(એજન્સી) તા.૪
પેલેસ્ટીનની નેતાગીરીમાં ફેરબદલ કરવાની હાકલ કરવા બદલ ફતાહ મુવમેન્ટે અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માઈક પોમ્પિઓની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. ફતહ ઈન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટના વડા મુનીર જાગૌબે એક ફેસબુક પોસ્ટના માધ્યમથી પોમ્પિઓના નિવેદન સામે પ્રતિક્રિયા આપતાં પ્રશ્ન કર્યો હતો કે શ્રીમાન પોમ્પિઓ તમને કયારે આ વાતનું ભાન થશે કે અમે પેલેસ્ટીની લોકો હંમેશાં પોતાની મરજીથી જ અમારી નેતાગીરીને પસંદ કરીએ છીએ. અમારો દેશ કબજા હેઠળ હોવા છતાં તે બનાના રિપબ્લિક નથી. નોંધનીય છે કે મર્યાદિત સંસાધનો ધરાવતા અને રાજકીય અસ્થિરતા ધરાવતા દેશને બનાના રિપબ્લિક તરીકે ઓળખવામાં આવે છે. જાગૌબે આગળ કહ્યું હતું કે તમને આ ભાન થવું જ જોઈએ કે ગૌરવ, આત્મસન્માન અને ભવિષ્ય અંગે આત્મવિશ્વાસ એ પેલેસ્ટીનીઓ સાથે અભિન્ન રીતે સંકળાયેલા રહેશે. પેલેસ્ટીનની સ્વતંત્રતાના ઉદ્દેશને કમજોર બનાવતી કોઈપણ યોજનાને સ્વીકારવાનો ઈન્કાર કરતાં ફતાહના અધિકારીએ કહ્યું હતું કે અમે કહેવાતી ડીલ ઓફ ધ સેન્ચુરીના આધારે કોઈની સાથે મંત્રણા કરીશું નહીં.