સુંદરની સાત અને અશ્વિનની ત્રણ વિકેટ, ટીમ ઇન્ડિયાના બે બોલરોએ ૧૦ વિકેટ ઝડપી
પુણે, તા.૨૪
ભારતીય ક્રિકેટ ટીમે પુણેમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ન્યુઝીલેન્ડ પર પકડ જમાવી દીધી છે. પ્રથમ દિવસે ટી બ્રેક પહેલા જ ટીમ ઇન્ડિયાએ વોશિંગ્ટન સુંદરની ઘાતક બોલિંગની મદદથી કિવી ટીમને ૨૫૯ રનમાં સમેટી દીધી. પ્રથમ ઇનિંગમાં ન્યુઝીલેન્ડ માટે સૌથી વધારે ડેવોન કોન્વેએ ૭૬ અને રચિન રવિન્દ્રએ ૬૫ રનની ઇનિંગ રમી. તેમણે બેંગ્લોરમાં પણ મેચ વિનિંગ ઇનિંગ રમી હતી, જ્યારે ભારત માટે લાંબા સમય બાદ મેદાન પર ઊતરેલા વોશિંગ્ટન સુંદરે ૭ વિકેટ ઝડપી, જ્યારે ત્રણ વિકેટ અશ્વિને ઝડપી હતી. આ રીતે ભારતીય ટીમ માટે ફક્ત બે બોલરોએ મળીને બધી ૧૦ વિકેટ ઝડપી. દિવસની રમત સમાપ્ત થવા સુધી ભારતે પ્રથમ ઇનિંગમાં એક વિકેટે ૧૬ રન બનાવ્યા છે. રોહિત શર્મા ખાતું ખોલાવ્યા વિના ટિમ સાઉથીની બોલિંગમાં બોલ્ડ થયો. જ્યારે યશસ્વી જયસ્વાલ ૬ અને શુભમન ગિલ ૧૦ રન બનાવી અણનમ છે. ન્યુઝીલેન્ડે મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સ્પિન ફ્રેન્ડલી પિચ પર ભારત જો ટોસ જીતતો તે પણ આ જ નિર્ણય કરત. તેણે પ્લેઇંગ ઇલેવનમાં એક ફેરફાર મેટ હેનરીના રૂપમાં કર્યો. જ્યારે ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર થયા છે. વોશિંગ્ટન સુંદર, શુભમન ગિલ અને આકાશ દીપનું પુનરાગમન થયું. જ્યારે કે.એલ. રાહુલ, મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવને બહાર કરાયા છે.