(એજન્સી) કોલકાતા, તા.૧૫
કહેવાય છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, આ ઉક્તિને પશ્ચિમ બંગાળના સાગર મંડલે સાર્થક કરી બતાવી છે. કાલના મહારાજા હાઈસ્કૂલના વિદ્યાર્થી સાગરે ઉચ્ચતર માધ્યમિક પરીક્ષામાં ૪૮૮ ગુણ (૯૭.૬ ટકા) મેળવીને રાજ્યમાં સંયુક્ત રીતે નવમો ક્રમ હાંસલ કર્યો છે. સાગરની આ સફળતા પાછળની ખાસ વાત એ છે કે તેણે હોટલમાં વાસણ માંજીને અને સફાઈ કામ કરીને પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો.ગરીબી અને એકલતા સામે જંગનદિયા જિલ્લાના નરસિંહપુરનો રહેવાસી સાગર બાળપણથી જ આર્થિક તંગી વચ્ચે ઉછર્યો છે. તેના પિતા ગુજરાતની એક હોટલમાં સફાઈ કામદાર છે અને માતા હોસ્પિટલમાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવે છે. બે બહેનોના લગ્ન બાદ પરિવારની આર્થિક સ્થિતિ વધુ કથળતા માતા-પિતાએ કામ માટે ગુજરાત સ્થળાંતર કરવું પડ્યું હતું, જ્યારે સાગર ગામમાં એકલો રહીને ભણતો હતો. જે ઉંમરે બાળકો પરિવાર પર નિર્ભર હોય, ત્યારે સાગર જાતે રસોઈ બનાવી, ઘરના કામ કરી અને દરરોજ ૮ કિલોમીટર સાયકલ ચલાવીને શાળાએ જતો હતો.ગુજરાતની હોટલમાં કામ અને અભ્યાસપરીક્ષાની તૈયારી દરમિયાન સાગર ગુજરાતમાં તેના માતા-પિતા પાસે આવ્યો હતો અને અહીં એક હોટલમાં નોકરી શરૂ કરી હતી. આજે જ્યારે તેનું પરિણામ જાહેર થયું છે, ત્યારે પણ તે હોટલમાં વાસણ માંજવા, ટેબલ સાફ કરવા અને કચરા-પોતું કરવા જેવી કામગીરી કરી રહ્યો છે. તે દર મહિને આશરે રૂા.૧૫,૦૦૦ કમાય છે અને તેમાંથી બચત કરીને આગળના અભ્યાસ માટે ભંડોળ એકઠું કરી રહ્યો છે.શિક્ષકોનો સાથ અને ભાવિ સપનુંખાનગી ટ્યુશન રાખવાની આર્થિક ક્ષમતા ન હોવા છતાં, સાગરની મહેનત જોઈને શાળાના શિક્ષકોએ તેને મફત અથવા નજીવી ફીમાં ભણાવ્યો હતો. સાગરનું સપનું હવે ૈંછજી ઓફિસર બનવાનું છે. તે દિલ્હી જઈને કોચિંગ લેવા માંગે છે, પરંતુ આર્થિક સંકડામણ હજુ પણ તેના માર્ગમાં મોટો અવરોધ છે. તેની માતા સુષમા મંડલે ભાવુક થતા જણાવ્યું કે, “અમે લાચાર હતા એટલે દીકરાને એકલો મૂકીને આવવું પડ્યું, પણ તેની મહેનત આજે રંગ લાવી છે.”શાળાના આચાર્ય મિલન મંડીએ સાગરને અથાક પરિશ્રમનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યો છે. હાલમાં શાળાનું પૂર્વ વિદ્યાર્થી સંગઠન સાગરના આગળના અભ્યાસ માટે આર્થિક સહાયની વ્યવસ્થા કરી રહ્યું છે. એક હોટલના કિચનમાં વાસણ માંજવાથી લઈને રાજ્યના ટોપર્સની યાદીમાં સ્થાન મેળવનાર સાગરની આ સફર લાખો વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ છે.