(એજન્સી) નવી દિલ્હી, તા.૨૩
એક સરકારી અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ૨૦૨૨માં અનુસૂચિત જાતિ (જીઝ્ર) વિરૂદ્ધ સૌથી વધુ અત્યાચારો નોંધાયા છે. અહેવાલમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે આરોપીઓને દોષિત ઠેરવવાના દરમાં ઘટાડો થયો છે. ૨૦૨૨માં દોષિત ઠેરવવાનો દર ૨૦૨૦માં ૩૯.૨ ટકાથી ઘટીને ૩૨.૪ ટકા થઈ ગયો. જોકે છેલ્લા ૧૦ વર્ષમાં લઘુમતીઓ, ખાસ કરીને મુસ્લિમો અને ખ્રિસ્તીઓ પર અત્યાચારની ઘટનાઓમાં પણ વધારો થયો છે, આ સમુદાયો સંબંધિત કોઈ અહેવાલ સરકાર પાસે ઉપલબ્ધ નથી. હવે દલિતો કરતાં લઘુમતીઓ પર અત્યાચારના વધુ મામલા સામે આવી રહ્યા છે. અહેવાલ અનુસાર, ૧૩ રાજ્યોમાં અનુસૂચિત જાતિ વિરૂદ્ધ અત્યાચારના તમામ કેસમાંથી ૯૭.૭ ટકા કેસ નોંધાયા છે. ઉત્તરપ્રદેશમાં ૧૨,૨૮૬ કેસો અથવા કુલ ૨૩.૭૮ ટકા, રાજસ્થાનમાં ૮,૬૫૧ કેસ (૧૬.૭૫ ટકા) અને મધ્યપ્રદેશમાં ૭,૭૩૨ કેસ (૧૪.૯૭ ટકા) છે.
અન્ય રાજ્યોમાં ૬,૭૯૯ કેસ સાથે બિહાર (૧૩.૧૬ ટકા), ૩,૫૭૬ કેસ સાથે ઓડિશા (૬.૯૩ ટકા) અને ૨,૭૦૬ કેસ સાથે મહારાષ્ટ્ર (૫.૨૪ ટકા) સામેલ છે. ૨૦૨૨માં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ નોંધાયેલા કુલ કેસોમાંથી લગભગ ૮૧ ટકા કેસ આ છ રાજ્યોમાં જ હતા. અધિનિયમ હેઠળ ૨૯૨૨માં અનુસૂચિત જાતિ વિરૂદ્ધ અત્યાચારના કુલ ૫૧,૬૫૬ કેસ નોંધાયા હતા. આ તમામ કેસો ભારતીય દંડ સંહિતા હેઠળ પણ નોંધાયા હતા. અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, એસટી સામેના અત્યાચારના મોટાભાગના કેસો પણ ૧૩ રાજ્યોમાં કેન્દ્રિત હતા.અનુસૂચિત જનજાતિ સાથે સંકળાયેલા ૯,૭૩૫ કેસમાંથી મધ્યપ્રદેશમાં ૨,૯૭૯ (૩૦.૬૧ ટકા), રાજસ્થાનમાં ૨,૪૯૮ કેસ (૨૫.૬૬ ટકા) અને ઓડિશામાં ૭૭૩ કેસ (૭.૯૪ ટકા) નોંધાયા છે.
અનુસૂચિત જનજાતિ (SC) સાથે સંકળાયેલા નોંધપાત્ર સંખ્યામાં કેસ ધરાવતા અન્ય રાજ્યોમાં ૬૯૧ કેસ સાથે મહારાષ્ટ્ર (૭.૧૦ ટકા) અને ૪૯૯ કેસ સાથે આંધ્રપ્રદેશ (૫.૧૩ ટકા)નો સમાવેશ થાય છે. અહેવાલમાં તપાસ અને ચાર્જશીટના આધારે ડેટા આપવામાં આવ્યો છે. એસસી સાથે સંકળાયેલા કેસોમાં ૬૦.૩૮ ટકા કેસોમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, જ્યારે ૧૪.૭૮ ટકા ખોટા દાવાઓ અથવા પુરાવાના અભાવને કારણે અંતિમ અહેવાલ સાથે સમાપ્ત થાય છે. ૨૦૨૨ના અંત સુધીમાં ૧૭,૧૬૬ કેસોમાં તપાસ બાકી હતી.
તેવી જ રીતે એસટી સાથે સંકળાયેલા કેસોમાં ૬૩.૩૨ ટકા કેસોમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, જેમાંથી ૧૪.૭૧ ટકાનો અંતિમ અહેવાલ સાથે અંત આવ્યો હતો. ૨૦૨૨ના અંત સુધીમાં ૨,૭૦૨ કેસ હજુ તપાસ હેઠળ હતા. અહેવાલમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે આરોપીઓની સજાનો દર ઘટી ગયો છે. ૨૦૨૨માં દોષિત ઠેરવવાનો દર ઘટીને ૩૨.૪ ટકા થયો હતો, જે ૨૦૨૦માં ૩૯.૨ ટકા હતો.
અહેવાલમાં આ કેસોના નિરાકરણ માટે સ્થપાયેલી વિશેષ અદાલતોની અપૂરતી સંખ્યા અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ૧૪ રાજ્યોના ૪૯૮ જિલ્લાઓમાંથી માત્ર ૧૯૪ જિલ્લાઓમાં જ કાયદા હેઠળના કેસોની ઝડપી સુનાવણી માટે વિશેષ અદાલતોની સ્થાપના કરવામાં આવી હતી. અહેવાલમાં એવા ચોક્કસ જિલ્લાઓની ઓળખ કરવામાં આવી છે કે જે ખાસ કરીને અત્યાચાર માટે સંવેદનશીલ છે, પરંતુ માત્ર ૧૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ આવા જિલ્લા જાહેર કર્યા છે. ઉત્તરપ્રદેશ સહિત બાકીના વિસ્તારોમાં જ્યાં અનુસૂચિત જાતિને લગતા સૌથી વધુ કેસ નોંધાયા છે, ત્યાં કોઈ જિલ્લો જાહેર કરવામાં આવ્યો નથી. અહેવાલમાં જાતિ આધારિત હિંસા રોકવા અને સંવેદનશીલ સમુદાયો માટે મજબૂત સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આવા જિલ્લાઓમાં હસ્તક્ષેપ કરવા માટે કહેવામાં આવ્યું છે.