(એજન્સી) તા.ર૪
૨૨ નવેમ્બર, રવિવારના રોજ, ઉત્તર પ્રદેશના ભદોહીમાં નવ લોકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમના પર એક દલિત મહિલાને પરેશાન કરવાનો અને તેના પતિ પર લોખંડના સળિયાથી હુમલો કરવાનો આરોપ છે.૨૨ વર્ષીય મહિલાએ આરોપ લગાવ્યો છે કે ૩૦ સપ્ટેમ્બરની રાત્રે લગભગ ૧૦ વાગ્યે, પાંચ નામજોગ આરોપીઓ અને ચાર અજાણ્યા પુરૂષો ‘બડી બાગ’ વિસ્તારમાં આવેલા દંપતીના ભાડાના મકાનમાં ઘૂસી આવ્યા હતા. તેઓ ત્યાં એક બેનર લગાવવા આવ્યા હતા.આ પુરૂષોએ મહિલાને અશ્લીલ વીડિયો બતાવ્યા, તેને પોતાની સાથે ચાલવા કહ્યું અને તેની સાથે અયોગ્ય વર્તન કરવાનો પ્રયાસ કર્યો.મહિલાએ તેનો વિરોધ કર્યો અને દલીલ કરી, જેના જવાબમાં તે પુરૂષોએ તેને જાતિસૂચક અપશબ્દો કહ્યા અને તેના પર હુમલો કર્યો. તેમણે મહિલાના કપડાં આંશિક રીતે ઉતારીને તેને ખેંચી જવાનો પ્રયાસ પણ કર્યો. આસપાસના રહેવાસીઓ અને મકાનમાલિકે વચ્ચે પડીને મહિલાને બચાવી લીધી. ત્યારબાદ મહિલાએ તેના પતિને આ ઘટના વિશે જણાવ્યું, ત્યારે આરોપીઓએ તેના પતિ પર લોખંડના સળિયાથી હુમલો કર્યો. સળિયો તેની ડાબી આંખ પર વાગ્યો, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયો અને બેભાન થઈ ગયો. પતિને બચાવવાના પ્રયાસમાં મહિલાને પણ ઈજાઓ પહોંચી હતી. મહિલાનો આરોપ છે કે પોલીસે આરોપીઓ સામે કોઈ કાર્યવાહી કરી નથી, પરંતુ ૧૨ ઓક્ટોબરે તેના પતિ વિરૂદ્ધ જ શાંતિ ભંગ કરવા બદલ કેસ નોંધી લીધો. તેણે પોલીસ અધિક્ષક (SP) અને અધિક પોલીસ અધિક્ષક (Additional SP)ને પત્ર લખ્યા બાદ, આરોપીઓ વિરૂદ્ધ ‘ભારતીય ન્યાય સંહિતા’ અને ’SC/ST એક્ટ’ (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ કાયદો)ની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.