દિલ્હીના રમખાણોમાં સરકાર વાસ્તવિક ષડયંત્રકારો સામે કાર્યવાહી કરતી નથી : દુષ્યંત દવે

(એજન્સી) નવી દિલ્હી, તા.૬
સુપ્રીમ કોર્ટે શુક્રવારે કર્મશીલ હર્ષ મંદરને આદેશ આપ્યો હતો કે, તે દિલ્હી પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલા સોગંદનામાનો જવાબ રજૂ કરે જેમાં કહેવામાં આવ્યું છે કે, મંદરે ન્યાયતંત્ર વિરૂદ્ધ અપમાનજનક અને તિરસ્કારભર્યા નિવેદનો કર્યા છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ એસ.એ.બોબડેના નેતૃત્વવાળી બેંચે આ કેસની સુનાવણી ૧પ એપ્રિલ સુધી મોકૂફ રાખી છે. શુક્રવારે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટ સમક્ષ મંદરના ભાષણની એક બીજી નકલ રજૂ કરી હતી. જેમાં તેમણે કથિત રીતે સુપ્રીમ કોર્ટ વિરૂદ્ધ ટિપ્પણી કરી છે. મંદર વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે મંદરના ભાષણમાં કશું વાંધાજનક નથી. દવેએ કોર્ટને જણાવ્યું હતું કે, તેમના ભાષણમાં કશું પણ તિરસ્કાર, અપમાનજનક કે ઉશ્કેરણીજનક નથી. દવેએ કહ્યું હતું કે, મને ચિંતા એ છે કે, સરકાર દૂતને જ મારી નાંખવા માંગે છે. જ્યારે તે વાસ્તવિક ષડયંત્રકારો સામે કોઈ પગલાં લેતી નથી. દવેએ આ પણ આક્ષેપ કર્યો હતો કે, સરકાર મંદરને ધમકાવવાનો પ્રયાસ કરી રહી છે. દવેએ સોલિસિટર જનરલ તુષાર મહેતાને કહ્યું હતું કે, હું તમને વિનંતી કરું છું કે, નફરતભર્યા ભાષણો આપનાર બધા લોકો સામે આ પ્રકારનું જ સોગંદનામું દાખલ કરવામાં આવે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks