
તિરમીઝી શરીફની હદીસ છે કે અબુ તલ્લાહ (ર.અ.)એ કહ્યું કે અમે એકવાર અલ્લાહના પયગંબર હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ને અમારી ભૂખ અંગે ફરિયાદ કરી અને અમારા પહેરણ ઊંચા કરીને અમારા પેટ પર બાંધેલા પથ્થર દેખાડયા હતા ત્યારે અલ્લાહના રસુલ હઝરત મોહમ્મદ (સ.અ.વ.) સાહેબે પોતાનું પહેરણ મુબારક ઊંચું કરીને એમના પવિત્ર પેટ પર ભૂખને દબાવવા માટે બાંધવામાં આવેલા બબ્બે પથ્થરો દેખાડયા હતા. સ્ત્રોત : સુન્નાહ અલ તિરમીઝી ર૩૭૧ ગ્રેડ : સહીહ…..અલ-મુનાવી અનુસાર અધિકૃત હદીસ.
ઉપરોકત હદીસ અહીં એટલા માટે ટાંકી છે કે ગાઝા પર ઈઝરાયેલે જ્યારથી અત્યંત ક્રૂર અને અમાનવીય યુદ્ધ શરૂ કર્યું છે ત્યારથી તેણે અધમતાની હદ વટાવી દીધી છે. પશુઓ પણ ન કરે એવું જંગાલિયતભર્યું વર્તન તે પેલેસ્ટીનવાસીઓ ખાસ કરીને બાળકો પર કરી રહ્યું છે. વિશ્વ સહાય પહોંચાડવા માગે છે. તે પહોંચાડવા દેતું નથી અને જે થોડી સહાય પહોંચે છે તેને લેવા માટે ભૂખથી ટળવળતા ગાઝાવાસીઓ ટોળે વળે છે ત્યારે તેમના પર ગોળીઓ વરસાવી લાશોના ઢગલાં ખડકી દે છે. આવા વાતાવરણમાં ગાઝામાં હાલ ભયંકર ભૂખમરો ફેલાઈ ચૂકયો છે. અબાલવૃદ્ધ સૌ ભૂખમરાથી પીડાઈ રહ્યા છે. આમાંય ખાસ કરીને બાળકોની હાલત ખૂબ કફોડી થઈ છે…નાની ઉંમરમાં એમના પર દુઃખોના એટલા પહાડ તૂટયા છે કે તેઓના આંસુ પણ સૂકાઈ ગયા છે. દરેક બાળકની આંખોમાં આંસુની જગ્યાએ દુઃખોની સરવાણી વહે છે અને નાનકડા પેટમાં ભૂખનો અજગર ફૂંફાડા મારી રહ્યો છે. ગાઝામાંથી હાલ જે રીતે ભૂખમરાના દૃશ્યો આવી રહ્યા છે તેને જોયા બાદ કોઈએ છૈં ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભૂખથી પીડાતા એક પેલેસ્ટીની બાળકની તસવીર બનાવી છે કે જેના પેટ પર પથ્થર બાંધેલા છે. પયગંબર હઝરત મોહમ્મદ (સ.અ.વ.) સાહેબના સમયમાં તેઓ અને પ્રારંભિક સમયમાં ઈસ્લામ કબૂલ કરનારા એમના સાથીઓ તે વખતના લોકોની અવગણના અને બહિષ્કારનો સામનો કરીને પેટે પથ્થરો બાંધીને જે રીતે ભૂખમરાની સ્થિતિમાં ભૂખ સહન કરતા હતા. એ સમયની તકલીફોનો અહેસાસ ઉકત તસવીરને જોયા બાદ થઈ રહ્યો છે.