
અમદાવાદના દલિત મહાસંમેલનમાં હજારોની સંખ્યામાં લોકો ઊમટી પડ્યા મહાસંમેલનમાં દલિત-મુસ્લિમ ભાઈભાઈ અને હિન્દુ-મુસ્લિમ એકતાના નારા બુલંદ થયા
(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૩૧
ઉનામાં દલિતો પર કરાયેલ અમાનુષી અત્યાચારના વિરોધમાં દલિત સમાજમાં સરકાર વિરૂધ્ધ આક્રોશ ફાટી નીકળ્યો છે. આ આક્રોશને વાચા આપવા સાબરમતી સ્થિતિ અચેર ડેપો મેદાનમાં આજરોજ વિશાળ દલિત મહાસંમેલન યોજાયું હતું. આ દલિત મહાસંમેલનમાં દલિત સમાજની સાથે મોટી સંખ્યામાં મુસ્લિમો પણ જોડાતા દલિતો ભાવવિભોર બની ગયા હતા અને સભામાં દલિત મુસ્લિમ ભાઈભાઈના નારા લગાવવામાં આવ્યા હતા. સાથે સાથે હિન્દુ-મુસ્લિમ એકતા ઝિંદાબાદ, ફાસીવાદ મુર્દાબાદના નારા લગાવી વાતાવરણ ગજવી મૂકયું હતું. આ મહાસંમેલનમાં કરવામાં આવેલી જાહેરાત મુજબ આગામી પમી ઓગસ્ટના રોજ અમદાવાદથી ઉનાની પદયાત્રા યોજવામાં આવશે જે ૧પમી ઓગસ્ટના રોજ ઉના પહોંચશે જ્યાં ઉનામાં ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવશે. આ પદયાત્રાનું આયોજન કરવાનું સૂચન પૂર્વ આઈપીએસ રાહુલ શર્માએ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. ઉના અત્યાચારનો ભોગ બનેલા દલિત પીડિત યુવાનોને ન્યાય મળે અને અત્યાચાર અટકે તે માટે અમદાવાદ ખાતે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દલિત સમાજના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા લોકોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં અચેર ડેપો મેદાનમાં દલિત સંગઠનો દ્વારા બોલાવાયેલા આ દલિત મહાસંમેલનમાં દલિત આગેવાનો અને સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં દલિત આગેવાનોએ સમાજના આક્રોશને વાચા આપી હતી. આ સાથે જ જરૂરિયાતના સમયમાં સાથે ઊભા નહીં રહેનારા દલિત સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે ફિટકાર વરસાવવામાં આવ્યો હતો. દલિત આગેવાનોએ સ્ટેજ પરથી હાકલ કરી હતી કે, આપણા ચૂંટાયેલા દલિત નેતાઓ દલિત સમાજના આ સંઘર્ષમાં સમાજની સાથે નથી. પરંતુ પોતાની સત્તા સંભાળવામાં રચ્યાપચ્યા છે. ત્યારે નિર્દયી થઈ ગયેલા દલિત નેતાઓને જગાડવા માટે પણ સમાજને એક થઈને આગળ આવવું પડશે. દલિત આગેવાને આવેશમાં આવી જઈને ત્યાં સુધી કહી દીધું હતું કે સમાજ માટે આગળ ન આવનાર આ નેતાઓને કુરિયરમાં ચણિયા મોકલાવો, તો જ તેઓ જાગશે. આ ઉપરાંત માંગણીઓને ગંભીરતાથી નહીં લેવામાં આવે તો મૃત પશુઓનો નિકાલ અને સફાઈ કામ કરવાનું બંધ કરી દેવામાં આવશે અને આ કામ રાજ્યવ્યાપી સ્તરે બંધ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. દલિત મહાસંમેલનમાં ભાગ લેવા રાજ્યભરમાંથી હજારો દલિતો ઉમટી પડયા હતા ત્યારે મેદાનમાં કાદવ હોવા છતાં તેમણે હાજરી આપી દલિત સમાજની એકતાનું પ્રદર્શન કર્યું હતું. આ સાથે જ થાનગઢમાં ભોગ બનેલો દલિત પરિવાર પણ આ મહાસંમેલનમાં ઉપસ્થિત રહ્યો હતો. બીજી તરફ મહાસંમેલનને પગલે પોલીસને સ્ટેન્ડ ટુનો આદેશ આપી દેવામાં આવ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જડબેસલાક પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો આ સાથે જ સભા પર ડ્રોનથી ચાંપતી નજર રાખવામાં આવી હતી. દલિત આગેવાન જયંત માકડિયાએ કહ્યું હતું કે, ઉના દલિત આંદોલનનું એપી સેન્ટર બનશે જ્યારે અન્ય આગેવાન જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે, પોતાના કાર્યકાળ દરમિયાન મોદી એકપણ દલિત પીડિતોના ઘરે ગયા નથી ત્યારે દલિતોને ભાજપ કે કોંગ્રેસ નહીં પરંતુ દલિત શક્તિ જ ન્યાય અપાવશે. સ્ટેજ પરથી આહવાન કરવામાં આવ્યું હતું કે, જે ચૂંટાયેલા દલિત નેતાઓ સમાજ સાથે નથી તેઓને કુરિયરમાં ચણિયા મોકલાવો તો જ તેઓ જાગશે. મહાસંમેલનમાં દલિત આગેવાનો દ્વારા હવે પછી દલિતો મરેલા ઢોર નહીં પકડે અને ગટરમાં સફાઈ માટે નહીં ઉતરે તેવી પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.