તે માત્ર ૧૬ વર્ષનો છે : સિસ્ટમને સુધારવા માટે તેણેNEET અને JEE પોર્ટલની ખામીઓ શોધી કાઢી

દુબઈ સ્થિત સીબીએસઈના વિદ્યાર્થી રાયલન અનિલે માત્ર પાંચ દિવસમાં નીટ અને જેઈઈ એડવાન્સ્ડ બંને સિસ્ટમની સુરક્ષા ખામીઓ ઉજાગર કરી છે, ઇન્ડિયા ટુડે સાથેની ખાસ વાતચીતમાં તેણે આ ખામીઓનો રિપોર્ટ કરવા, ઉચ્ચ અધિકારીઓ તરફથી મળેલા પ્રતિસાદ અને શા માટે યુવા એથિકલ હેકર્સ ભારતીય શિક્ષણ પ્રણાલીને વધુ સુરક્ષિત બનાવી રહ્યા છે તે અંગે ખુલાસો કર્યો છે

(એજન્સી) નવી દિલ્હી, તા.૪
માત્ર ૧૬ વર્ષની ઉંમરે દુબઈમાં રહેતા સીબીએસઈ ધોરણ ૧૨ના વિદ્યાર્થી રાયલન અનિલે એવું કામ કરી બતાવ્યું છે જેનાથી સરકાર પણ ચોંકી ગઈ છે. રાયલને ભારતની સૌથી મહત્વપૂર્ણ ગણાતી બે સ્પર્ધાત્મક પરીક્ષાઓ—નીટ (NEET) અને જેઈઈ એડવાન્સ્ડ JEE Advanced)ના ઓનલાઇન પોર્ટલમાં રહેલી ગંભીર સુરક્ષા ખામીઓ (Vulnerabilities)ને માત્ર પાંચ દિવસની અંદર શોધી કાઢીને સત્તાવાળાઓને રિપોર્ટ કરી દીધી છે. રાયલન એવા યુવા એથિકલ હેકર્સના જૂથનો ભાગ છે, જેમાં નિસર્ગ અને સાર્થક જેવા યુવાનો પણ સામેલ છે, જેઓ દેશના શૈક્ષણિક માળખાની ખામીઓ ઉજાગર કરીને સત્તાવાળાઓને કડવા સત્યનો સામનો કરવા મજબૂર કરી રહ્યા છે. ઇન્ડિયા ટુડે સાથેની ખાસ વાતચીતમાં રાયલને જણાવ્યું કે, તેને જેઈઈ એડવાન્સ્ડ પોર્ટલની ખામી શોધવામાં લગભગ ત્રણથી ચાર કલાક અને નીટ પોર્ટલ માટે ત્રણ કલાક જેટલો સમય લાગ્યો હતો. ધોરણ ૮થી જ કમ્પ્યુટર સિસ્ટમ, લિનક્સ ((Linux) અને બગ બાઉન્ટી હન્ટિંગમાં રસ ધરાવતો રાયલન ભવિષ્યમાં સાયબર સિક્યોરિટી એન્જિનિયર અથવા સીઆઈએસઓ (CISO) બનવા માંગે છે. પોતાની સફર વિશે વાત કરતા તેણે ઉમેર્યું કે, ૩૧ મેના રોજ નીટ પોર્ટલની ખામી વિશે જાણ્યા બાદ તેણે સૌથી પહેલા સરકારી સંસ્થા ‘સીઇઆરટી-ઇન’ (CERT-In)ને ઇમેઇલ કર્યો અને બાદમાં ટિ્‌વટર (X) પર પોસ્ટ મૂકી. બીજા જ દિવસે સવારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ના ડાયરેક્ટર જનરલ અભિષેક સિંઘે તેનો રૂબરૂ સંપર્ક કરીને આભાર માન્યો અને તાત્કાલિક આખું પોર્ટલ બંધ કરીને ખામી સુધારી લીધી. આ જ રીતે જેઈઈ પોર્ટલની ખામી અંગે પણ આઈઆઈટી (IIT)ના વડાઓએ ગણતરીના કલાકોમાં જ એક્શન લીધા હતા. તાજેતરમાં વ્હિસલબ્લોઅર સાર્થક સિદ્ધાંતને સંસદીય સ્થાયી સમિતિ સમક્ષ હાજર થવા માટે બોલાવાયો હતો, જેની રજૂઆત બાદ સીબીએસઈમાં મોટા ફેરફારો થયા હોવાના અહેવાલ છે. આ અંગે રાયલને સંતોષ વ્યક્ત કરતા કહ્યું કે, સીબીએસઈ અને એનટીએના અધિકારીઓએ ખૂબ જ ઝડપથી પ્રતિક્રિયા આપી છે, પરંતુ હજી પણ સરકારી પોર્ટલમાં ઘણી એવી ખામીઓ છે જેને તાત્કાલિક સુધારવાની જરૂર છે. નીટ પરીક્ષાને ઓનલાઇન કરવાના પ્રશ્ન પર તેણે જણાવ્યું કે સરકાર પાસે ક્ષમતા ચોક્કસ છે, પણ જો જરૂરી સાવચેતી રાખવામાં આવે તો પેપર-પેન આધારિત પરીક્ષા પણ યોગ્ય છે. સોશિયલ મીડિયા પર સાર્થક અને નિસર્ગથી પ્રેરિત થઈને અન્ય યુવા ટેકનિશિયનો પણ હવે પોર્ટલ ટેસ્ટિંગ તરફ વળ્યા છે, જે દેશની સાયબર સુરક્ષા માટે સકારાત્મક સંકેત છે. શરૂઆતમાં આ ખામીઓ ઉજાગર કરતી વખતે રાયલન પણ ખૂબ જ ડરી ગયો હતો. અગાઉ સીબીએસઈ માર્કિંગની ખામીઓ વિશે બોલનારા કેટલાક વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરીને ‘એન્ટી-નેશનલ’ (દેશદ્રોહી) કહેવામાં આવ્યા હતા. આ બાબતે રાયલને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “અમને એન્ટી-નેશનલ કહેવા તદ્દન ખોટું છે. આવી ખામીઓ સામે લાવીને સિસ્ટમ સુધારવામાં મદદ કરીને અમે વાસ્તવમાં વધુ મોટા દેશભક્ત સાબિત થઈ રહ્યા છીએ.” તેના માતા-પિતા પણ શરૂઆતમાં ‘હેકિંગ’ શબ્દ સાંભળીને જેલ જવાની બીકથી ગભરાયા હતા અને વકીલની સલાહ પણ લીધી હતી, પરંતુ આ કામ ‘એથિકલ’ (કાયદેસર) હોવાની સમજણ મળ્યા બાદ તેઓને પોતાના પુત્ર પર ગર્વ છે. અંતમાં રાયલને જણાવ્યું કે, વ્હિસલબ્લોઅર મિત્રો સાર્થક અને નિસર્ગ સાથેની વાતચીતમાં દરેક જણ ખુશ છે કે સરકારે તેમના કામની નોંધ લીધી છે. આ યુવા હેકર્સે કોઈને નુકસાન પહોંચાડ્યા વિના, ડેટા લીક થતો અટકાવવા માટે ખૂબ જ જવાબદારીપૂર્વક સંવેદનશીલ વિગતો છુપાવીને જ આ ખામીઓ જાહેર કરી હતી. માત્ર ૧૬ વર્ષની ઉંમરે રાયલન અને તેના મિત્રોએ સંસદીય સમિતિઓ અને વરિષ્ઠ અધિકારીઓને વિચારતા કરી મૂક્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks