દેવું કરી દીકરીઓને ભણાવીબોર્ડની પરીક્ષામાં ઝળકીને હબસાબાનુ અને માહિનબેગમે શ્રમિક પિતાના સ્વપ્ન સાકાર કર્યા

માહિનબેગમની કલ્ચર એકચેન્જ પ્રોગ્રામ અંતર્ગત એક વર્ષ માટે યુએસએમાં વિનામૂલ્યે અભ્યાસ કરવા માટે પસંદગી

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.પ
મોંઘવારીના યુગમાં બે ટંકના રોટલા રળવા માટે ગરીબોને સવારથી રાત સુધી તનતોડ મહેનત કરવી પડે છે. ત્યારે આવી કારમી મોંઘવારીમાં શ્રમિકો બાળકોને મોંઘું શિક્ષણ અપાવી શકે તેની તો કલ્પના જ કરવી રહી છતાં એવા કેટલાય માતા-પિતા છે કે જેઓ દેવું કરીને પણ તેમના સંતાનોને ભણાવતા હોય છે. આવા જ બે પરિવારોએ દેવું કરીને પણ દીકરીઓને ભણાવી અને શેખ હબસાબાનુ અને મોગલ માહિનબેગમે ધોરણ-૧૦ બોર્ડની પરીક્ષામાં છ-ર ગ્રેડ હાંસલ કરી ગૌરવવંતી સફળતા પ્રાપ્ત કરી છે.
અમદાવાદ શહેરના શાહપુર વિસ્તારમાં રહેતા અને સાયકલ રિપેરીંગ કરી ઘરનું ગુજરાન ચલાવતા શેખ ઈસામુદ્દીને દીકરી હબસાબાનુને અભ્યાસ કરાવવા તનનોડ મહેનત કરવા ઉપરાંત દેવું કરીને પણ અભ્યાસ કરવા માટે દીકરીને પ્રોત્સાહિત કરતા હતા. જેથી હબસાબાનુએ એસએસસી બોર્ડની પરીક્ષામાં ૯૯.રર પર્સન્ટાઈલ સાથે છ-ર ગ્રેડ હાંસલ કરતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ અંગે વાતચીતમાં હબસાબાનુએ જણાવ્યું હતું કે મારા માતા-પિતાએ મારા અભ્યાસ પાછળ ખર્ચ કરવામાં કોઈ કસર રાખી નથી. જેથી તેમની મહેનતનું ફળ આપવા માટે હું બોર્ડની પરીક્ષામાં સારા ટકા લાવવા અથાગ પરિશ્રમ કરતી હતી. એક જ રૂમના ઘરમાં રહેતી હબસાબાનુને અભ્યાસ કરવામાં તકલીફ પડતી હોવાથી માત્ર રાત્રે જ વાંચન કરવા બેસતી હતી. વધુ અભ્યાસ કરવા અંગે એચબી કાપડિયા શાળામાં ભણતી હબસાબાનુએ ડોકટર બનવાની ઈચ્છા વ્યકત કરી હતી. હબસાને ભણાવવા માટે ઘરે સિલાઈકામ કરતી તેની માતાએ વાતચીતમાં કહયું હતું કે મારી દીકરીના અભ્યાસ પાછળ જયારે હું ખર્ચો કરતી હતી ત્યારે લોકો કહેતા હતા કે દીકરીને ભણાવીને શું કરશો ? આજે તે લોકો મારી દીકરીને બિરદાવી રહયા છે.
જયારે વાત કરીએ જુહાપુરાના ગુલાબ પાર્કમાં રહેતી અને એફ.ડી. સ્કૂલ જુહાપુરાની વિદ્યાર્થિની મોગલ માહિનબેગમ નવેદબેગની તો તેણીએ ધોરણ-૧૦ની પરીક્ષામાં ૯૮.૬૭ પર્સન્ટાઈલ સાથે છ-ર ગ્રેડ હાંસલ કર્યો છે. માહિનબેગમના પિતા છૂટક મજૂરી કરતા હોવા છતાં દીકરીને અભ્યાસ કરાવવામાં કયાંય પાછીપાની કરી નથી. તેમને એકવાર કોઈની પાસે દીકરીના અભ્યાસ માટે આર્થિક સહાય માંગી તો તેમણે દીકરીને અભ્યાસ છોડાવી દેવા કહયું હતું. તેમ છતાં તેમણે હિંમત હાર્યા વિના દેવું કરીને પણ દીકરી માહિનબેગમને અભ્યાસ કરાવ્યો જેના ફળસ્વરૂપે દીકરી બોર્ડની પરીક્ષામાં તો ઝળકી સાથેસાથે કલ્ચર એકસચેન્જ પ્રોગ્રામ અંતર્ગત એક વર્ષ માટે યુએસએમાં વિનામૂલ્યે અભ્યાસ કરવા માટે પસંદગી થતા પરિવારમાં આનંદની લાગણી પ્રસરી છે. વધુ અભ્યાસ કરવા અંગેની વાતચીતમાં માહિનબેગમે કહયું હતું કે, મારે સાયન્ટીસ્ટ બનીને સમાજને ઉપયોગી થાય તે દિશામાં સંશોધન કરવું છે. જો કે, મારા પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી નથી. પરંતુ મારા માતા-પિતાને આશા છે કે સારા કામમાં ઘણી અડચણો આવશે પણ હિંમત હાર્યા વિના જો સતત પ્રયત્ન કરતા રહીશું તો સફળતા જરૂર મળશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts