નવરાત્રિ પર મટનની દુકાનો બંધ રખાવવા દિલ્હી ભાજપના ધારાસભ્યોની માગણી, કોંગ્રેસના સાંસદે પણ માગણીને ટેકો આપ્યો

દિલ્હી અને જમ્મુ તથા કાશ્મીરના ભાજપના આગેવાનોએ હિન્દુ લાગણીઓને ધ્યાનમાં લઈને નવરાત્રિ પર મટનની દુકાનો બંધ રાખવાની માગણી કરી છે અને આ માગણીને કોંગ્રેસના સાંસદ ઇમરાન મસૂદનું પણ સમર્થન મળ્યું

(એજન્સી)                       નવી દિલ્હી, તા.૨૫
દિલ્હી તેમજ જમ્મુ અને કાશ્મીરના ભાજપના આગેવાનોએ રમઝાન માસના અંત ભાગથી એટલે કે ૩૦ માર્ચથી શરૂ થઈ રહેલા નવરાત્રિ પર્વ દરમિયાન મટનની દુકાનો બંધ રખાવવાની માગણી કરી છે. હિન્દુઓની ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખીને તેમણે પોતાની માગણી વાજબી ગણાવી છે. ભાજપના નેતાઓની માગણીને કોંગ્રેસના યુપીના સાંસદ ઇમરાન મસૂદે પણ સમર્થન આપ્યું છે જ્યારે કાશ્મીરની નેશનલ કોન્ફરન્સના ધારાસભ્ય તનવીર સાદી કે ભાજપના નેતાઓની માગણીનો જોરદાર વિરોધ કર્યો છે.  આ મુદ્દો ત્યારે વધુ ગતિ પકડી ચૂક્યો હતો જ્યારે દિલ્હી ભાજપના ધારાસભ્યો રવીન્દ્ર નેગી અને નીરજ વસોયાએ દિલ્હીમાં નવરાત્રિ દરમિયાન મટનની તમામ દુકાનો બંધ રખાવવા માગણી કરી હતી અને જણાવ્યું હતું કે નવરાત્રિ દરમિયાન મટન શોપ ચાલુ રહેવાથી હિન્દુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચે છે. કાશ્મીર ભાજપના એક ધારાસભ્યએ પણ આવી જ માગણી કરી છે.  દિલ્હીના ભાજપ ધારાસભ્ય નેગીએ જણાવ્યું હતું કે નવરાત્રિ દરમિયાન ઘણી વખત મંદિરોની સામે પણ મટનની દુકાનો શરૂ થઈ જતી હોય છે. આ હિન્દુઓનું પર્વ છે અને મટન જોઈને એમની લાગણીઓને હાની થાય છે. એ અમારી લાગણીઓને જફા પહોંચાડે છે. ઈદ આવે તો મીઠી સેવૈયા ખાઈ શકાય છે પણ બકરાને હલાલ કરવાની કોઈ જરૂર નથી.  ભાજપ ધારાસભ્યએ એવું પણ આહવાન કર્યું છે કે મારા મતવિસ્તાર પ્રતાપગંજ સહિત સમગ્ર દિલ્હીમાં મટનની દુકાનો બંધ રહે અને વહીવટી તંત્રના આદેશનું પાલન ન થાય તો અમે દુકાનો બંધ કરાવીશું. દિલ્હી ભાજપના બીજા ધારાસભ્ય નીરજ બસોયાએ પણ આવી માંગણી કરી છે અને કહ્યું છે કે નવરાત્રિ પર મટન વેચતી દુકાનો બંધ કરી દેવી જોઈએ અને આવી દુકાનો રહેણાંક વિસ્તારોમાં હોવી ન જોઈએ. આવા દુકાનદારો ગુંડાગીરી કરતા હોય છે. નવરાત્રિ ના હોય તો પણ રહેણાંક વિસ્તારોમાં આવી દુકાનો હોવી ન જોઈએ અને એ માટે અલગ કોમર્શિયલ ઝોન હોવા જોઈએ અને ત્યાં જ એ દુકાનો ખોલવા દેવી જોઈએ.  યુપીના કોંગ્રેસના સાંસદ ઇમરાન મસૂદે ભાજપની માગણીને ટેકો આપીને જણાવ્યું છે કે દરેક ધર્મનું સન્માન થવું જોઈએ. આપણે એકબીજાની ધાર્મિક લાગણીઓને માન આપવું જોઈએ અને હું ખુદ નવરાત્રિ દરમિયાન મટન ખાતો નથી. જો દસ દિવસ મટનથી દૂર રહેવું પડે તો તેમાં ખોટું શું છે ? જો આટલા ટૂંકા ગાળામાં મુસ્લિમો મટનના ઉપયોગથી દૂર રહે તો કોઈને કશું નુકસાન થવાનું નથી.  ભાજપની આવી માગણી અંગે જમ્મુ અને કાશ્મીરના મંત્રી સતીશ શર્માએ જણાવ્યું હતું કે કાશ્મીર એ બિનસાંપ્રદાયિક રાજ્ય છે અહીં દરેક સમાજ અને વર્ગના લોકો સુમેળ સાથે રહે છે એટલે અહીં પ્રજા ઉપર આવા કોઈ આદેશો લાગુ કરવાની જરૂર નથી. સ્વેચ્છાએ તેઓ આવું પગલું લે તો એ આવકાર્ય છે. નેશનલ કોન્ફરન્સના ધારાસભ્ય  તનવીર સાદીકે જણાવ્યું હતું કે અત્યારે રમઝાન મહિનો ચાલી રહ્યો છે એટલે માત્ર ધાર્મિક કારણો આગળ ધરીને મટનની દુકાનો બંધ કરાવી શકાય નહીં. અમે રમઝાનમાં કોઈ રેસ્ટોરન્ટ કે કેન્ટીનો બંધ કરાવવાની માગણી કરતા નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts