક્યું હોય તો તેની વર્તમાન કિંમતમાંથી અઢી ટકા રકમ ફકીર, મોહતાજ (જરૂરિયાતમંદ), નિર્ધન, દરિદ્ર વગેરેને આપવી આવશ્યક (ફરજિયાત) છે. આ જ રીતે વેપારની અન્ય વસ્તુઓ, જાનવરો તથા અનાજ ઉપર પણ ઝકાત આપવી અનિવાર્ય કે ફરજિયાત છે. જેની વ્યાખ્યા હદીસના પુસ્તકોમાં કરવામાં આવી છે.
અલ્લાહે મુસલમાનો ઉપર ઝકાતને એવી રીતે અનિવાર્ય કે ફરજિયાત બનાવી છે જેવી રીતે નમાઝ અને રોઝાને. વાસ્તવમાં ઈસ્લામ ઝકાતને ધનવાન લોકોની દૌલતમાં નિર્ધન લોકોનો અધિકાર માને છે, જે માલદાર લોકો પાસેથી લઈને ગરીબોમાં વહેંચવામાં આવે છે.
જ્યારે કોઈ પણ વ્યક્તિ અલ્લાહના આદેશનું પાલન કરતાં પોતાના ધનમાંથી ઝકાતનો ભાગ કાઢીને ગરીબો અને નિર્ધનોમાં વહેંચે છે તો જ્યાં એક તરફ તેના હૃદયમાં ધનપ્રેમ, લાલસા, સ્વાર્થીપણું, સ્વાર્થનિષ્ઠા અને નિર્દયતા જેવી બુરાઈઓ સમાપ્ત થાય છે. જ્યાં બીજી તરફ તેમાં અન્યો પ્રત્યે હમદર્દી, સહાનુભૂતિ, સહાયતા અને ત્યાગની ભાવના વિકસિત થાય છે. આ જ રીતે ઝકાતનું યોગ્ય રીતે વિતરણ કરવાથી જ્યાં સમાજમાં એક તરફ ગરીબો, નિર્ધનો અને દરિદ્ર લોકોને સહાયતા પ્રાપ્ત થાય છે અને બીજી તરફ આનાથી સમાજમાં ધનવાન અને નિર્ધન વચ્ચે જે અપ્રાકૃતિક અંતર છે તે પણ ઘટી જાય છે.
ઝકાતનો એક અન્ય ઉદ્દેશ એ પણ છે કે સમસ્ત માનવજાતિ અંદરો-અંદર એકબીજાની સહાયતા કરે. સમાજમાં કોઈપણ ભૂખ્યો, વસ્ત્રહીન અને દરિદ્ર ન રહે, જેઓ ધનવાન છે તેઓ નિર્ધન લોકોને સાચવે કે સંભાળે, જેઓ નિર્ધન અને ગરીબ છે તેઓ ભીખ માગતા ન ફરે. કોઈ વ્યક્તિ પોતાના ધનને ફક્ત પોતાના સુખ, ઠાઠ-બાટ અને વૈભવ પાછળ જ ન ઉડાવે, અર્થાત એ પણ ધ્યાન રાખે કે આમાં અનાથો, વિધવાઓ અને દરિદ્રનો પણ અધિકાર છે.
આમાં તે લોકોનો પણ અધિકાર છે જેઓમાં કાર્ય-કુશળતા તો છે પરંતુ તેઓ સંસાધનોની ઊણપને કારણે પાછળ ધકેલાઈ જાય છે. આમાં તે બાળકોનો પણ અધિકાર છે જેઓ પ્રકૃતિ પાસેથી પ્રતિભા અને બુદ્ધિ તો લાવ્યા છે પરંતુ નિર્ધન હોવાને કારણે શિક્ષણ પ્રાપ્ત કરી શકતા નથી. આમાં તેઓનો પણ અધિકાર છે જેઓ કોઈ શારીરિક ખોડખાપણને કારણે કાર્ય કરવાને લાયક રહ્યા નથી.
ઈસ્લામી શિક્ષણ અનુસાર જે વ્યક્તિ આ અધિકારને નથી માનતો તે અલ્લાહની નજરમાં અન્યાયી છે અને આ કારણે તેને દંડિત કરવામાં આવશે.
ઈસ્લામી શિક્ષણથી આપણને એ પણ જાણવા મળે છે કે ઝકાત આપનારનો ઉદ્દેશ ફક્ત અલ્લાહના આદેશનું પાલન થવું જોઈએ નહીં કે યશ પ્રાપ્તિ. આ કારણે ઝકાત આપનાર માટે આવશ્યક છે કે અહેસાન જતાવી અને અનાદર તથા અપમાનજનક રીતે કોઈપણ વ્યક્તિને ઝકાત ન આપીએ.
(લેખક ડૉ. ઝાકીર હુસૈન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇસ્લામિક સ્ટડીઝના ડાયરેક્ટર છે.)