(સંવાદદાતા દ્વારા)
ધોળકા, તા.૨૬
અમદાવાદ જિલ્લાના ધોળકામાં તારીખ ૨૩-૭-૨૬ ગુરૂવારના રોજ અતિભારે વરસાદના કારણે ધોળકા તેમજ આજુબાજુના વિસ્તારોમાં ખાસ કરીને કલિકુંડ – સરોડા રોડ તેમજ ધોળકા – અમદાવાદ રોડની સોસાયટીઓમાં ખુબજ પાણી ભરાઈ જવાના કારણે લોકો સંપર્ક વિહોણા થઈ ગયેલ હતા. ત્યારે ધોળકા મુસ્લિમ સમાજના યુવાનો તેમજ ખિદમતે ખલ્ક ચેરિટેબલ ટ્રસ્ટ તથા ઇત્તેહાદ મિલ્લત ગ્રુપ વગેરે સંસ્થાઓના વોલેન્ટિયર્સ દ્વારા તમામ સંપર્ક વિહોણી સોસાયટીઓમાં માથા સમા પાણીમાં ઉતરી પીવાનું પાણી, ગરમ ખીચડી, દૂધ, દવા, કોરો નાસ્તો તેમજ ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઘણા લોકો જેઓ પાણીમાં ફસાયેલ હતા તેમને ટ્રેક્ટર દ્વારા રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. જમવાની તમામ વ્યવસ્થા ત્રણ દિવસ માટે સુન્ની મુસ્લિમ ઘાંચી જમાતખાનામાંથી કરી માનવતાનું ઉત્તમ અને નેક કામ કરી લોકોના દિલ જીતી લીધા છે.