થરાદમાં અસ્પૃશ્યતાની ગંભીર ઘટના, સલૂન સંચાલકે દલિતના વાળ કાપવાની ના પાડી : કહે છે કે ‘આ તો ગામનો નિયમ !!’

(એજન્સી) તા.૧૯
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના રાનેસરી ગામેથી સામાજિક ભેદભાવ અને અસ્પૃશ્યતાની ગંભીર ઘટના દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. વાઈરલ થયેલા આ વીડિયોમાં એક સ્થાનિક હેર સલૂનના સંચાલક દ્વારા દલિત સમાજના યુવકના વાળ કાપવાની સ્પષ્ટ ના પાડવામાં આવી રહી હોવાનું નજરે પડે છે ? વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે દલિત સમાજના યુવકો દુકાનદારને વાળ ન કાપવાનું કારણ પૂછે છે, ત્યારે દુકાનદાર કોઈપણ ડર વગર જણાવે છે કે, ‘ગામના લોકોની મંજૂરી હોય તો જ હું વાળ કાપું.’ આ સાંભળીને વીડિયો ઉતારનાર યુવક તેને પૂછે છે કે, ‘શું ગામ લોકોની પરમિશન હોય તો જ વાળ કાપવાના ? આ કોઈ સરકારી નિયમ છે ?’ ત્યારે દુકાનદાર બેધડક જવાબ આપે છે કે, ‘આ ગામનો નિયમ છે અને બધા જ હેર સલૂન વાળા માટે આ નિયમ લાગુ પડે છે, કોઈ એક માટે નહીં.’ ? આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે આજના આધુનિક યુગમાં પણ ગ્રામ્ય સ્તરે દલિત સમાજ વિરુદ્ધ આ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે, જે ભારતીય બંધારણ અને કાયદાનું સરેઆમ ઉલ્લંઘન છે. વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ દલિત સંગઠનો અને જાગૃત નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો અને પીડિત યુવક દ્વારા આ મામલે વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસન તાત્કાલિક ધોરણે દુકાનદાર તેમજ આ પ્રકારના ભેદભાવભર્યા નિયમો બનાવનારા તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠાવવામાં આવી રહી છે. આ ઘટના સામે આવ્યા બાદ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. શું આજના ડિજિટલ અને આધુનિક યુગમાં પણ ગ્રામીણ વિસ્તારોમાં બંધારણના નિયમો કરતાં ‘ગામના કુરિવાજો’ મોટા છે ? સરેઆમ અસ્પૃશ્યતા આચરનારા અને આવા ભેદભાવભર્યા નિયમો બનાવનારા તત્વો સામે પોલીસ ક્યારે કડક પગલાં લેવાશે ? સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થયા બાદ શું તંત્ર પીડિત યુવકને ન્યાય અપાવી શકશે ખરું ? સૌથી મોટો સવાલ એ છે કે સમાજમાંથી આવી માનસિકતા ક્યારે નાબૂદ થશે ખરી ?

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts