‘ત્યાં ભય હતો, ભયાનક આતંક’ : ગાઝામાં શાળાએ જઈ રહેલા બાળકોને ઈઝરાયેલ નિશાન બનાવી રહ્યું છે

 

“શું અમે અમારા બાળકોને શાળાએ જતાં રોકીએ અને તેમને શિક્ષણથી વંચિત રાખીએ કે પછી તેમને બહાર મોકલીએ-એ જાણીને કે તેઓ કોઈપણ ક્ષણે નિશાન બની શકે છે ?”

 

(એજન્સી) તા.૨
૧૮થી ૨૪ ઓક્ટોબરની વચ્ચે, તેમણે ૬થી ૧૬ વર્ષની વયના દસ બાળકો અને એક શિક્ષકની હત્યા કરી નાખી. અન્ય ઘણા બાળકો ઘાયલ થયા છે. ગયા રવિવારે ગાઝાની ઈસ્લામિક યુનિવર્સિટી પર થયેલા ઈઝરાયેલી હુમલામાં પાંચ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. તે જ કેમ્પસ પર બાદમાં થયેલા હુમલામાં ત્રણ સુરક્ષાકર્મીઓના મોત થયા હતા. ‘યલો લાઈન’ (પીળી રેખા) તરીકે ઓળખાતી સીમા નજીકની શાળાઓ બાળકો માટે ખાસ કરીને અત્યંત જોખમી સાબિત થઈ રહી છે. અલ જઝીરાના અહેવાલ મુજબ, આ ‘યલો લાઈન’ની નજીક ઓછામાં ઓછા ૬૬ પેલેસ્ટીનીય બાળકો માર્યા ગયા છે. આ વિસ્તારની આસપાસ અવરજવર કરતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઈઝરાયેલી સ્નાઈપર્સ (નિશાનબાજો) અને બોમ્બમારાને કારણે સતત જીવલેણ જોખમનો સામનો કરી રહ્યા છે. વધુમાં, આ ‘યલો લાઈન’ સતત પશ્ચિમ તરફ આગળ વધી રહી છે અને વધુને વધુ પેલેસ્ટીની પ્રદેશને પોતાનામાં સમાવી રહી છે. ગયા ઓક્ટોબરમાં જ્યારે ‘યુદ્ધવિરામ’ની શરૂઆત થઈ હતી, ત્યારે ઈઝરાયેલીઓ ગાઝાના ૫૩ ટકા વિસ્તારમાં હતા; હવે તેઓ લગભગ ૭૦ ટકા વિસ્તાર પર કબજો જમાવી ચૂક્યા છે. મે મહિનામાં નેતાન્યાહૂએ વધુ પ્રદેશોને ધીમે ધીમે હડપ કરી લેવાના પોતાના ઈરાદાની જાહેરાત કરી હતી. ૨૧ ઓક્ટોબરે, ચોથા ધોરણની વિદ્યાર્થીની સુઆદ અબ્દ રબ્બોને શાળાએ જતી વખતે ગોળી વાગી. સુઆદની માતા, આલિયા અબ્દ રબ્બોએ અલ જઝીરાને જણાવ્યું, “હું ઉઘાડા પગે બહાર દોડી ગઈ. જ્યારે મેં તેને જોઈ, ત્યારે હું સ્તબ્ધ થઈ ગઈ. મને સમજ નહોતી પડતી કે શું કરવું. તે લોહીલુહાણ હતી, રડી રહી હતી અને ચીસો પાડી રહી હતી.” તેના ઘૂંટણની ઉપરના ભાગે, ચેતાઓ અને સ્નાયુબંધો (tendons)ની નજીક અત્યંત સંવેદનશીલ જગ્યાએ ગોળી વાગી હતી. ડોક્ટરોએ ચેતવણી આપી છે કે ગોળી કાઢવાનો પ્રયાસ કરવાથી તેને લકવો થઈ શકે છે. તેથી, ગોળી હજુ પણ તેના પગમાં જ ફસાયેલી છે. સુઆદને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે અને તે તેના તંબુમાં પાછી ફરી છે, પરંતુ તે ચાલી શકતી નથી. વધુ સારવાર માટે તેને અહીંથી બહાર લઈ જવી (સ્થળાંતર કરાવવી) જરૂરી છે. જોકે, ગાઝામાં પ્રવેશવા અને ત્યાંથી બહાર નીકળવા પર ઈઝરાયેલ દ્વારા લાદવામાં આવેલા અત્યંત કડક પ્રતિબંધોને કારણે, તેના ઝડપથી સાજા થવાની આશા નહિવત છે. ગાઝાના આરોગ્ય મંત્રાલય દ્વારા આ મહિનાની શરૂઆતમાં જાહેર કરાયેલા આંકડા મુજબ, ૫,૮૦૩ બાળકોને વિદેશમાં સારવાર માટે લઈ જવાની જરૂર છે, જ્યારે ૨૬૪ બાળકો એવા છે જેમનું ત્યાંથી બહાર નીકળવાની રાહ જોતી વખતે જ મૃત્યુ થયું છે. તેની માતા, અબ્દ રબ્બોએ કહ્યું, “સુઆદ અત્યારે ખૂબ જ હતાશ છે. તે રડે છે અને પૂછે છેઃ ’મારી સાથે આવું કેમ થયું? મને કેમ નિશાન બનાવવામાં આવી ? મેં શું કર્યું છે ?’” ઉત્તર ગાઝામાં તેમના તંબુની નજીક ઈઝરાયેલી ટેન્કો, લશ્કરી વાહનો અને ક્રેન્સ દ્વારા નિયમિતપણે ગોળીબાર કરવામાં આવે છે. ખાસ કરીને સૂર્યાસ્ત પછી થતા આ હુમલાઓ નરસંહારમાંથી બચી ગયેલા લોકોમાં ભય ફેલાવે છે. શિબિરમાં (કેમ્પમાં) આમ-તેમ અથડાતી ગોળીઓથી બચવા માટે પરિવારોએ ઘણીવાર કલાકો સુધી જમીન પર સપાટ સૂઈ રહેવું પડે છે. અબ્દ રબ્બોએ જણાવ્યું, “જ્યારે હું દીકરીઓને શાળાએ મોકલું છું ત્યારે મારું હૃદય દુભાય છે. મેં મારા પતિને કહ્યું કે મને દક્ષિણમાંથી પાછા ફરવાનો પસ્તાવો થાય છે.” (અહીં તેમનો ઉલ્લેખ યુદ્ધ દરમિયાન દેર અલ-બલાહ ભાગી ગયા બાદ, જબાલિયામાં પોતાના ઘરે પાછા ફરવા વિશે છે.) જબાલિયામાં ‘યલો લાઇન’ (પીળી રેખા) નજીક આવેલી મુરાદિયા ગર્લ્સ સ્કૂલના આચાર્ય નૈમા અલૌશ. જે દિવસે સુઆદને ઈઝરાયેલી ગોળી વાગી, તે જ દિવસે સવારે ૧૦ઃ૩૦ વાગ્યે મુરાદિયા શાળામાં અન્ય એક વિદ્યાર્થિની પણ ઘાયલ થઈ. તે સમયે વિદ્યાર્થીનીઓ એસેમ્બલી (પ્રાર્થના સભા) માટે તૈયારી કરી રહી હતી. શાળાના આચાર્ય નૈમા અલૌશે ‘અલ જઝીરા’ને જણાવ્યું, “છોકરીઓએ બે હરોળ બનાવી હતી… અચાનક એક છોકરી ચીસ પાડીને જમીન પર પડી ગઈ… તેની નજીક ઊભેલી બીજી એક છોકરીને પણ પડખામાં ગોળી વાગી.” શિક્ષકો તરત જ તે છોકરીઓ પાસે દોડી ગયા અને જોયું કે સુઆદને ગોળી વાગી હતી, જ્યારે બીજી વિદ્યાર્થિની, પાંચમા ધોરણમાં ભણતી અમીના ખાદરના પેટના ભાગે સામાન્ય ઈજા થઈ હતી. અલૌશે કહ્યું કે આ ગોળીબારને કારણે શાળામાં ભયનો માહોલ સર્જાયો હતો અને વાલીઓ દોડતા આવીને પોતાના બાળકોને ઘરે લઈ ગયા હતા. આચાર્ય આ ઘટનાને ‘અલ-ઘુબારી’ વિસ્તારમાં આવેલી શાળા સામેના વ્યાપક જોખમોના એક ભાગ તરીકે જુએ છે. જબાલિયા અલ-બલાદની પશ્ચિમે આવેલા આ વિસ્તારમાં ૨૦ શૈક્ષણિક તંબુઓ છે, જ્યાં આસપાસના સમુદાયના લગભગ ૧,૦૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ સ્થળ ‘યલો લાઇન’ (સુરક્ષા સીમારેખા) ની નજીક આવેલું છે. અલુશે જણાવ્યું કે, ઇઝરાયેલી આર્ટિલરી (તોપમારો), ક્વાડકોપ્ટર ડ્રોન અને સ્નાઈપર્સ દ્વારા છોડવામાં આવતી ગોળીઓ કે અન્ય પ્રક્ષેપકો (પ્રોજેક્ટાઇલ્સ) નિયમિતપણે શાળા પર આવી પડે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks