(એજન્સી)
વિલ્લુપુરમ, તા.૧૧
વિલ્લુપુરમ પેટા-જેલમાં ન્યાયિક કસ્ટડીમાં રિમાન્ડ મેળવ્યાના થોડા કલાકો પછી એક ૩૧ વર્ષીય દલિત વ્યક્તિનું મૃત્યુ થયું હતું, જેના કારણે પરિવારના સભ્યો આઘાતમાં છે અને કસ્ટડીના ત્રાસને કારણે મૃત્યુ થયુ હોવાની શંકા પેદા કરી હતી. BNSSની કલમ ૧૯૬ (મૃત્યુના કારણ અંગે મેજિસ્ટ્રેટ દ્વારા તપાસ) હેઠળ ન્યાયિક મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. તેના પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ, ગુરૂવારે વહેલી સવારે કેટલાક ઓટો ડ્રાઇવરોએ એન. અર્પુથરાજ ઉર્ફે અપ્પુને વિલ્લુપુરમ પશ્ચિમ પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનમાં લાવતા જોયા હતા. જોકે, પોલીસે દાવો કર્યો હતો કે તે દિવસે બપોરે ૧ વાગ્યાની આસપાસ ધરપકડ કરવામાં આવી હતી અને ગુરૂવારે રાત્રે નંબર ૨ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, વી રતિકા સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો અને તેને વેદમપટ્ટુની સબ-જેલમાં મોકલવામાં આવ્યો હતો. તેને જેલમાં લઈ જવામાં આવ્યાના કલાકો પછી અર્પુથરાજને શુક્રવારે સવારે ૭ વાગ્યાની આસપાસ વિલ્લુપુરમની સરકારી હોસ્પિટલમાં મૃત લાવવામાં આવ્યો હતો. મૃતકની બહેન, ટી સુમાથી (૩૬)એ જણાવ્યું હતું કે, “ગુરુવારે સવારે પોલીસ દ્વારા તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો પરંતુ અમને તેના વિશે જાણ કરવામાં આવી ન હતી. પોલીસે નોંધ્યું હતું કે તેની બપોરના સમયે ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેની પણ અમને જાણ કરવામાં આવી ન હતી. અમારા સંબંધીઓ કે જેઓ ઓટો ડ્રાઈવર છે અમને જણાવ્યું કે પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો જોકે તેમાંના ઘણાએ પોલીસને કહ્યું હતું કે તે બીમાર છે.” પરિવારના સભ્યોનો આરોપ છે કે અપ્પુને કસ્ટડીમાં અથવા જેલમાં ટોર્ચર કરવામાં આવ્યો હતો, જેના કારણે તેનું મોત થયું હતું. મૃતકની અન્ય બહેન, એન ગાંધી (૩૪) એ કહ્યું કે “તેના આખા શરીર પર ખાસ કરીને તેના ખભા પર ઉઝરડા હતા. તેનો ચહેરો સૂજી ગયો હતો અને તેના હાથ અને કોણીઓ અસામાન્ય દેખાતા હતા. અમને શંકા છે કે ગુરૂવારે સવારે તેની ધરપકડ કરવામાં આવ્યા બાદ પોલીસ દ્વારા તેને નિર્દયતાથી મારવામાં આવ્યો હતો. રિમાન્ડના આદેશો પસાર કરતા પહેલા જેએમએ પણ તેની તપાસ કરી ન હતી. તે સ્પષ્ટપણે કસ્ટોડિયલ ડેથ છે અને રાજ્ય સરકારે અપ્પુ માટે ન્યાય સુનિશ્ચિત કરવા પગલાં લેવા જોઈએ.” વિલ્લુપુરમના પોલીસ અધિક્ષક દીપક સિવાચે જણાવ્યું, “૨૦૧૬માં નોંધાયેલા પેશકદમી અને ફોજદારી ધમકીના કેસ માટે કોર્ટના વોરંટના આધારે અર્પુથરાજની ધરપકડ કરવામાં આવી હતી અને રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા. કેદના ચૌદ કલાક પછી તે બીમાર પડ્યો હતો. તેને જીએચમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. મ્દ્ગજીજીની કલમ ૧૯૬ હેઠળ ન્યાયિક મેજિસ્ટ્રેટ તપાસ શરૂ કરવામાં આવી છે. જેએમ આ મામલાની તપાસ કરશે.