(એજન્સી) નવી દિલ્હી, તા.રપ
હાશિમપુરા મામલે આવેલા નિર્ણય બાદ પીડીત પરિવારોના ચૂલા ઠંડા પડ્યા છે. મંગળવારે મોટી સંખ્યામાં પોતાના પતિ, પિતા, ભાઈ અને સંતાનને ગુમાવી ચુકેલી મહિલાઓ અને હુમલાના જીવિત બચી ગયેલા લોકો દિલ્હીના ઈન્ડિયન સોશ્યલ ઈન્સ્ટિટયુટમાં એકત્ર થયા હતા. તેમની વાતો સાંભળવા માટે બુદ્ધિજીવીઓ અધિકારીઓ અને દૂર દૂરથી આવેલા સામાજિક કાર્યકર્તાઓ પણ અહીં પહોંચ્યા હતા. જ્યારે પીડિતોએ ન્યાયની લડાઈને આગળ લઈ જવાની વાત કહી તો બધાએ તેમનો સાથ આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ટ્રાયલ કોર્ટના નિર્ણય બાદ હાશિમપુરા મામલો ફરી ચર્ચામાં છે. ર૮ વર્ષોથી ન્યાયની લડાઈ લડી રહેલા પરિવારજનો ફરી પડી ભાંગ્યા છે. વર્ષ ૧૯૮૭માં પીએસીના જવાનો દ્વારા મેરઠના હાશિમપુરા વિસ્તારના લોકોને ગોળીઓ મારી નહેરમાં ફેંકી દેવાનો મામલો સામે આવ્યો હતો ત્યાં જ ચાર દિવસ પહેલાં ટ્રાયલ કોર્ટે તમામ આરોપીઓને મુક્ત કરી દીધા. આ નિર્ણય મુદ્દે પીડીતોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો.
મંગળવારે યોજાયેલા આ કાર્યક્રમમાં પીડિતોએ સરકાર સમક્ષ કેટલાક પ્રશ્નો રાખયા છે. પીડિતોએ પૂછયું કે, આરોપીઓની ઓળખ કરવી કોની જવાબદારી છે ? ૯ વર્ષેની સી.બી.સી.આઈ.ડી. તપાસ પણ સંપૂર્ણ કેસનો પર્દાફાશ કેમ નથી કરી શકી ? આ સંપૂર્ણ કેસમાં મુખ્ય ષડયંત્ર કારી કોણ હતું ? ઉપરાંત પીડિતોના વકીલ વૃંદા ગ્રોવર તપાસની નિષ્પક્ષતા પર પણ સવાલ ઉઠાવ્યા. કાર્યક્રમમાં જસ્ટિસ આર.સચ્ચરે ન્યાયની લડાઈને આગળ વધારવાની વાત જણાવી હતી.
પીડિત મહિલાઓનું દુઃખ
‘મારા પતિ ઘરમાં ઘૂસ્યા જ હતા કે પીએસરીના બે જવાન આવ્યા અને તેમને સાથે લઈ ગયા પછી નહેરમાં તેમનો મૃતદેહો મળ્યો. તે જ દિવસે મારી દીકરીનો જન્મ થયો હતો. પોતાની દીકરનું મોઢું પણ જોઈ શકયા નહીં. ર૮ વર્ષોથી લડી રહી છું. ન્યાયના નામે અમને આ મળ્યું છે. હું લડાઈ જારી રાખીશ’ – જૈબુન્નીશા
‘મારો સીરાજ ચાર બહેનોમાંં એક હતો તેને સાંજે પી.એ.સી.વાળા લઈ ગયા અને મારીને નહેરમાં ફેંકી દીધો. અદાલતથી હજી પણ ન્યાયની આશા છે. મારા સીરાજને ન્યાય મળશે’ – નસીમબાનુ
‘મેં એ મારા પતિ અને પુત્ર બંને ગુમાવી દીધા છે. અમારા ઘરોમાં ચૂલો સળગ્યા નથી. આ નિર્ણયે અમારા ઘા ફરી તાજા કરી દીધા છે. અને ઉપરી કોર્ટ સુધી લડાઈ જારી રાખીશું.’ – ઝરીના