(એજન્સી) કોલંબો, તા.૧૬
બૌદ્ધ બાહુલ્ય મ્યાનમારમાંથી મુસ્લિમોને હાંકી કાઢવાનો મામલો શાંત પડ્યો નથી ત્યાં અન્ય બૌદ્ધ બાહુલ દેશ શ્રીલંકામાં બૌદ્ધ અને મુસ્લિમો વચ્ચે રમખાણો ફાટી નીકળ્યા છે જેને કારણે કટોકટી લાદવી પડી. તમામ પ્રયાસો છતાં અહીં કેટલાય દિવસો સુધી હિંસા ચાલતી રહી. જાણકારો મુજબ, આ રમખાણો દક્ષિણ એશિયામાં ચાલી રહેલ બૌદ્ધ-મુસ્લિમ અથડામણનું પરિણામ છે. દક્ષિણ એશિયાના કેટલાક દેશોમાં આ જ ઘટનાક્રમ ચાલી રહ્યો છે. હાલના વર્ષોમાં શ્રીલંકા અને થાઈલેન્ડમાં પણ બૌદ્ધ લોકો પોતાના ધર્મ માટે ઈસ્લામ ધર્મને ખતરો માનવા લાગ્યા છે. શ્રીલંકા કેન્ડી શહેરમાં પાછલા દિવસોમાં મુસ્લિમોના વ્યવસાયો પર ક્રમબદ્ધ હુમલાઓ બાદ ત્યાં કટોકટી લાદવામાં આવી હતી અને શહેરમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો હતો. આ પ્રકારને બૌદ્ધ-મુસ્લિમ વચ્ચે તણાવની ઘટનાઓ અહીં કોઈ નવી બાબત નથી. માનવામાં આવી રહ્યું છે કે આ તણાવને ઉશ્કેરવા પાછળ સ્થાનિક કટ્ટરપંથી બૌદ્ધ સંગઠન બોદુબલ સેનાનો હાથ છે.
વાસ્તવમાં બૌદ્ધ ધર્મગુરૂ દિલાંથા વિથાનાગે ઈસ્લામ ધર્મને પરાજિત કરવા દક્ષિણ એશિયામાં બૌદ્ધ ધર્મના ઉત્થાન માટે બોદુબલ સેના (બીબીએસ)નું નિર્માણ કર્યું હતું. જેને સિંહાલી બૌદ્ધ રાષ્ટ્રવાદી સંગઠન માનવામાં આવે છે. પાછલા વર્ષોમાં શ્રીલંકામાં મુસ્લિમો પર થયેલ તમામ હુમલાઓ પાછળ બીબીએસ જવાબદાર હોવાનું માનવામાં આવ્યું છે. વિથાનાગે માને છે કે, શ્રીલંકામાં બૌદ્ધ ધર્મ પર ખતરો મંડરાયેલ છે. એમનો આરોપ છે કે સિંહાલી પરિવારમાં એક કે બે બાળકો છે જ્યારે લઘુમતીઓ વધુ બાળકો પેદા કરીને વસ્તીનું સંતુલન બગાડી રહ્યા છે. એમની પાછળ વિદેશી નાણું છે અને સરકાર આ મામલે ચૂપ બેઠી છે. આ સંગઠન દ્વારા લઘુમતી વોટબેંકનું રાજકારણ અને શ્રીલંકામાં પશુઓને હલાલ કરવાનો મુદ્દો પણ જોરશોરથી ઉઠાવ્યો હતો.